ગુજરાત

gujarat

By

Published : Jun 29, 2020, 10:26 PM IST

ETV Bharat / bharat

ચીન સાથે તણાવની વચ્ચે ભારતના રશિયા- અમેરિકા સાથેના સુરક્ષા સંબંધો ચર્ચામાં

ચીનમાં એક શહેર મારફતે પૂરા વિશ્વમાં મહામારી ફેલાઈ તેની વચ્ચે લદ્દાખમાં સંઘર્ષ સાથે ચીનની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષા સપાટી પર આવી ગઈ ત્યારે ભારતના મહા સત્તા રશિયા અને અમેરિકા સાથેના સુરક્ષા સંબંધો અગાઉ ક્યારેય નહોતા તેટલા મહત્ત્વના છે.

ો
ચીન સાથે તણાવની વચ્ચે ભારતના રશિયા- અમેરિકા સાથેના સુરક્ષા સંબંધો ચર્ચામાં

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ રશિયાની ૭૫મી બીજા વિશ્વ યુદ્ધની પરેડમાં ભાગ લેવા આ સપ્તાહે ત્રણ દિવસીય મુલાકાતે ગયા હતા ત્યારે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પૉમ્પિયાઓ કહ્યું કે ભારત, મલયેશિયા, ઇન્ડોનેશિયા અને દક્ષિણ ચીન સમુદ્ર ક્ષેત્રમાં ચીનના ભયનો સામનો કરવા અમેરિકા પોતાના દળો યુરોપમાંથી અન્ય સ્થળોએ ખસેડી રહ્યું છે.

૨૨થી ૨૪ જૂનની તેમની મૉસ્કો યાત્રા દરમિયાન સિંહે રશિયાના નાયબ વડા પ્રધાન યુરુ બોરિસો સાથે મંગળવારે બેઠક કરી અને પછી ટ્વીટ કર્યું: "નાયબ વડા પ્રધાન શ્રી યુરી બોરિસોવ સાથે મારી ચર્ચા ખૂબ જ હકારાત્મક અને રચનાત્મક રહી. મને ખાતરી અપાઈ છે કે ચાલી રહેલા કૉન્ટ્રાક્ટ જાળવવામાં આવશે અને માત્ર જાળવવામાં આવશે એટલું જ નહીં, કેટલાક કેસો ટૂંક સમયમાં જ આગળ વધારાશે."

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારત તરફથી તમામ દરખાસ્તોને રશિયાઈ બાજુ તરફથી સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો.

સિંહ અને બોરિસોવ ભારત-રશિયાની વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી પર ઉચ્ચ સ્તરીય સમિતિના સહ-અધ્યક્ષો છે.

ભારતે અગાઉ શું માગ્યું હતું તેની વિગતો જોકે પ્રાપ્ય નથી કરાઈ, પરંતુ કોઈ પણ વ્યક્તિ સુરક્ષિત રીતે અનુમાન કરી શકે છે કે ચર્ચા માટે જે મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા હશે તેમાં લાંબા વિસ્તારમાં સપાટીથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઇલ પ્રણાલિ એસ-400 ટ્રિમ્ફની પ્રાપ્તિનો સમાવેશ થયો હશે.

ભારતે નવી દિલ્હીમાં 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીન વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય શિખર મંત્રણાની સાથે રશિયા સાથે 5.4 અબજ ડૉલરનો મિસાઇલ સોદો કર્યો હતો.

જાન્યુઆરી 2018માં અમેરિકા સરકારનો અમેરિકાના દુશ્મનોનો પ્રતિબંધો દ્વારા સામનો કરતો કાયદો (CAATSA) અમલમાં આવ્યો પછી એસ-400 મિસાઇલ સોદો ઘણી અટકળોનો વિષય રહ્યો હતો. સીએએટીએસએ રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયાની સંરક્ષણ કંપનીઓ સાથે વેપાર કરતા દેશોને લક્ષ્ય બનાવે છે.

અમેરિકાના સેનેટરોના એક સમૂહે રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા જેના માટે તેઓ રશિયાની યુક્રેન અને સિરિયામાં ચાલી રહેલા યુદ્ધમાં શરૂ રહેલી સામેલગીરીને અને ૨૦૧૬ની અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં કથિત હસ્તક્ષેપને જવાબદાર ગણાવે છે.

