જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ દુર થયા પછી પૂર્વોત્તરના લોકોને ડર હતો કે, સરકાર અનુચ્છેદ 371ને પણ હટાવી દેશે. પરંતુ રવિવારે આસામમાં ગૃહપ્રધાન અમિત શાહે બાંહેધરી આપી હતી કે, ભાજપ સરકાર કલમ 371 સાથે કોઈ છેડછાડ નહીં કરે. ગૃહપ્રધાનના નિવેદન પછી કલમ 371 અંગે ચાલતી તમામ અટકળોનો અંત આવી ગયો હતો.
શું છે કલમ 371 ?
કેટલાક રાજ્યોમાં કલમ 371 લાગુ કરાઈ છે. જેમાં મોટાભાગે પૂર્વોત્તર રાજ્યનો સમાવેશ થાય છે. કલમ 371 આ રાજ્યોની સંસ્કુતિને સંરક્ષણ પ્રદાન કરે છે. જેના કારણે આ રાજ્યોને વિશેષ દરજ્જો મળે છે.
ઉકેલાશે સરહદી વિવાદ
ગૃહપ્રધાન અમિત શાહે આસામના લોકોને એ પણ આશ્વાસન આપ્યુ હતું કે, એક પણ ઘુસણખોરને આસામમાં રહેવા દેવાશે નહીં. આ ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે, મોદી શાસનકાળમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયો છે. આખી દુનિયા જાણે છે કે, ભારત આતંકવાદને અંકુશમાં રાખવા માટે સક્ષમ છે.
અમિત શાહે સીમાવિવાદ અંગે કહ્યુ હતું કે, પૂર્વોત્તરના રાજ્યોમાં સીમાઓના લીધે ઘણો વિવાદ છે. ભારત-બાંગ્લાલેશની સરહદનો વિવાદ ઉકેલી શકાય તેમ છે.
પૂર્વોત્તર રાજ્યો વિશે તેમણે કહ્યુ હતું કે, અત્યાર સુધી આ રાજ્યો આતંકવાદ, ડ્રગ્સ વેપાર, અને સામાજીક તણાવ માટે ઓળખાતા હતાં. પરંતુ હવે આ રાજ્યો વિકાસ, રમત-ગમત, સંરચના સહિતના હકારાત્મક પાસાઓ માટે જાણીતા થયા છે.