ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કલમ-370ની નાબૂદીનું એક વર્ષ, વાંચો, જમ્મુ-કાશ્મીરમાં શું શું બદલાયું? - જમ્મુ અને કાશ્મીર

નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યો અને તેનું વિભાજન કરીને બે કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવ્યા તે વાતને પાંચમી ઑગસ્ટ, 2020ના રોજ એક વર્ષ પૂર્ણ થશે. છેલ્લા એક વર્ષમાં વહિવટીતંત્રે બેન્કિંગ, ડોમિસાઇલ અને સશસ્ત્ર દળો માટે સ્ટ્રેટેજિક એરિયા જેવા પગલાં જમ્મુ અને કાશ્મીરમાં લીધા છે.

jammu
jammu

By

Published : Aug 5, 2020, 11:11 AM IST

શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર): જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિભાજિત કરી દેવાયું તે ઘટનાની પ્રથમ જયંતિને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી ભારતીય જનતા પક્ષે કરી છે. તેનાથી તદ્દન વિપરિત ઘણા જાણકારો માને છે કે આ પ્રદેશના નાગરિકો હજીય 'અનિશ્ચિતતા અને ભય'ના માહોલમાં છે. ઈટીવી ભારતે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રદેશના લોકો તથા કલમ 370ની નાબુદી પછી સ્થિતિ પર નજર રાખી રહેલા જાણકારો સાથે વાતચીત કરીને સ્થિતિને સમજવાની કોશિશ કરી છે.

રોકાણકારોને આવકારવા માટે લેન્ડબેન્ક

કલમ 370ની નાબુદી પછી ગયા નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં વહિવટીતંત્રે લેન્ડબેન્ક તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું. રાજ્યમાં ઉદ્યોગો નાખવા માગતા રોકાણકારો માટે જમીનની ઉપલબ્ધિ માટેનો આ પ્રયાસ હતો. તેના કારણે એવી ચર્ચા થવા લાગી હતી કે થોડા જ સમયમાં રાજ્યમાં ઉદ્યોગો ધમધમવા લાગશે અને વિકાસના કાર્યો ઝડપી બનશે. જોકે અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, "જેએન્ડકે ગ્લૉબલ ઇન્વેસ્ટર્સ સમીટ-2020ની તૈયારીના ભાગરૂપે આ કાર્ય થઈ રહ્યું છે."

જમ્મુ અને કાશ્મીર સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર કુમારે કહ્યું હતું કે "સમીટ-2020 માટે રોકાણકારોને આવકારવા માટે તૈયારી થઈ રહી છે અને અમે લગભગ 5,000 કનાલ (અંદાજે 624 એકર્સ) જમીન બંને પ્રદેશોમાં (જમ્મુ અને કાશ્મીર)માં તૈયાર કરી રહ્યા છીએ. અમે ઔદ્યોગિક એકમો બનાવી શકાય તેવી જમીનોને અલગ તારવી છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે રસ ધરાવતા રોકાણકારો માર્ચમાં શ્રીનગર અને જમ્મુમાં સમીટ યોજાય ત્યારે ભાગ લેશે.

"સમીટ જમ્મુ અને કાશ્મીરને ઔદ્યોગિક હબ બનાવવા માટે અગત્યની બની રહેશે," એમ કુમારે કહ્યું હતું અને ઉમેર્યું હતું કે તેનાથી માત્ર ઉદ્યોગોને સાનુકૂળ નીતિઓ તૈયાર થશે એટલું જ નહિ, પરંતુ વિકાસની અને રોજગારીની તકો પણ ઊભી થશે. જોકે એપ્રિલમાં સમીટને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવાની જાહેરાત કરી દેવાઈ હતી.

તંત્ર તરફથી જાહેર થયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, "સમીટનું આયોજન શક્ય નહિ બને. કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારો ના થાય ત્યાં સુધી તેને મુલતવી રાખવામાં આવે છે. જોકે આ સમય મળ્યો છે તેનો ઉપયોગ તંત્ર વાણિજ્યને લગતાં સુધારા કરવામાં ઉપયોગમાં લેશે, ઔદ્યોગિક વસાહતો તૈયાર કરશે, અને વધારે જમીનોને તારવવામાં આવશે."