ગયા વર્ષે જૂનમાં, તે વખતના અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના મુખ્ય નાયબ સહાયક સચિવ એલિસ વેલ્સે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની પેટા સમિતિ સમક્ષ એક સત્તાવાર જુબાનીમાં કહ્યું હતું કે એસ-400 સંરક્ષણ પ્રણાલિની ખરીદીથી વધી રહેલા ભારત-અમેરિકી સૈન્ય સંબંધો પર લગામ લાગશે.

"એક ચોક્કસ તબક્કે, ભાગીદારી વિશે વ્યૂહાત્મક પસંદગી કરવી પડે છે અને આ વ્યૂહાત્મક પસંદગી એક દેશ કઈ શસ્ત્ર પ્રણાલિ અને મંચ અપનાવવા જઈ રહ્યો છે તે વિશે પણ છે." તેમ વેલ્સને કહેતાં ટાંકવામાં આવ્યાં હતાં.

અમેરિકાએ ભારતને કથિત રીતે એમઆઈએમ-૧૦૪ એફ પેટ્રિયૉટ (PAC-૩) સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સંરક્ષણ પ્રણાલિ અને ટર્મિનલ હાઇ એલ્ટિટ્યૂડ એરિયા ડિફેન્સ (THAAD) પ્રણાલિનો પ્રસ્તાવ કર્યો હતો પરંતુ ભારતે રશિયા સાથે એસ-૪૦૦ પ્રણાલિના સોદા બાબતે આગળ વધવાનું નક્કી કર્યું હતું.

નિષ્ણાતો મુજબ, એસ-૪૦૦ એ વિશ્વમાં પ્રાપ્ય સૌથી આધુનિક વાયુ સુરક્ષા પ્રણાલિ પૈકીની એક છે. તે અનેક રીતે કાર્ય કરતા રડાર, સ્વાયત્ત ભાળ અને લક્ષ્ય બનાવતી પ્રણાલિઓ, એન્ટિ ઍરક્રાફ્ટ મિસાઇલ સિસ્ટમ, લૉન્ચર અને કમાન્ડ તેમજ કંટ્રૉલ સેન્ટર સાથે સંકલન સાધે છે. તે સ્તરવાળી સુરક્ષા સર્જવા માટે ત્રણ પ્રકારની મિસાઇલ ફોડવા સક્ષમ છે.

"આ પ્રણાલિ તમામ પ્રકારના હવાઈ લક્ષ્યો- જેમાં વિમાન, ચાલકવિહોણા હવાઈ વાહનો (યુએવી) તેમજ બેલિસ્ટિક અને ક્રુઇઝ મિસાઇલને ૩૦ કિમીની ઊંચાઈ પર ૪૦૦ કિમીના વિસ્તારમાં તોડી પાડે છે." કેમ army-technology.com વેબસાઇટ પર સમજાવાયું છે.

"એસ-400 રશિયાની અગાઉની વાયુ સુરક્ષા પ્રણાલિઓ કરતાં બમણી અસરકારક છે અને તેને પાંચ મિનિટમાં કામ પર લગાડી શકાય છે. તેને વાયુ સેના, નૌ સેના અને ભૂમિ સેનાનાં પ્રવર્તમાન અને ભવિષ્યનાં વાયુ સુરક્ષા એકમો સાથે સંકલિત કરી શકાય છે."

ગયા વર્ષે ઑક્ટોબરમાં વૉશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું હતું કે ભારતે અમેરિકા સાથે એસ-૪૦૦નો મુદ્દો ચર્ચ્યો છે અને તેમને તેમની સમજાવવાની શક્તિ પર "વાજબી વિશ્વાસ" છે.

"એ મારી આશા હશે કે લોકો સમજે કે અમારા માટે આ ખાસ વ્યવહાર શા માટે અગત્યનો છે, આથી હું માનું છું કે તમારો પ્રશ્ન મારા માટે કાલ્પનિક છે." તેમ જયશંકરે રશિયાના એક પત્રકારના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું.

