ગોવાઃ લોકડાઉન કદાચ આખા દેશમાં હળવું કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની અસર અને તેનો પ્રભાવ બંને ઓછા થતા નથી. 4 તબક્કાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન છતાં, દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને હવે ગોવામાં લોકોએ એક મોટું પગલું ભર્યું છે. કોરોના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ગોવાના વધુ એક ગામના લોકોએ 7 દિવસનું લોકડાઉન અમલમાં મૂક્યું છે. આ ગામ છે અગરવાડા-ચોપડેમ. આ ગામના લોકોએ સ્વયં લોકડાઉન અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.
અગરવાડા-ચોપડેમ પંચાયતે કહ્યું છે કે, જો કોઈ પણ જાતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 5000 હજારનો દંડ ભરવો પડશે. આ લોકડાઉન 15-21જૂન સુધી રહેશે. આદેશ પ્રમાણે દુકાનો, પ્રાઈવેટ ઓફિસ બંધ રહેશે. દવાની દુકાન, બેન્ક, સરકારી ઓફિસ, ડેરી અને ક્લિનીક ચાલુ રહેશે.
કર્ણાટકની સરહદ આવેલા સત્તારીના કેરી ગામે મંગળવારે લોકડાઉન લગાવી દીધું હતું, ત્યારબાદ મોરલેમમાં પણ બધુ બંધ કરાયું હતું. બિચોલીમ તાલુકાના પાલે ગામ અને સાંખલીમ વિધાનસભા મત વિસ્તારની દુકાનો પણ બંધ રહી હતી. આ ઉપરાંત કેરી અને કેટલાક અન્ય ગામોમાં ચાર દિવસનો લોકડાઉન લાદવામાં આવ્યો હતો. અત્યારે ગોવામાં 400 એક્ટિવ કેસ છે.