ડોમિસાઇલ અર્થાત રહેણાંક અંગેનો કાયદો

આ વર્ષે 31 માર્ચના રોજ કેન્દ્ર સરકારે આ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે જમ્મુ એન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન (એડપ્શન ઑફ સ્ટેટ લૉઝ) ઓર્ડર, 2020 હેઠળ ડોમિસાઇલની અર્થાત રહેણાંક અંગેની નવી વ્યાખ્યા લાગુ કરી હતી. નવા ઍક્ટ હેઠળ દરેક ભારતીય નાગરિક જમ્મુ અને કાશ્મીરમાં અમુક શરતોને આધિન સરકારી નોકરી માટે અરજી કરી શકે છે. સરકારે જૂના જમ્મુ અને કાશ્મીર રાજ્યના 29 કાયદાઓ પણ રદ કર્યા અને ગત ઑગસ્ટમાં જેને નહોતા હટાવાયા તેવા 109 કાયદામાં સુધારા કર્યા.

કાશ્મીર ખીણના મુખ્ય રાજકીય પક્ષોએ આ પગલાંનો ભેદભાવયુક્ત અને અપમાનજનક ગણાવીને ભારે વિરોધ કર્યો હતો. 2019 સુધી કલમ 370 અને 35A હેઠળ વિશેષ રાજ્યનો દરજ્જો જમ્મુ અને કાશ્મીર પાસે હતો. તેની હેઠળ ભારતના કોઈ પણ નાગરિકને ડોમિસાઇલનું સ્ટેટસ મળતું નહોતું. તેનો અર્થ કે બહારની કોઈ પણ વ્યક્તિ અહીં સરકારી નોકરી કરી શકે નહિ કે મિલકતો ખરીદી શકે નહિ. આ નિયમ કેન્દ્ર સરકારની નોકરીઓ માટે લાગુ પડતો નહોતો.

નવા નિયમમાં નોન-ગેઝેટેડ ચોથા વર્ગની નોકરીઓ જ માત્ર જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક લોકો માટે અનામત રખાઈ છે. ડોમિસાઇલની અરજી કરવા માટે કેટલીક શરતો નક્કી કરાઈ છે, જેમ કે વ્યક્તિ 15 વર્ષથી રાજ્યમાં વસવાટ કરતી હોવી જોઈએ અથવા સાત વર્ષ સુધી રાજ્યમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ અને ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી હોવી જોઈએ. કેન્દ્ર સરકારના અધિકારીઓ (સેના, અર્ધલશ્કરી દળો, આઈએએસ, આઈપીએસ)ના સંતાનો અને જાહેર એકમો તથા બેન્કો, કેન્દ્રીય યુનિવર્સિટીઓ વગેરેમાં રાજ્યમાં 10 વર્ષથી વધારે સુધી ફરજ બજાવી હોય તે અધિકારીઓના સંતાનો પણ તેના માટે લાયક ગણાય.

રિલિફ અને રિહેબિલિટેશન કમિશનર દ્વારા નોંધાયેલા માઇગ્રન્ટને આ શરતો લાગુ પડશે નહિ અને તેઓ આપોઆપ ડોમિસાઇલ માટે લાયક ગણાશે. સરકારે ડોમિસાઇલ માટે જે વ્યાખ્યા કરી તેનાથી મુખ્ય રાજકીય પક્ષોમાં નારાજગી થઈ હતી અને તેની ટીકાઓ સ્પષ્ટ હતી. કોંગ્રેસ, નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, પિપલ્સ કૉન્ફરન્સ, પિપલ્સ મૂવમેન્ટ, અને નવી અપની પાર્ટીએ સંયુક્ત રીતે આ પગલાંનો વિરોધ કરતું નિવેદન જાહેર કર્યું હતું.

દરમિયાન જમ્મુ અને કાશ્મીરના એક સિનિયર અધિકારીને કેન્દ્ર શાસિત પ્રદેશનું પ્રથમ ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. જમ્મુ-કાશ્મીર કેડરના અધિકારી નવીનકુમાર ચૌધરી કૃષિ વિભાગમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમાયેલા છે. તેમને જમ્મુમાં સર્ટિફિકેટ મળ્યું. તેઓ મૂળ બિહારના દરભંગા જિલ્લાના છે અને તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા 26 વર્ષથી જમ્મુ અને કાશ્મીરમાં ફરજ બજાવે છે. તેમનું સૌપ્રથમ પોસ્ટિંગ શ્રીનગરમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે હતું. જમ્મુના બાહુ તાલુકાના તહેસિલદારે આપેલા સર્ટિફિકેટમાં લખેલું છે કે "આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે હાલમાં જમ્મુના ગાંધીનગરમાં વસવાટ કરતાં શ્રી નવીન કે. ચૌધરી, જેઓ શ્રી દેવકાંત ચૌધરીના પુત્ર છે તેઓ કેન્દ્ર શાસિત પ્રદેશ જેએન્ડકેના ડોમિસાઇલ છે."

