શિવસેના યૂથ વિંગના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ આજે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે જ ઠાકરે પરિવારમાંથી ચૂંટણી નહી લડવાની પરંપરા તેણે તોડી છે. બાલા સાહેબ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેમાંથી એકેય ક્યારેય ચૂંટણી લડ્યા નથી. પણ આદિત્ય ઠાકરે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
મહારાષ્ટ્ર ચૂંટણી: શિવસેના માટે ઐતિહાસિક ક્ષણ, આદિત્ય ઠાકરેએ વર્લીમાંથી ઉમેદવારી નોંધાવી
મુંબઈ: 53 વર્ષનાં ઈતિહાસમાં મહારાષ્ટ્રે અનેક રાજકીય ઉથલપાથલ જોઈ છે. પણ આ પ્રથમ વખત બન્યું છે કે, મહારાષ્ટ્રના રાજકારણમાં ધાક જમાવતા ઠાકરે પરિવારે ક્યારેય ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યુ નહોતું. આ વખતે ઠાકરે પરિવારમાંથી ઉદ્ધવ ઠાકરેના દિકરા આદિત્ય ઠાકરેએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. વિશાળ જનમેદની સાથે એક રોડ શૉ કરી વર્લી બેઠક પરથી આદિત્ય ઠાકરે ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતાં.
શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી. બાલા સાહેબ ઠાકરેએ પાર્ટીને ઊભી કરી છે. પણ તેઓ ક્યારેય ચૂંટણી લડ્યા નથી. તેમના દિકરા ઉદ્ધવ ઠાકરે પણ ક્યારેય ચૂંટણીનાં મેદાનમાં ઉતર્યા નથી. પણ હવે આદિત્યએ આ પરંપરા તોડી છે. આદિત્ય ઠાકરે પહેલા તેમના કાકાની દિકરી અને જિતેન્દ્ર ઠાકરેની પત્ની શાલિની ઠાકરે લોકસભા ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી ચૂક્યા છે. તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાંથી ઉમેદવાર બની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટ માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.