લખનઉઃ સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે રવિવારે કામદારોને ઘરે પરત લાવવા રેલ ભાડા વસૂલવાના નિર્ણયની નિંદા કરતા કહ્યું કે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે શાસક ભાજપ ધનિકો સાથે છે અને ગરીબ વિરોધી છે.
અખિલેશે એક ટ્વીટમાં કહ્યું કે, ભાજપ સરકારના ગરીબ, લાચાર મજૂરો પાસેથી પૈસા લઇને ટ્રેન દ્વારા ઘરે લઈ જવાના સમાચાર શરમજનક છે. આજે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અબજો મૂડીવાદીઓને માફ કરનારૂ ભાજપ અમીરોની સાથે છે અને ગરીબોની વિરુદ્ધ છે. સંકટની ઘડીમાં શોષણ કરવું એ પૈસા આપનારાઓનું કામ છે, સરકારનું નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, 'હવે તો ભાજપના સમર્થકો વિચારી રહ્યાં હશે કે, સમાજના ગરીબ લોકોને ઘરે પહોંચાડવમાં માટે સરકારને પૈસા લેવા હતા, તો પીએમ કેર્સ ફંડમાં તમામ લોકોને ભાવનાત્મક અપીલ કરી પૈસાનું દાન કરાવડાવ્યું તેનું શું..?
લોકડાઉનને કારણે અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂરો અને કામદારોને પરત લાવવા માટે રેલવેએ 'શ્રમિક સ્પેશિયલ' ટ્રેન ચલાવવાના બદલામાં રાજ્ય સરકારો પાસેથી ભાડા વસૂલવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે. જેમાં સ્લીપર ક્લાસ ભાડુ, સુપર ફાસ્ટ ફી અને મુસાફરો દીઠ 20 રૂપિયા ખોરાક અને પાણી માટે પૈસા લેવામાં આવે છે.
અખિલેશે એક અન્ય ટ્વીટમાં આજે વિભિન્ન હોસ્પિટલો પર વિમાનો અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવા પર સવાલો ઉભા કરતા કહ્યું કે, 'ઉત્તર પ્રદેશના વિવિધ ક્વોરેન્ટાઇન સેન્ટરોથી ગેરવર્તનના અહેવાલો આવી રહ્યાં છે. ક્યાંક, ભૂખ હડતાલ પર બેઠેલી મહિલાઓને શાસન અને વહીવટનો ખતરો મળ્યો હતો અને કેટલાકને ખાવા-પીવાની અછતની ફરિયાદના બદલામાં સિસ્ટમ સુધારવાની ખાતરી આપવામાં આવી હતી. આવી સ્થિતિમાં વિમાનોથી પુષ્પવર્ષાનો શુ ફાયદો.?