'સશસ્ત્ર દળો માટે વ્યૂહાત્મક સ્થળો'

ગત 17 જુલાઈના રોજ વહિવટીતંત્રે કેટલાક સ્થળોને 'વ્યૂહાત્મક વિસ્તાર' તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો, જેથી ત્યાં સશસ્ત્ર દળો દ્વારા બાંધકામ થઈ શકે. બાદમાં અન્ય પરિપત્ર દ્વારા 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' મેળવવાની શરત નાબુદ કરાઈ. સ્થાવર મિલકત હસ્તગત કરવાની જરૂર જણાય ત્યારે ગૃહ વિભાગની મંજૂરી લેવાની શરત આ રીતે રદ કરાઈ. સરકારી નિવેદન અનુસાર આ પગલાંને લેફ્ટનન્ટ ગર્વનર જી.સી. મૂરમૂની અધ્યક્ષતા હેઠળની જમ્મુ એન્ડ કાશ્મીર એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલે મંજૂરી આપી હતી. નિવેદનમાં જણાવાયું હતું કે "કાઉન્સિલે કન્ટ્રોલ ઑફ બિલ્ડિંગ ઑપરેશન્સ ઍક્ટ, 1988 તથા જેએન્ડકે ડેવલપમેન્ટ ઍક્ટ, 1970માં સુધારો કરવાની મંજૂરી આપી છે, જેથી નિશ્ચિત જગ્યામાં બાંધકામ થઈ શકે."

નિવેદનમાં જણાવ્યા અનુસાર આ સુધારાના કારણે શહેરી વિકાસ વિભાગ કેટલાક વિસ્તારને સેનાની જરૂરિયાત માટે “વ્યૂહાત્મક વિસ્તાર” જાહેર કરી શકે. આ વિસ્તારમાં બાંધકામની કામગીરી વિશેષ સત્તાતંત્ર દ્વારા થશે. “વિકાસની અપેક્ષાએ કેટલાક વિસ્તારોની સલામતીના મુદ્દાને ધ્યાનમાં લઈને, કેટલાક વિસ્તારોનું વ્યૂહાત્મક મહત્ત્વ સમજીને આ મંજૂરી આપવામાં આવી છે.” જોકે રાજકીય પક્ષોએ આ પગલાંનો વિરોધ કર્યો હતો. નેશનલ કૉન્ફરન્સે આક્ષેપ કર્યો કે તેની પાછળનો ઇરાદો જમ્મુ અને કાશ્મીરને લશ્કરી છાવણીમાં ફેરવી નાખવાનો અને નાગરિક સત્તાનું મહત્ત્વ ઓછું કરવાનો છે.

"જમ્મુ અને કાશ્મીરમાં કોઈ ધણી વિનાનું તંત્ર છે, જે કેટલાક વિસ્તારોને સેનાના કબજા હેઠળ મૂકી દેવા માગે છે. સેનાની જરૂરિયાતની સરળતાના બહાને આમ થઈ રહ્યું છે," એમ પક્ષના પ્રવક્તા ઇમરાન દરે કહ્યું હતું. "સૂચિત સુધારાને કારણે સેનાના હાથમાં વધારે ભૂમિ આવશે અને ખેતીલાયક જમીનો ઓછી થશે. જમ્મુ અને કાશ્મીરમાં થોડા જ વિસ્તારો વ્યૂહાત્મક મહત્ત્વના નથી, સમગ્ર પ્રદેશ વ્યૂહાત્મક મહત્ત્વનો છે." પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતા નઈમ અખતરે દાવો કર્યો કે આ નિર્ણય વિશેષ દરજ્જાની નાબુદ કરતાંય વધારે 'ડરામણો' છે. "એવું લાગે છે કે અમારી પાસે કબ્રસ્તાન માટે પણ પૂરતી જગ્યા બચશે નહિ. એનો અર્થ એ કે જમ્મુ અને કાશ્મીરના લોકોને સ્થાનિક પાયાની જરૂરિયાત માટે પણ નિર્ણય કરવાનો અધિકાર નહિ હોય, એમ અખતરે કર્યું હતું.