તે પછી ગયા વર્ષે નવેમ્બરમાં, અમેરિકાએ સંકેત આપ્યો હતો કે CAATSA હેઠળ તે ભારત સામે પ્રતિબંધો નહીં લાદે. વિદેશ વિભાગના એક વરિષ્ઠ અધિકારીને માધ્યમો દ્વારા એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે "CAATSA પ્રતિબંધો પર સમયરેખાને સૂચવી શકાય નહીં કે તે સંપૂર્ણ નથી." અધિકારીએ જોકે કહ્યું હતું કે ભારતે રશિયા દ્વારા જાસૂસીને અટકાવવા સંરક્ષણ ટૅક્નૉલૉજી મજબૂત કરવી પડશે.

અમેરિકા-ભારત રાજકીય કાર્ય સમિતિના સ્થાપક સભ્ય અને નિયામક તેમજ ઇમેજિન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રોબિન્દર સચદેવ મુજબ, અમેરિકા દ્વારા ભારતને એસ-૪૦૦ સોદા માટે અપાયેલી રાહત, જ્યાં સુધી CAATSAના પ્રતિબંધોનો પ્રશ્ન છે, "કહેવામાં આવે કે ન આવે પરંતુ તે લીલી ઝંડી છે અથવા આંખ મિચામણા છે."

"પરંતુ તે એક સંદેશ સાથે અપાઈ છે કે ભારતે ભવિષ્યમાં CAATSAની જોગવાઈઓ અનુસાર રશિયા પાસેથી તેની સંરક્ષણ ખરીદી ઘટાડવી પડશે." તેમ સચદેવે ઇટીવી ભારતને સિંહની રશિયા મુલાકાત પછી કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે વાટાઘાટ દરમિયાન, અમેરિકાએ તે વખતે પ્રવર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એસ-૪૦૦ સોદા પર આગળ વધવા મંજૂરી આપી હતી.

"પરંતુ તેમણએ (અમેરિકા) ભારત પાસેથી ખાતરી લીધી છે કે તે (ભારત) ઈરાન પર અમેરિકાના પ્રતિબંધોનું પૂર્ણ પાલન કરશે." તેમ સચદેવે કહ્યું હતું.

૨૦૧૮માં ઈરાને સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો, જર્મની અને યુરોપીય સંઘ સાથે કરેલા 'કાર્યની સંયુક્ત સઘન યોજના' (JCPOA)માંથી અમેરિકા નીકળી ગયું હતું અને ઈરાનના કથિત પરમાણુ કાર્યક્રમના મુદ્દે ઈરાન પર નવા પ્રતિબંધો લાદ્યા હતા. તેના પગલે ભારતે તેના બીજા સૌથી મોટા તેલ પૂર્તિકાર ઈરાન પાસેથી ગયા વર્ષથી તેલ (ઑઇલ) આયાત કરવાનું બંધ કર્યું છે. જોકે નૈઋત્ય ઈરાનમાં ચાબહાર બંદરનો ભારત દ્વારા થઈ રહેલા વિકાસ સામે અમેરિકાએ વાંધો લીધો નથી. અફઘાનિસ્તાન અને ઈરાન સાથે ભારત સંયુક્ત રીતે આ બંદર વિકસાવી રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય ઉત્તર દક્ષિણ પરિવહન કૉરિડૉર (INSTC)માં મહત્ત્વની કડી સાબિત થવાનો છે. આ કૉરિડોર ૭,૨૦૦ કિમી લાંબો, જહાજ, રેલવે અને સડક માર્ગનું મલ્ટિ મૉડલ નેટવર્ક છે. જેના મારફતે ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મધ્ય એશિયા અને યુરોપ વચ્ચે સામાનની હેરફેર કરી શકાશે. આ બંદર વિકસાવવા અને પાકિસ્તાનને બાયપાસ કરીને તે દેશમાં પ્રવેશ માટે ત્યાંથી અફઘાનિસ્તાનનો માર્ગ વિકસાવવા ભારત 50 કરોડ ડૉલનું રોકાણ કરી રહ્યું છે.

હવે ૧૫-૧૬ જૂનની વચ્ચેની રાતે લદ્દાખમાં મધ્ય યુગની ઢબે જે લડાઈ થઈ જેના કારણે ભારતીય સેનાના 20 જવાન વીર ગતિને પ્રાપ્ત થયા ત્યારે રશિયા અને અમેરિકા બંને સાથે ભારતના સુરક્ષા સંબંધો ભૂવ્યૂહાત્મક મહત્ત્વની રીતે ચર્ચામાં આવ્યા છે.

સિંહની રશિયા મુલાકાતના પગલે ગુરુવારે અમેરિકાના વિદેશ પ્રધાન પૉમ્પિયોએ બ્રુસેલ્સ ફૉરમ, જે ટ્રાન્સ-ઍટલાન્ટિક ઍજન્ડાને આકાર આપવા અગત્યનો મંચ છે, તેના પરથી કહ્યું હતું કે મુક્ત વિશ્વ હેઠળ જે તમામ પ્રગતિ થઈ છે તેને ચીન મીટાવવા માગે છે અને આથી જ અમેરિકા યુરોપમાંથી તેનાં સૈન્ય દળોને ઘટાડી રહ્યું છે અને વિશ્વના અન્ય ભાગોમાં મૂકી રહ્યું છે.

ભારતીય સૈનિકોનાં મૃત્યુ બાબતે સાંત્વના વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું: "પીએલએ (પિપલ્સ લિબરેશન આર્મી ઑફ ચાઇના)એ ભારત કે જે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, તેની સાથે સીમા પર તણાવ વધાર્યો છે. તે દક્ષિણ ચીન સમુદ્રનું સૈન્યકરણ કરી રહ્યું છે અને તેના પર ગેરકાયદે વધુ પ્રદેશનો દાવો કરી રહ્યું છે જેનાથી મહત્ત્વના દરિયાઈ માર્ગો જોખમમાં આવ્યા છે."

આ મૂળભૂત રીતે દર્શાવે છે કે ચીન સેના ભારતીય પ્રદેશમાં - લદ્દાખમાં ઘૂસી આવી તે ચીનની આ ક્ષેત્રમાં ક્ષેત્રીય મહત્ત્વાકાંક્ષાનું તાજું ઉદાહરણ છે. અવલોકનકારોના કહેવા પ્રમાણે, વુહાન શહેરમાંથી શરૂ થયેલા અને ફેલાયેલા કૉવિડ-19 રોગચાળા વિશે પૂરતી માહિતી જાહેર નહીં કરવા માટે ચીન વિશ્વભરની ટીકાનો શિકાર બન્યું છે તેના કારણે ઘર આંગણે દબાણમાં આવ્યા પછી ચીનના પ્રમુખ શી જિનપિંગ બીજી એક વિચલનકારી યુક્તિ તરીકે આ (લદ્દાખવાળી ઘટના)નો ઉપયોગ કરી રહ્યા છે.

ભારત અને અમેરિકા બંને, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથે ચતુષ્કોણીય જોડાણનો ભાગ છે જે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ માટે કામ કરવા માગે છે. આ ક્ષેત્ર જાપાનના પૂર્વ કિનારાથી શરૂ થઈને આફ્રિકાના પૂર્વ કિનારા સુધી લંબાય છે. આ ક્ષેત્રમાં ચીનના પગપેસારા અને દક્ષિણ ચીન સમુદ્રમાં અતિક્રમણને જોતાં આ (જોડાણ) મહત્ત્વનું બની રહે છે.

દક્ષિણ ચીન સમુદ્રમાં આ ક્ષેત્રના અન્ય દેશો સાથે સ્પ્રેટલી અને પેરાસેલ ટાપુઓ પર ચીન વિવાદમાં સપડાયેલું છે.

સ્પ્રેટલી ટાપુઓ પર અન્ય દાવેદારોમાં બ્રુનેઇ, મલયેશિયા, ફિલિપાઇન્સ, તાઇવાન અને વિયેતનામ છે જ્યારે પેરાસેલ ટાપુઓ પર વિયેતનામ અને તાઇવાન દાવો કરે છે.

વર્ષ ૨૦૧૬માં, હેગ સ્થિત લવાદીના કાયમી ન્યાયાલયે (પરમેનન્ટ કૉર્ટ ઑફ આર્બિટ્રેશન)એ ઠરાવ્યું હતું કે વિશ્વમાં સૌથી વ્યસ્ત વાણિજ્યિક જહાજ માર્ગ પૈકીના એક એવા દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સના અધિકારોનું ચીને ઉલ્લંઘન કર્યું છે.

