અમદાવાદ: નાણાંપ્રધાન નિર્મલા સીતારમને કોરોના વાયરસના કેર વચ્ચે ભારતમાં આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તેને ધ્યાને લઈને આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ગરીબ, મજૂરો, મહિલા, દિવ્યાંગો, વિધવા અને સીનીયર સીટીઝન વર્ગના ફાયદો થશે.
આર્થિક પેકેજની મહત્વની જોગવાઈઓ
- કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં જોડાયા છે તેવો મેડિકલ સ્ટાફ, કે જેમાં ડૉકટર, નર્સ, આશા વર્કરને સરકાર તરફથી 50 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. 20 લાખ જેટલા મેડિકલ સ્ટાફને ફાયદો થશે.
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના મુજબ 80 કરોડ ગરીબોને ત્રણ મહિના સુધી 5 કિલો ચોખા અથવા ઘઉ અને એક કિલો દાળ મફત આપવામાં આવશે
- સીનીયર સીટીઝન(બુઝર્ગ), દિવ્યાંગો, વિધવાને બે હપતામાં રૂપિયા 1000 ત્રણ મહિના સુધી અપાશે. 3 કરોડ લોકોને ફાયદો થશે
- 8.7 કરોડ ખેડૂતોના ખાતામાં એપ્રિલ પહેલા રૂપિયા 2000 ડાયરેક્ટ ટ્રાન્સફર થશે.
- મનરેગા યોજનાનો લાભ 5 કરોડ પરિવારને મળે છે. મનરેગામાં કામ કરનારનું વેતન રૂપિયા 182થી વધારીને 202 કરી દેવાયું છે.
- જનધન યોજનામાં જે 20 કરોડ મહિલાઓના ખાતા ખુલ્યા હતા, તેમને ખાતામાં ત્રણ મહિના સુધી રૂપિયા 500 ટ્રાન્સફર કરાશે
- 8.3 કરોડ બીપીએલ પરિવારોને 3 મહિના સુધી ઉજ્જવલા યોજના હેઠળ ફ્રીમાં એલપીજી સિલીન્ડર આપવામાં આવશે.
- સરકાર એમ્પ્લોયી અને એમ્પોલયર બન્ને માટે ઈપીએફનું યોગદાન આપશે. 100થી ઓછા કર્મચારીઓ હોય તેવા અને જે કર્મચારીઓનો પગાર રૂપિયા 15,000થી ઓછો હોય તેમનો ઈપીએફનો હિસ્સો ત્રણ મહિના સુધી સરકાર આપશે. 80 લાખ મજૂરો અને 4 લાખ જેટલા સંગઠિત એકમોને ફાયદો થશે.
- ઈપીએફઓના રેગ્યુલેશનમાં સ્પેશિયલ ફેરફાર કરાયો છે. જે મુજબ ઈપીએફમાં જમા રકમના 75 ટકા અથવા તો ત્રણ મહિનાનો પગાર જે ઓછું હોય તે રકમ જરૂર પડે તો તે ઉપાડ કરી શકાશે.