બે દિવસ બાદ સરકારી પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે આવો ભય કાલ્પનિક છે, કેમ કે વર્તમાન કાયદાઓની અવગણના કર્યા સિવાય આવો નિર્ણય લેવાયો છે. "આ નિર્ણયનો એટલો જ અર્થ થાય છે કે સૂચિત 'વ્યૂહાત્મક વિસ્તાર' હાલ સેનાના કબજામાં છે તે વિસ્તારોમાં જ હશે. આ વિસ્તારમાં બાંધકામ થાય તે માસ્ટર પ્લાન અને પર્યાવરણને અનુરૂપ થાય તે જોવાની જવાબદારી સેનાને જ સોંપવામાં આવી છે," એમ પ્રવક્તાએ 19 જુલાઈએ જણાવ્યું હતું. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે જોગવાઈઓનો દુરુપયોગ ના થાય તે માટે પૂરતી કાળજી લેવામાં આવી છે.

"આ નિર્ણય કોઈ જમીન સેનાને સોંપી દેવા માટે નથી લેવાયો," એમ ભારપૂર્વક જણાવી પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, "જમીનની સોંપણી વર્તમાન કાયદા અને ધારાધોરણો અનુસાર જ થશે. નવી જમીન કે કેન્ટોનમેન્ટ તરીકે જાહેર થયેલા વિસ્તારની બહારની જમીન સુપરત કરવાની કોઈ વાત નથી. સરકારની એ સુવિધિત નીતિ છે કે વિકાસ અને આંતરિક સુરક્ષા માટે જરૂરી જમીન સેનાને મળી રહે માટે સાનુકૂળ પ્રયાસો થાય."

નિષ્ણાતો શું કહે છે?

સ્થાનિક લોકો સત્તાવાર રીતે આ વિશે કશું બોલવા તૈયાર નથી, પણ તેઓ દુવિધામાં છે કે સરકારી તંત્ર પગલાં લઈ રહ્યું છે તે કેવા છે. બીજી બાજુ નિષ્ણાતો કહે છે કે વિશેષ દરજ્જાની નાબુદી પછી જે પગલાં લેવાયાં છે, તે "એકતરફી અને તકવાદી" છે. પત્રકાર અને રાજકીય વિશ્લેષક રિયાઝ મન્સૂર કહે છે કે સરકારે લીધેલા પગલાં 'લોકતાંત્રિક નથી' અને 'એકહથ્થુ' છે.

"લોકતાંત્રિક પ્રણાલીમાં કાયદા બને અને સુધારવામાં આવે. તે કાયદાનો અમલ થાય ત્યારે નાગરિકોએ પાલન કરવું પડે, નહિતો પરિણામ ભોગવવું પડે. પરંતુ કાશ્મીરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન લેવાયેલાં પગલાં સામે કાશ્મીરના લોકો ફરિયાદો કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં કોઈ ચૂંટાયેલી સરકાર નથી. એડમિનિસ્ટ્રેટિવ કાઉન્સિલમાં નિમાયેલા બે ત્રણ અમલદારોને શાસન સોંપી દેવાયું છે. લોકશાહી સામેનો આ સૌથી મોટો પડકાર છે અને તેથી જ તેનો વિરોધ થઈ રહ્યો છે. ડોમિસાઇલ કે લેન્ડ બેન્કિંગ કે બીજા પગલાંનો વિરોધ એટલે જ થઈ રહ્યો છે," એમ મન્સૂર કહે છે.

તેઓ ઉમેરે છે કે, "યોગ્ય પ્રક્રિયાથી આ પગલાં લેવાયાં હોત તો હું માનું છું કે આટલો રોષ જનતામાં ના હોત. સ્થાનિક રાજકીય માળખું હોત તો સ્થિતિ જુદી હોત, કેમ કે તેઓ લોકોની લાગણી જાણ્યા વિના પગલાં ના લેત. આજે આપણે જે ફેરફારો જોઈ રહ્યા છીએ તે એકતરફી છે અને લોકતાંત્રિક માળખા સામે પડકાર છે." રાજસ્થાનની રાજકીય સ્થિતિ વિશે સુપ્રીમ કોર્ટે કરેલા નિરિક્ષણનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, "હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકશાહીમાં વિરોધી સ્વરને અટકાવી શકાય નહિ. વહિવટીતંત્રની દલીલો સાચી હશે, પણ લોકોની ભાગીદારી વિના લોકતાંત્રિક માળખું અધૂરું જ રહે." છેલ્લા એક વર્ષ દરમિયાન કાશ્મીર ખીણના રાજકારણીઓને કેવી રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા છે તેના વિશે પણ મન્સૂરે લંબાણપૂર્વક વાત કરી.

