ગોરખપુર: બોલિવુડ અભિનેતા અને સાંસદ રવિ કિશને ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આજે રવિ કિશને ગોરખનાથ મંદિરમાં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. બોલિવુડમાં ડ્રગ્સ બાબતે અવાજ ઉઠાવવાથી મળેલી જાનથી મારવાની ધમકી અને ડ્રગ્સ કેસમાં બહાર આવેલા મોટા નામ અંગે પૂછવામાં આવેલા સવાલ પર તેણે જવાબ આપ્યો કે જ્યાં સુધી જાન છે, ત્યાં સુધી હું લડતો રહીશ.
રવિ કિશને કહ્યું કે, 'ડ્રગ્સે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. રવિ કિશને દાવો કર્યો કે, ડ્રગની દાણચોરી પાકિસ્તાનથી થઈ રહી છે અને તે દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું કાવતરું છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, આ બધા મુદ્દાઓ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તેમની સરાહના કરતા કહ્યું કે તેમણે જનહિત અને રાષ્ટ્રહિતના મુદ્દાને ખુબ જ સારી રીતે ઉઠાવ્યો છે.