નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, બિમ્સટેક (BIMSTEC) રાષ્ટ્રો સાથે ભારતના ગાઢ સંબંધ છે. તેમણે કહ્યું કે, હું આજે તમામને જણાવવા માગુ છું કે, અમે દુનિયાના કોઈ પણ ખૂણેથી ભારતમાં માદક દ્રવ્યોને આવવા પણ નહીં દઈએ અને ભારતમાંથી કોઈ પણ સ્થળે જવા પણ નહીં દઈએ. સમગ્ર દુનિયામાં માદક દ્રવ્યોની તસ્કરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ પ્રધાને કહ્યું કે, ભારતે માદક દ્રવ્યો પ્રતિ ઝીરો ટૉલરેન્સની નીતિ અમલમાં મૂકી છે. અમે દેશમાં નારકોટિક્સ કંટ્રોલના સખતાઈ માટે પગલાં લીધાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ UN અને ઈન્ટરપૉલની સાથે પણ ઘણાં પગલાં લીધા છે. બિમ્સટેક કૉન્ફરેન્સની સાથે આ દિશામાં આ એક નવું પગલું છે.