ન્યૂઝ ડેસ્ક: કેટલાક વર્ષો અગાઉ દેશમાં રાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (MOOC) જેવું ‘સ્વયં’ નામનું એક શૈક્ષણિક પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. આ પ્લેટફોર્મ પર 1900 જેટલા કોર્સિસ ઉપલબ્ધ છે જેમને દેશની પ્રતિષ્ઠિત IITs, IIMs અને કેન્દ્રીય યુનિવર્સિટીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે જાન્યારી દરમિયાન 25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ 571 કોર્સિસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ભારત ઉપરાંત વિશ્વના 60 દેશોના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
હાલમાં કોરોના રોગચાળાને પગલે સમગ્ર દેશ લૉકડાઉન છે અને તમામ શૈક્ષણિક સંસ્થાઓએ તેમનું શિક્ષણ કાર્ય બંધ કરી દીધું છે જેને કારણે આ ઓનલાઇન કોર્સિસની માગમાં ધરખમ ઉછાળો નોંધાયો છે. ચાલુ વર્ષ દરમિયાન 23માર્ચથી 27 માર્ચના માત્ર 5 દિવસના સમયગાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓએ અનેક ઓનલાઇન કોર્સિસમાં પ્રવેશ મેળવ્યો છે.
આ વિચારની સૌથી શ્રેષ્ઠ બાબત તે છે કે આ તમામ કોર્સિસ નિઃશુલ્ક એટલે કે મફતમાં છે !!
લગભગ 50 હજાર લોકો ‘સ્વયંપ્રભા’ નામના ડીટીએચ ડિજિટલ ટીવી પ્લેટફોર્મ પરથી પોતાના ઘરમાં પોતાના અનુકૂળ સમયે પોતાના ટેલિવિઝન સેટ પર આ કોર્સિસ જોઇ રહ્યા છે.