દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (એક્યૂઆઈ)નું જોખમી સ્તર ચેતવણીની ઘંટડી વગાડે છે. જોકે ભૌગોલિક સ્થિતિ પણ તેમાં ભૂમિકા ભજવે છે પણ આ ખતરામાં મોટું પ્રદાન તો માનવસર્જિત પરિબળોનું જ છે. દિવાળી પર ફોડાતા ફટાકડા અને ડાંગરનાં ઠૂંઠાં બાળવાથી દિલ્હીમાં ચેતવણીજનક ૫૦૦ અંકનો એક્યૂઆઈ થઈ ગયો. એક્યૂઆઈ જો ૪૦૦થી ૫૦૦ વચ્ચે હોય તો તેને ખતરનાક માનવામાં આવે છે. પ્રદૂષણ નિયંત્રક મંડળે નિવેદન કર્યું હતું કે ૫૦૦થી ઉપરનો એક્યૂઆઈ ખૂબ જ જોખમી છે. વાયુની ગુણવત્તા દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે ત્યારે દિલ્હીમાં રોજબરોજની જિંદગીને ભારે અસર થઈ છે. લોકો મોઢા પર માસ્ક વગર નથી ફરી રહ્યા જે ગંભીર સ્થિતિનું પરિચાયક છે. માત્ર દિલ્હી જ નહીં, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઇડા, ફરીદાબાદ પણ વાયુ પ્રદૂષણથી પીડાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ અને તેલંગણા પણ એવાં કેટલાંક રાજ્યો છે જે ઝેરી ઉત્સર્જનનો સામનો કરી રહ્યાં છે.
પહેલેથી જ પ્રવર્તમાન મુશ્કેલીઓમાં આબોહવા પરિવર્તને સ્થિતિ વધુ વણસાવી છે. શિયાળાનું ધૂમ્મસ, વાહનો, ઉદ્યોગો અને ખેતરોમાંથી ઉત્સર્જનના કારણે લોકો ગૂંગળાઈ રહ્યા છે. દિલ્હીનાં પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણા કૃષિની રીતે વિકસિત છે. આ બંને રાજ્યોમાં કૃષિ ઉત્પાદન ઊંચું છે. આથી પાકનાં ઠૂંઠાં બાળવાનું પ્રમાણ પણ ઊંચું છે. સામાન્ય રીતે એક ટન ઠૂંઠા બાળવાથી ૬૦ કિલોગ્રામ કાર્બન મૉનૉક્સાઇડ અને ૧,૪૦૦ કિલોગ્રામ કાર્બન ડાયૉક્સાઇડ ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ત્રણ કિલોગ્રામ સૂક્ષ્મ રજકણો, રાખ અને સલ્ફર ડાયૉક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. દર વર્ષે જે ઠૂંઠાં બાળવામાં આવે છે તેમાંથી અડધા પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશનાં હોય છે, આથી દિલ્હીને નકારાત્મક રીતે અસર કરે છે. શિયાળામાં આ અસરો બેવડાય છે.
પાકનાં ઠૂંઠાં બાળવાથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. અવિચારી રીતે ઠૂંઠા બાળવાથી લાભદાયક સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામી રહ્યા છે. જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેની અસર પાકના ઉત્પાદન પર પણ પડે છે. જોકે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે તો ચાર વર્ષ પહેલાં જ ઠૂંઠાં બાળવા સામે સૂચના આપી હતી, પરંતુ કોઈએ તેના પ્રત્યે ધ્યાન ન આપ્યું. પર્યાવરણના વિનાશની સાથે, વૈશ્વિક તાપમાન પણ વધશે. વાયુ પ્રદૂષણ ઝડપથી ફેલાય છે. વાયુ પ્રદૂષણના કારણે દેશભરમાં મૃત્યુમાં ૨૩ ટકા વધારો થયો છે. ભારતીય મેડિકલ એસોસિએશનનો અહેવાલ સ્પષ્ટ રીતે જણાવે છે કે આઠમાંથી એક જણ પ્રદૂષિત હવાના કારણે મૃત્યુ પામે છે. એઇમ્સે ચેતવણી આપી છે કે જ્યાં હવાની ગુણવત્તા ખરાબ છે તેવાં દિલ્હી જેવાં સ્થાનોમાં ફેફસાં અને હૃદયના રોગોમાં વધારો થશે. એક્યૂઆઈ માટે સર્વેક્ષણ કરાયેલા ૧૮૦ દેશોમાં ભારત સૌથી છેલ્લે છે. બે તૃત્તીયાંશ ભારતીય શહેરો ગેસ ચેમ્બરોમાં ફેરવાઈ ગયાં છે.
પાકનાં ઠૂંઠા બાળવાની જગ્યાએ વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવી જોઈશે. પરંપરાગત ઊર્જા પ્રણાલિઓમાં પાકનાં ઠૂંઠાને ઈંધણ તરીકે વાપરવાથી બાળવાનું પ્રમાણ ઘટશે. જ્યાં વાયુની ગુણવત્તા ખરાબ છે તેવાં સ્થાનોમાં ખેડૂતોને ડાંગર અને ઘઉં ઉગાડવાના બદલે જુવાર કે બાજરા ઉગાડવા માટે પ્રોત્સાહિત કરાવા જોઈએ. દિલ્હીમાં વાહનોમાંથી ઉત્સર્જન પર નિયંત્રણ કરવા માટે, ઑડ-ઇવન પ્રણાલિ કરતાં વધુ અસરકારક પદ્ધતિની વિચારણા કરાવી જોઈએ. જાહેર પરિવહનને મજબૂત કરવું જોઈએ. જે ઉદ્યોગો ઝેરી કચરો ઉત્સર્જિત કરતા હોય તેમની સામે કડક પગલાં લેવાવાં જોઈએ. સમાજને પ્રદૂષણની નુકસાનકારક અસરોથી જાગૃત કરવો પડશે. ઑસ્ટ્રેલિયા, બાર્બાડોસ અને કેનેડામાં એક્યૂઆઈ ખૂબ જ સારો છે. ભારતે આવા દેશોને અનુસરવું જોઈએ અને અમલ પ્રત્યે જરૂરી પગલાં લેવાં જોઈએ.