સ્વતંત્ર ભારતમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશ પર તેમની અમીટ છાપ છોડી છે. તેઓ ઉચ્ચ શિક્ષિત, રાજનેતા, ન્યાયશાસ્ત્રના નિષ્ણાંત અને મહાન અર્થશાસ્ત્રી હતા. તેમણે લાખો દલિતો અને સમાજના પછાત વર્ગના સશક્તિકરણ માટે લડાઈ લડી હતી. તેઓ હમેશા દેશની સંપ્રભુતા અખંડતા અને દરેક માટે સમાન અવસરના નિમાર્ણ માટે સંઘર્ષ કરતા રહ્યાં. તેમના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવેલું દેશનું બંધારણ સાત દાયકાઓથી આપણું નેતૃત્વ કરે છે. અસ્પૃશ્યતા સામેની લડાઈ લડનારા મહાન નેતા આજે પણ દેશની જનતાના પ્રેરણા સ્તોત્ર છે.
ભારતનું બંધારણ લખવા માટે નિયુક્ત કરવામાં આવેલી બંધારણ સભાએ વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા માટે 22 સમિતિ અને 7 પેટા સમિતિની રચના કરી હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ 29 ઓગસ્ટ 1947ના રોજ રચવામાં આવેલી ડ્રાફ્ટ કમિટી હતી. જેમાં અધ્યક્ષ અને 6 સદસ્યો હતાં. ગાંધીજીએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, ડો. આંબેડકરના વિચાર ખુબ જ સ્પષ્ટ હતા. ગાંધીજીના મતાનુસાર આંબેડકર એ વાત જાણતા હતા કે, ભારત જેવા દેશમાં જ્યાં ભૌગોલિક સ્થિતિ, ધર્મ અને જાતિ ભિન્ન ભિન્ન છે એવા દેશ માટે યોગ્ય દિશા કઈ હોઈ શકે.
બંધારણ સભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં તમામ સભ્યોએ સર્વાનુમતે ડો. આંબેડકરના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એ સમયે તેઓ કાયદા પ્રધાન હતા. બંધારણ સભા 11 વખત મળી. ડ્રાફ્ટ કમિટિના બધા સદસ્યો દ્વારા લેખિત અને મૌખિક રુપે આપવામાં આવેલા સૂચન રેકોર્ડ કરવામાં આવ્યા હતા. દરેક પ્રસ્તાવને લાંબી ચર્ચા, સમન્વય અને આંતરિક સહમતિ બાદ મંજૂર કરાઈ હતી. આ પ્રક્રિયાથી ડ્રાફ્ટ કમિટિના કામમાં ઘણો વધારો થયો હતો. દરેક ડ્રાફ્ટ તૈયાર કરવા માટે ડો. આંબેડકરે ખુદ 60થી વધુ દેશના બંધારણનો અભ્યાસ કર્યો હતો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની લાંબી પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ કમિટિએ હિન્દી અને અંગ્રેજીમાં બે કોપી તૈયાર કરી હતી. જેમાં ડોક્ટર આંબેડકરનો અથાક પરિશ્રમ હતો. 115 દિવસની ચર્ચા અને 2473 સંશોધન બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ અપનાવવામાં આવ્યું.