પ્રચાર અભિયાનમાં અમિતાભ જોડાતા રાજ્યના પર્યટન ઉદ્યોગને મોટી માત્રામાં ફાયદો થયો હતો. રાજ્ય સરકાર પર્યટનના માળખા, પ્રચાર અને નીતિને પ્રોત્સાહન આપવા ત્રણેય સ્તરે સાથે મળીને કામ કર્યું હતું. સરકારે ખાસ ધાર્મિક પર્યટન, બીચ ટૂરિઝમ અને મેડિકલ ટૂરિઝમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે રાજ્ય સરકારે સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. જેનો સીધો ફાયદો ગુજરાતને થયો હતો. ગુજરાત અને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલ દેશના ઘણા લોકોએ વખાણી હતી.
ગુજરાતમાં ગીર સિંહથી લઈ કચ્છના રણ વિશે, "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" જેવા સુત્રો સમગ્ર દેશમાં પ્રચલિત થયાં છે. સાપુતારાની મજાથી માઁ માતા અંબાના અંબાજી સુધી બચ્ચને પ્રચાર-પ્રસારનું કામ કર્યું. સોમનાથથી લઈ દ્વારકા સુધી સમગ્ર ગુજરાતના વિવિધ સ્થળોનો પ્રચાર-પ્રસાર કર્યો. જેથી ગુજરાત પ્રવાસનની લોકપ્રિયતા વધી હતી.
ખૂશ્બુ ગુજરાત કી.. કુછ દિન તો ગુજારો ગુજરાત મે... અમિતાભ બચ્ચને ટીવી સ્ક્રીન પર ઉચ્ચારેલા આ શબ્દોએ ઘણા પ્રવાસીઓના હૃદય અને મગજ પર ક્યારેય ન ભુલાઈ તેવો સંદેશો આપ્યો છે. આ એજ ગુજરાત છે, જે થોડા સમય પહેલા શ્રેષ્ઠ પર્યટકો આપવા અંગે જાણીતું હતું, એ જ રાજ્ય પોતાનામાં એક જીવંત પર્યટન સ્થળ બન્યું છે. જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે.