નવી દિલ્હી: આ તરફ, ચીન અને ભારત વચ્ચે લડાખ પ્રાંતમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) સરહદ પર તંગદિલીભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, જેના પરિણામે છેલ્લાં 45 વર્ષોમાં પ્રથમ વખત બંને દેશોનાં સૈન્ય વચ્ચે અથડામણ થઇ હતી અને જાનહાનિ પણ થઇ હતી. આ ઘટના વૈશ્વિક ચિંતાનો વિષય બની હતી.
ગત સપ્તાહે, ચાઇનિઝ પિપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નેવીએ દક્ષિણ ચીન સમુદ્રમાં ઉભયજીવી હુમલાની પ્રવૃત્તિ દ્વારા સૈન્ય કવાયત હાથ ધરી હતી.
પેરાસેલ ટાપુઓ નજીક ચીનની તાજેતરની પ્રવૃત્તિઓના પ્રત્યુત્તરરૂપે અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં ત્રણ ન્યુક્લિયર પાવર્ડ એરક્રાફ્ટ કેરિયર તૈનાત કર્યા હતા.
ભારતથી લઇને દક્ષિણ ચીન સમુદ્ર અને તેનાથી આગળ વિસ્તરતા પ્રદેશમાં ચીનની તાજેતરની વિસ્તરણવાદી રૂપરેખા અંગે પ્રતિક્રિયા આપતાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિયોએ આઠમી જુલાઇએ જણાવ્યું હતું કે, “હિમાલયની પર્વતમાળાથી લઇને વિએટનામના એક્સક્લુઝિવ ઝોનનાં જળ સુધી અને સેન્કાકુ ટાપુઓ (પૂર્વ ચીની સમુદ્રમાં જાપાનની સીમા પાસે)થી આગળ સુધી બિજીંગ ઉશ્કેરણીજનક પ્રાંતીય વિવાદની પેટર્ન ધરાવે છે. વિશ્વએ આ ઉશ્કેરણી થવા દેવી જોઇએ નહીં કે ન તો આ પ્રવૃત્તિ યથાવત્ રાખવાની પરવાનગી આપવી જોઇએ.”
ત્યાર બાદ, ચાઇનિઝ કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર તરીકે કાર્ય કરતા અગ્રણી અંગ્રેજી દૈનિક ગ્લોબલ ટાઇમ્સે બુધવારે બિજીંગ સ્થિત વિશ્લેષકોને ટાંકીને જણાવ્યું હતું કે, “અમેરિકન સૈન્યનાં પાંચ જાસૂસી વિમાનો સળંગ ત્રણ દિવસ સુધી ચીનના ગુઆંગડોંગ પ્રાંત નજીક ઊડ્યાં હતાં.”
“અમેરિકન સૈન્યની ઉશ્કેરણીના પ્રતિસાદસ્વરૂપે પીએલએ વિવિધ પ્રતિરોધક પગલાં ભરી શકે છે અને અમેરિકન એરક્રાફ્ટની નજીક ફાઇટર જેટ્સ મોકલવાં અને તેમને ચીનના અવકાશ ક્ષેત્રમાંથી હાંકી કાઢવાં એ આવું જ એક પ્રતિકારક પગલું છે. પીએલએ અમેરિકન સૈન્યને તેના પોતાના દાવપેચ સાથે જવાબ આપી શકે છે,” તેવી ચેતવણી ગ્લોબલ ટાઇમ્સે ઉચ્ચારી હતી.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન થિંકટેંક ખાતે મેરીટાઇમ પોલીસ ઇનિશિએટિવના વડા અભિજીત સિંઘના જણાવ્યા મુજબ, અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાં તેનાં યુદ્ધ જહાજો મોકલી રહ્યું છે, તે પાછળ બિજીંગ માટે એ સંદેશો રહેલો છે કે તે આ પ્રદેશમાં ચઢાઇ કરી શકશે નહીં.
“તાજેતરના સમયમાં આ પ્રદેશમાં ચીનના મેરીટાઇમ મિલિટિયા (નોન-નેવલ સ્ટાફ)ની ગતિવિધિમાં વધારો થયો છે. આ ગતિવિધિ સ્પષ્ટપણે ધ્યાન ખેંચી રહી છે,” તેમ સિંઘે ઇટીવી ભારતને જણાવ્યું હતું.
આ જ કારણસર ASEAN દેશોએ અમેરિકા તથા જાપાન જેવા દેશોની મદદ માગી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સેન્ટર ઓફ ચાઇનિઝ એન્ડ સાઉથ ઇસ્ટ એશિયન સ્ટડીઝ ખાતે ચાઇનિઝ અને ચાઇના સ્ટડીઝના પ્રોફેસર બી આર દીપકના જણાવ્યા મુજબ, ચીનની તાજેતરની વિસ્તરણવાદી વર્તણૂંક કોઇ આકસ્મિક આંચકો નથી, બલ્કે તે ઘણો જૂનો છે.
“1979થી ચીનનું ધ્યાન સુધારણાઓ અને આર્થિક વિકાસ પર હતું. 2012 પછી, જ્યારે શિ જિનપિંગ પ્રમુખ બન્યા, ત્યારે ચીનમાં પૂરતા આત્મવિશ્વાસનો સંચાર થયો અને તેણે તેની વર્ચસ્વવાદી નીતિઓને આગળ ધપાવી,” તેમ દીપકે જણાવ્યું હતું.
સાથે જ તેમણે ભારત સાથેની લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પરના ચીનના દાવા અને દક્ષિણ ચીની મહાસાગરના ટાપુઓ પરના તેના દાવા વચ્ચે રહેલી સમાનતા દર્શાવી હતી.
