વોશિંગ્ટન (USA): વિશ્વભરમાં 60 મીલિયન લોકો ગરીબી તરફ ધકેલાઈ શકે છે તેવી ચેતવણી આપતા વિશ્વ બેંકે મંગળવારે વિશ્વના દેશોને અપીલ કરી છે કે, મહામારીની સ્થીતિને જોતા વિશ્વભરમાં જાહેર સેવાઓને ધ્યાનમાં રાખતા અને આરોગ્યને લગતી કટોકટીને પહોંચી વળવા માટે આર્થિક વૃદ્ધીદરમાં લાંબા ગાળાનો ફાયદો થઈ શકે તે માટે વ્યાપક નીતિઓ અપનાવવી જોઈએ.
વર્લ્ડ બેંક જૂથના પ્રેસીડન્ટ ડેવિડ માલપાસે જણાવ્યું હતુ કે, જે રીતે Covid-19 મહામારી અને તેના કારણે થયેલી આર્થિક નૂકસાની દુનિયાભરના ગરીબો માટે વિનાશકારી સાબીત થઈ છે તે અભૂતપૂર્વ છે.
વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમીક પ્રોસ્પેક્ટ રીપોર્ટમાં રજૂ કરવામાં આવેલા કેટલાક વિવરણાત્મક પ્રકરણોનો સંદર્ભ આપતા મલપાસે કોન્ફરન્સ કોલ દરમીયાન પત્રકારોને જણાવ્યુ હતુ કે, “હાલમાં સામે આવી રહેલા આંકડાઓ પરથી કહી શકાય કે વર્ષ 2020માં 60 મીલિયન લોકો અત્યંત ગરીબી તરફ ધકેલાઈ શકે છે. અર્થવ્યવસ્થાઓ ફરી એક વાર પૂર્વવત થવા સાથે આ આંકડામાં વધારો પણ થઈ શકે છે.”
કોરોના વાઇરસ મહામારી અને આર્થિક નુકસાન વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ખાસ કરીને ગરીબ દેશો માટે વિનાશકારી સાબીત થઈ રહ્યા છે એ વાતને નોંધતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે વિકાસશીલ દેશો અને આંતરરાષ્ટ્રીય સમુદાયોએ આરોગ્યની કટોકટી પસાર થયા બાદ તેની અસરોને પહોંચી વળવા માટે અને વિકાસની ગતીની પુન:પ્રાપ્તિ માટે પગલા લેવા જોઈએ.
માલપાસે જણાવ્યુ હતુ કે, “આજે કરવામાં આવેલી અલગ અલગ પોલીસીની પસંદગી આગામી સમયમાં રોકાણકારોને આમંત્રીત કરશે અને આર્થિક પારદર્શીતામાં વધારો કરશે, ડિજીટલ કનેક્ટીવીટીમાં વધારો કરવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત ગરીબો માટે રોકડની સલામતી વધશે તેમજ આર્થિક નુકસાન મર્યાદીત થશે અને વિકાસની પુન:પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થશે.”
તેમણે જણાવ્યું હતુ કે, “મહામારી બાદ વિકાસની પુન:પ્રાપ્તિમાં સામે આવતા પડકારોમાં ઉત્પાદક માળખા માટેનું ધીરાણ તૈયાર કરવુ એ એક મુખ્ય પડકાર છે. આ પડકારને પહોંચી વળવા માટે આપણે નાદારીના નીરાકરણ માટેના રસ્તા શોધવાની જરૂર છે તેમજ વિકાસની ગતીને ધીમું પાડનારી ખર્ચાળ સબસીડી, મોનોપોલી અને રાજ્યની માલીકીના સાહસોમાં સુધારો કરવાની જરૂર છે.”
વિશ્વ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, લાંબા ગાળાની આર્થિક વૃદ્ધીને ગતી આપવા માટે કેટલીક વ્યાપક નીતિઓ લાગુ કરવી જોઈએ જેથી આરોગ્યની કટોકટીને પહોંચી વળવામાં તેમજ જાહેર સેવાઓને ફરીથી કાર્યરત કરવામાં મદદ મળી શકે. આ નીતિઓમાં વહિવટ અને વ્યાપાર માટેના વાતાવરણમાં સુધારો કરવો તેમજ જાહેર આરોગ્ય અને શિક્ષણમાં રોકાણના વળતરમાં સુધારો કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.