ન્યાયાલયે આક્ષેપ કર્યો હતો કે ચીન ફિલિપાઇન્સના માછીમારી અને પેટ્રૉલિયમ ક્ષારકામમાં હસ્તક્ષેપ કરે છે, જળમાં કૃત્રિમ ટાપુ બનાવે છે અને ચીનના માછીમારોને તે ક્ષેત્રમાં માછીમારી કરતા અટકાવવામાં નિષ્ફળ ગયું છે.

આ સપ્તાહે ફરી એક વાર વિયેતનામ અને ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સમુદ્રમાં દરિયાઈ કાયદાનું ચીને વારંવાર ઉલ્લંઘન કર્યું હોવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

"જ્યારે સમગ્ર દુનિયા (કૉવિડ-૧૯) રોગચાળા સામેની લડાઈમાં લાગેલી છે ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદાના બેજવાબદાર ઉલ્લંઘનનાં કૃત્યો થઈ રહ્યાં છે, જેનાથી અમારા ક્ષેત્ર સહિત ચોક્કસ ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાને અસર પહોંચી રહી છે." તેમ વિયેતનામના વડા પ્રધાન નગુયેન ફુઆન ફુકને એસોસિએશન ઑફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (આસિયાન) નેતાઓની આભાસી બેઠકમાં કહેતા ટાંકવામાં આવ્યા હતા.

દક્ષિણ ચીન સમુદ્ર સિવાય, ચીન મોડેથી જાપાન અને તાઇવાન સાથે પણ ક્ષેત્રીય વિવાદમાં સપડાયેલું છે.

આ મહિનાની શરૂઆતમાં, જાપાનના તટરક્ષકોએ જણાવ્યું હતું કે દક્ષિણ ચીન સમુદ્રમાં સેન્કાકુ ટાપુઓ જેને ચીન ડિયાયોઉ ટાપુ કહે છે, તેની પાસે ૬૭ ચીની સરકારી જહાજો દેખાયા હતા. આ ટાપુઓ પર ચીન અને જાપાન બંને દાવો કરી રહ્યાં છે.

દરમિયાનમાં, ચીનનાં વાયુ સેનાનાં વિમાનો આ મહિને ઓછામાં ઓછા ચાર વખત તાઇવાનની વાયુ સીમામાં ઘૂસી ગયા હતા જેના કારણએ પૂર્વીય એશિયાના આ રાષ્ટ્રને તેના જેટને તરત સામે મોકલવા પડ્યાં હતાં.

ચીન સ્વશાસિત તાઇવાનને તેના પોતાના પ્રદેશ તરીકે જુએ છે અને બીજા દેશોને તાઇપેઇ (તાઇવાન)ને રાજદ્વારી માન્યતા ન આપવા ફરજ પાડે છે.

ચીન દ્વારા સર્જવામાં આવેલી આ બધાં ભૂરાજકીય વાવંટોળની વચ્ચે ભારતના મહાસત્તાઓ રશિયા અને અમેરિકા સાથે સંરક્ષણ સંબંધો અત્યારે સૌથી અગત્યના બની રહે છે.

ભારત રશિયા સાથે 'ખાસ અને વિશેષાધિકારવાળી વ્યૂહાત્મક ભાગીદારી' વહેંચે છે ત્યારે અમેરિકા સાથે તેનો સંબંધ "સઘન વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી" તરીકે ચઢતી પામ્યો છે.

વર્ષ ૨૦૧૬માં અમેરિકાએ ભારતને 'મોટા સંરક્ષણ ભાગીદાર' તરીકે માન્યતા આપી હતી જેનાથી ભારત અમેરિકાનું સૌથી નજીકનું સાથી અને ભાગીદાર બને છે. તે અમેરિકાને ભારત સાથે સંરક્ષણ ટૅક્નૉલૉજીમાં સહાય કરવા પ્રતિબદ્ધ બનાવે છે.

-અરુણિમ ભૂયાન

ABOUT THE AUTHOR

...view details