આદર્શ રીતે NCRBના તાજા 2019ના ‘ક્રાઈમ ઈન ઇન્ડિયા’ અહેવાલ, જે વર્ષ 2018 દરમિયાન અપરાધનું દસ્તાવેજીકરણ કરે છે, એમાં જે પ્રકારના અપરાધે અગત્યનું સ્થાન મેળવવું જોઈતું હતું તે છે ગોહત્યા અથવા ગોમાંસના વેપાર સાથે કથિત રીતે સંકળાયેલા લઘુમતી સમુદાયના લોકોને ગેરકાયદે મારી નાખે તેવા પ્રકારના નફરતપૂર્ણ અપરાધો. નફરતભર્યા સમાચારના વેચનારા વોટ્સએપ જેવા નવી પેઢીના સંદેશા મંચો આ હત્યાઓ પૈકીની કેટલીક પાછળ છે. ગોહત્યા પર પ્રતિબંધથી ઉત્તર ભારતનાં કેટલાંક ગામોમાં જે તણાવ અને હિંસા થયાં છે તેના પર પણ NCRBનો અહેવાલ શાંત છે. રખડતાં ગોધન જેને પહેલાં કસાઈવાડે મોકલી દેવાતાં, તે હવે ખેતરોમાં અને ઘરોમાં ઘૂસી જાય છે અને તેનાથી અશાંતિ તથા હિંસા થાય છે. ધાર્મિક તકેદારી રાખતા લોકો અને દંડાત્મક કાયદાઓના ભયના લીધે ગ્રામવાસીઓ બિનઉત્પાદક પ્રાણીઓ સામે કોઈ પગલાં લેતાં ડરે છે પરંતુ તેનાથી તેમના ખેતરોમાં ગંભીર વિવાદ સર્જાય છે.
આદર્શ રીતે ક્રુધ ગ્રામવાસીઓ વચ્ચે સંઘર્ષને ગ્રામીણ રમખાણોની શ્રેણીમાં મૂકાવા જોઈતા હતા પરંતુ આ અહેવાલના ઘડવૈયાઓને તે અસુવિધારૂપ લાગ્યું. વર્ષ 2016 સુધી NCRBએ ‘કૃષિ રમખાણો’ની પેટા શ્રેણી બનાવી હતી જેમાં વર્ષ 2014માં 628 કેસ હતા તે વધીને વર્ષ 2015માં 2683 થઈ ગયા અને આ રીતે તેમાં 327 ટકા વધારો થઈ ગયો. ગ્રામીણ વિસ્તારોમાં રમખાણોમાં આ અધધ વધારા, જે ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના પડી ભાંગવા અથવા જમીન વિવાદોના કારણે હોઈ શકે છે, પછી આ શ્રેણી તે પછીના NCRB અહેવાલોમાં પડતી મૂકાઈ. કોઈ પણ શ્રેણી ગાયબ થઈ જવાની સામાન્ય સમજૂતી એ છે કે, બનાવો નોંધપાત્ર સંખ્યામાં નહોતા અને આથી તેને વિશેષ મહત્ત્વ આપવાનું યોગ્ય નહોતું. ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે અને ખેડૂતો તેમની તકલીફો પ્રશાસકોને સમજાય તે માટે આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આશ્ચર્ય છે કે અહેવાલે આ શ્રેણી હટાવી દેવાનું કેમ પસંદ કર્યું.
કૃષિ ક્ષેત્ર સંવેદનશીલ વિસ્તાર છે અને સરકારો એ સમજાવવામાં ફાંફા મારે છે કે ખેડૂતોને આત્મહત્યા કરવા શું પ્રેરે છે. દેશે ૧૯૯૧માં આર્થિક સુધારા શરૂ કર્યા તે પછી આ બનાવોએ મહત્ત્વ ધારણ કર્યું અને રોકડિયા પાકને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. ઊંચું વળતર મળવાની ધારણાએ ગામના શાહુકાર પાસેથી અતિ વધુ વ્યાજે નાણાં લઈને ભારે દેવા હેઠળ ડૂબી જતા ખેડૂતોને જ્યારે જંતુનાશક કે નબળા ચોમાસા કે યોગ્ય સિંચાઈના અભાવે પાક બગડી જાય ત્યારે આપઘાત કરવાનો વારો આવે છે. વર્ષ ૨૦૧૮ના આંકડાઓ દર્શઆવે છે કે ખેડૂતોના આપઘાતની સંખ્યામાં ઘટાડો થયો છે. આનાથી વિરુદ્ધ, બેરોજગાર યુવાનોના આપઘાતની સંખ્યાને જો વર્ષ ૨૦૧૭ સાથે સરખાવીએ તો, ૨૦૧૮માં તે વધીને ૧૨,૯૩૬એ પહોંચી ગઈ છે. આ આંકડો મોટા ભાગની સરકારો માટે અરુચિકર છે, પરંતુ બેરોજગારી ૪૨ વર્ષની ઉચ્ચ સપાટીએ છે તેવા અહેવાલો છે ત્યારે આપણને વિચારીને ધ્રૂજારી છૂટી જાય છે કે આગામી એનસીઆરબીના અહેવાલમાં તે કેવી રીતે દર્શાવાશે.
સરકારો અને રાજકીય પક્ષો બીજા જે આંકડાથી ડરે છે તે છે મહિલાઓ સામેના અપરાધો. વર્ષ ૨૦૧૮માં દર ૧૫ મિનિટે એક મહિલા પર ભારતમાં બળાત્કાર થયો હતો અને ૯૪ ટકા અપરાધીઓ મહિલાઓના જાણીતા હતા. નોંધાયેલા કુલ કેસોની સંખ્યા ૩૩,૩૫૬ હતી જે ખૂબ જ ઓછું અનુમાન છે. આ અપરાધ સાથે શરમ સંકળાયેલી હોવાથી નોંધાયેલા કેસો હિમશિલાની ટોચ સમાન હોઈ શકે છે. આપણા દેશમાં જે ખરાબ અને સંવેદનહીન રીતે બળાત્કારના કેસોને સંભાળાય છે તેના વિશે અનેક પીડિતાઓ વાંચે કે સાંભળે છે ત્યારે તે પોલીસ મથકોની મુલાકાત લેવાથી ખચકાય છે. ગ્રામીણ વિસ્તારો કે જ્યાં પોલીસોને બળાત્કાર શા માટે થાય છે તેના પર અલગ દૃષ્ટિકોણ હોય છે, ત્યાં આ નિયમ જેવું છે. કેટલાંક વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન મુલાયમસિંહ યાદવે સ્પષ્ટ રીતે તેમના પક્ષના કેટલાક કાર્યકરો સામે બળાત્કારના આક્ષેપો ફગાવતાં કહ્યું હતું કે છોકરાઓ છોકરાઓ હોય છે. સામંતવાદી ભારતના રાજકીય વર્ગનો અભિગમ વર્ષ ૨૦૧૨માં રાષ્ટ્રવ્યાપી આંદોલન પછી પણ જેમનો તેમ રહ્યો છે. ઉન્નાવ બળાત્કાર પીડિતાએ કોની સામે લડવું પડે છે તે જુઓ. આ તો તેનો દૃઢ નિશ્ચય જ કહેવાય જેનાથી શાસક પક્ષના રાજકારણી દોષિત ઠર્યો. યોગાનુયોગ, રાજકારણી ઉત્તર પ્રદેશનો છે જ્યાં મહિલાઓ સામે હિંસામાં સ્પષ્ટ વધારો થયો છે.