“તેમણે પ્રથમ પ્રદેશ પર દાવો કર્યો, ત્યાર પછી તેના પર પુનઃ દાવો કર્યો, પછી તેનું લશ્કરીકરણ કર્યું અને પછી યથાસ્થિતિમાં ફેરફાર કર્યો. ત્યાર પછી પોતાની આંતરરાષ્ટ્રીય તાકાત થકી તેઓ વૈશ્વિક મંચોને પોતાના દાવાઓ અંગે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.”
પણ લડાખમાં સરહદ પર થયેલી અથડામણને પગલે દક્ષિણ ચીની સમુદ્રમાં નેવિગેશન પ્રવૃત્તિઓ હાથ ધરવાની ભારતની યોજના બિજીંગને આંખમાં કણાની માફક ખૂંચશે.
ગયા સપ્તાહે ઓનલાઇન મંચમાં આ અંગેની જાહેરાત કરતાં ફિલિપાઇન્સના સંરક્ષણ મંત્રિ ડેલ્ફિન લોરેન્ઝાનાએ જણાવ્યું હતું કે, “અમે અન્ય દેશોને દક્ષિણ ચીની સમુદ્રમાંથી પસાર થતાં કે પ્રવૃત્તિ કરતાં અટકાવતા નથી. બ્રિટિશરો દક્ષિણ ચીની સમુદ્રમાંથી પસાર થાય છે. તે જ રીતે ફ્રેન્ચ તથા અન્ય તમામ દેશો ત્યાંથી પસાર થાય છે. અમે તેમને આવવાનું આમંત્રણ નથી પાઠવતા."
ભારતનું પણ દક્ષિણ ચીની સમુદ્રમાં હાજર રહેવા માટે સ્વાગત કરવામાં આવે છે, તેમ જણાવતાં લોરેન્ઝાનાએ પીએલએ નૌસેનાની તાજેતરની નૌસેના કવાયત મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમની આ પ્રતિક્રિયાની પૃષ્ઠભૂમિ એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફિલિપાઇન્સના પ્રમુખ રોડ્રોગો ડ્યુટેર્ટે વચ્ચે ગયા મહિને ટેલિફોન પર ચર્ચા થઇ હતી, જે દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ફિલિપાઇન્સને જાપાનના પૂર્વ કાંઠાથી લઇને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી ફેલાયેલા પ્રદેશ ઇન્ડો-પેસિફિકના એક મહત્વના ભાગીદાર તરીકે જુએ છે.
આ પ્રદેશમાં ચીનના લડાયક અભિગમને પગલે ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા માટે કાર્યરત જૂથમાં ભારત સાથે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ સામેલ છે.
સિંઘના જણાવ્યા મુજબ, દક્ષિણ ચીની સમુદ્રમાં ભારતનો કોઇ પ્રત્યક્ષ હિસ્સો ન હોવા છતાં, તે આ પ્રદેશમાં ચીનના અત્યંત આક્રમક વર્તન બાબતે ચિંતિત છે.
“જો ચીન હિમાલય વિસ્તારમાં આવી ઉગ્રતા દર્શાવવાનું જારી રાખશે, તો (દક્ષિણ ચીની સમુદ્રમાં) ભારતને વધુ દ્રઢ પક્ષ લેવાની ફરજ પડશે,” તેમ તેમણે જણાવ્યું હતું.
ગયા મહિને ASEAN નેતાઓની વાર્ષિક વર્ચ્યુઅલ સમિટમાં વિએટનામના વડાપ્રધાન ન્ગુયેન ઝુઆન ફુકે દક્ષિણ ચીની સમુદ્રમાં ચીન દ્વારા દરિયાઇ કાયદાઓના વારંવાર કરવામાં આવતા ઉલ્લંઘન મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
“સમગ્ર વિશ્વ (કોવિડ-19) મહામારી સામે જંગ લડી રહ્યું છે, ત્યારે આ સ્થિતિમાં પણ આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગની બેજવાબદાર ઘટનાઓ બની રહી છે, જેના કારણે અમારા પ્રાંત સહિત ચોક્કસ પ્રદેશોની સલામતી અને સ્થિરતા ઉપર વિપરિત અસર પડી રહી છે,” તેમ ફુકે જણાવ્યું હતું.
ASEAN સમિટને પગલે એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જે આ મુજબ હતુઃ “અમે પુષ્ટિ કરીએ છીએ કે, 1982 UNCLOS (યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધી લો ઓફ ધી સી) એ મેરીટાઇમ ઝોન પર કાયદેસર હિતો, અધિકાર-ક્ષેત્ર, સાર્વભૌમ અધિકારો તથા દરિયાઇ વિશેષાધિકારો નક્કી કરવા માટેનો આધાર છે.”
UNCLOS એ વિશ્વના મહાસાગરોના ઉપયોગના સંદર્ભમાં દેશો માટેના અધિકારો તથા જવાબદારીને સ્પષ્ટીકૃત કરે છે, વ્યવસાયો, પર્યાવરણ તથા દરિયાઇ કુદરતી સંસાધનોના વ્યવસ્થાપન માટેની માર્ગદર્શિકા પ્રસ્થાપિત કરે છે. રાષ્ટ્રીય સીમાઓ પારનાં તમામ જળ આંતરરાષ્ટ્રીય જળ ગણાય છે – જે તમામ દેશો માટે પ્રાપ્ય હોય છે, પરંતુ તેના પર કોઇનો અધિકાર નથી હોતો. UNCLOS અનુસાર, પ્રાંતીય સમુદ્રને દેશના દરિયાકાંઠાના રાજ્યની બેઝલાઇનથી 12 નોટિકલ (દરિયાઇ) માઇલ સુધી લંબાતા પ્રદેશ તરીકે સ્પષ્ટીકૃત કરી શકાય છે.
-અરૂણિમ ભુયન