નવી દિલ્હી : ભારત-ચીન સીમા ગતિરોધ વચ્ચે વિદેશ પ્રધાન જયશંકરે શનિવારે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર યથાસ્થિતિમાં પરિવર્તનનો કોઇપણ એકતરફી પ્રયાસ અસ્વીકાર્ય છે. તેમજ સંબધોમાં સામાન્ય સ્થિતિ કરવા માટે બંને દેશો વચ્ચેના કરારોને નિષ્ઠાપૂર્વક સમ્માન મળવું જોઇએ.
જયશંકરે આપ્યું સરદાર પટેલ સ્મારકનું વ્યાખ્યાન
જયશંકરે જણાવ્યું કે, સરહદી વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણે ભારત અને ચીનની વચ્ચે અન્ય ક્ષેત્રોમાં સંકલન વધારવા માટેનો આધાર પૂરો પાડ્યો છે. પરંતુ મહામારી સામે આવતા સંબધ તણાવપૂર્ણ થયા છે. તે સરદાર પટેલ સ્મારકનું વ્યાખ્યાન આપી રહ્યા હતા. જેનું પ્રસારણ આકાશવાણીથી કરવામાં આવ્યું હતું.
બંન્ને દેશોએ પડકારોનું સમાધાન કર્યું
તેમણે કહ્યું કે, ત્રણ દાયકા સુધી સંબંધો સ્થિર રહ્યા કારણ કે, બંન્ને દેશોએ નવી પરિસ્થિતિ અને વારસામાં મળેલા પડકારોનું સમાધાન કર્યું. ભારત અને ચીન વચ્ચે પાછલા પાંચ મહિનાથી પણ વધારે સમયથી સીમા પર અડચણ ચાલી રહી છે. જેનાથી સંબંધોમાં તણાવ આવ્યો છે. બંને પક્ષો વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે અનેક વાટાઘાટો થઈ છે. પરંતુ ગતિરોધ પૂરો થયો નથી.