"ભારતીય ધ્વજ ફરકાવનારા નેતાઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો અને લોકોએ તેમને મતો આપ્યા હતા. એક વર્ષથી તેમને અટકાયત હેઠળ લઈ લેવાયા છે. હાલમાં કાશ્મીરમાં કોઈ રાજકીય ગતિવિધિ ચાલી રહી નથી. આ કંઈ લોકતાંત્રિક સ્થિતિ નથી," એમ તેઓ કહે છે. આવો જ અભિપ્રાય વ્યક્ત કરતાં અન્ય પત્રકાર ફિરદૌસ ઇલાહીએ કહ્યું કે 'આ નિર્ણયો કાશ્મીરી લોકોના અવાજને દબાવી દેવા માટે છે.'

"કલમ 370 અને 35Aની નાબુદી સહિતના બધા જ નિર્ણયો લોકો બંધન વચ્ચે હતા ત્યારે લેવાયા. આ ખોટું છે. યોગ્ય માર્ગે, ચૂંટાયેલી સરકાર હોય ત્યારે નિર્ણયો લેવાની જરૂર હતી," એમ ઇલાહીએ કહ્યું અને ઉમેર્યું કે, "મને લાગે છે કે વિરોધને દબાવી દેવામાં આવી રહ્યો છે. લોકો ભય હેઠળ જીવે છે અને કોઈ વાત કરવા પણ તૈયાર નથી." તેમણે વધુમાં જણાવ્યું કે, "પ્રતિબંધોના કારણે બધા લોકો પોતાના ઘરમાં પુરાયેલા છે ત્યારે આ નિર્ણયો લોકો પર મારવામાં આવી રહ્યા છે. તેઓ જાણે છે કે આ મુદ્દે કોઈ વિરોધ કરવા બહાર આવવાનું નથી. મહામારીમાં લોકોનો ભોગ લેવાતો હોય ત્યારે કોઈ નિર્ણયો લેવા મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આ તો ફાસીવાદ છે."

તંત્રના નિર્ણયોને ગેરકાયદે ગણાવીને તેમણે કહ્યું, "તેઓ જમ્મુ અને કાશ્મીરમાં વસતિમાં ફેરફારો કરવા કોશિશ કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ડોમિસાઇલ સર્ટિ લેવા ફરજ પાડવામાં આવી રહી છે. આવા સર્ટિ હવે નોકરી કે ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી બન્યા છે. પરંતુ સાથે તમે જુઓ કે જમ્મુમાં પણ આ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. લદ્દાખ સહિત બધા પ્રદેશોમાંથી ડોમિસાઇલ સામે વિરોધ જાગી રહ્યો છે." અન્ય સિનિયર જર્નલિસ્ટ હયા જાવેદને પણ લાગે છે કે "કલમ 370 અને 35Aની નાબુદીને કારણે ભારત અને જમ્મુ કાશ્મીર વચ્ચેના સંબંધોમાં તિરાડ પેદા થઈ છે."

"જે લોકોને ભારત પર ભરોસો હતો અને દેશ તેમની સાથે છે તેવો વિશ્વાસ હતો તેમનો વિશ્વાસ કલમની નાબુદી પછી ઊઠી ગયો છે. સ્થાપિત હિતો ધરાવનારા કેટલાક લોકો ખુશ છે, પણ જમ્મુ અને કાશ્મીરના મોટા ભાગના રહેવાસીઓ આ નિર્ણયથી આક્રોશ અને હતાશામાં છે," એમ જાવેદ કહે છે.

તેમણે વધુમાં કહ્યું કે, "ભાજપ બધી જ રીતો અજમાવીને અને ઉતાવળે નિર્ણયો કરીને જમ્મુ અને કાશ્મીરના લોકોને વધારે વેગળા કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી લોકો પરેશાન થઈ રહ્યા છે, અને કલમ નાબુદી વખતે ભાજપે દાવા કર્યા હતા તેનાથી વિપરિત સ્થિતિ છે. તેઓ ધિક્કારના બીજ વાવી રહ્યા છે." ડોમિસાઇલ ઍક્ટ સામે સવાલો ઉઠાવતા તેઓ પૂછે છે, "શું વહિવટીતંત્ર જમ્મુ અને કાશ્મીરના બધા જ બેકાર યુવાનોને રોજગારી આપી શક્યું છે કે તેઓ હવે સમગ્ર ભારતના લોકોને અહીં આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે?"

ABOUT THE AUTHOR

...view details