ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બોડો અસંતુષ્ટો સાથે થયેલો ત્રિપક્ષી કરાર

વાત છે 1988ની. આર. કે. યાદવ નામના યુવાન ઇન્ટેલિજન્સ એજન્ટ આસામમાં નિમાયા હતા. તેમણે બહુ નવાઈ વચ્ચે જોયું કે, સ્થાનિક એજન્સી બોડો યુવાનોને શસ્ત્રોની તાલીમ આપી રહી હતી. તેમણે આ વાતનો વિરોધ કર્યો તો તેમને સેવામાંથી ડિસમિસ કરી દેવાયા. બાદમાં તેમણે પોતાના અનુભવ વિશે પુસ્તક લખ્યું હતું.

બોડો
bodo

By

Published : Jan 29, 2020, 10:40 PM IST

આસામના રાજ્યસભાના સભ્ય નાગેર સાઇકિયાએ પણ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાઇકિયા 1986થી 1992 સુધી રાજ્યસભામાં હતા અને 1990-92 દરમિયાન વાઇસ ચેરમેન પણ હતા.

આ રીતે શસ્ત્રોની તાલીમ મેળવનારા યુવાનોએ બોડો લિબરેશન ટાઇગર્સ (BLT)ની રચના કરી હતી. આ જૂથ ખતરનાક સાબિત થયું હતું. કેમ કે, તેના સભ્યો IED બિછાવીને હુમલા કરવાના નિષ્ણાત થઈ ગયા હતા. તે પછી પશ્ચિમ આસામમાં બીજા બોડો સશસ્ત્ર જૂથો પણ ઊભા થયા, જેઓ સ્વાયતત્તાથી માંડીને સંપૂર્ણ આઝાદીની માગણી કરતા રહ્યા હતા.

મોન્ગોલોઇડ કૂળના બોડો આદિવાસીઓ તિબેટો બર્મન ભાષા બોલે છે અને આસામના સૌથી જૂના રહેવાસીઓમાંના એક છે.

એવો આક્ષેપ થાય છે કે આસામમાં પ્રાદેશિક રાજકીય ભાવના પ્રબળ બની રહી હતી અને આસોમ ગણ પરિષદનું જોર વધી રહ્યું હતું, તેને કાબૂમાં રાખવા માટે બોડો આદિવાસીઓને સરકારે ઉશ્કેર્યા હતા.

બોડો કરાર

આખરે બોડો ઉદ્દામવાદનું ચક્ર પૂરું થયું અને સરકારે જ તેમની સાથે સોમવાર 27 જાન્યુઆરી, 2020ના રોજ કરાર કરીને સમાધાન સાધ્યું. નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ડ ઑફ બોડોલેન્ડ (NDFB) સાથે ત્રિપક્ષી કરાર કરી લેવાયો છે.

હકીકતમાં અગાઉ બે વાર કરારો થયા હતા, તેનું આખરે આ કરાર સાથે સમાધાન થયું છે. 1993માં ABSU સાથે સમાધાન થયું હતું અને બોડોલેન્ડ ઓટોનોમસ કાઉન્સિલની રચના થઈ હતી. 2003માં BLT સાથે કરાર થયો હતો અને તેના ભાગરૂપે નવા નામ સાથે રચાયેલી બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલને વધુ રાજકીય સત્તાઓ આપવામાં આવી હતી.

ત્રણેક દાયકાથી ચાલતા બોડો આંદોલનના કારણે 4000થી વધુના મોત થયા હતા. આખરે સત્તાવાર કાર્યક્રમમાં 30 જાન્યુઆરીએ 1,500થી વધુ NDFB ઉદ્દામવાદીઓએ શસ્ત્રો શરણે કર્યા હતા.

થોડા દિવસો પહેલાં જ NDFBના આ લડાયકો મ્યાનમારમાંથી સરહદ પાર કરીને મણીપુરમાં મોરેહ અને નાગાલેન્ડમાં લોન્ગવામાં આવી પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં ત્રિપક્ષી કરાર થયો, તેમાં ત્રણ પક્ષોનો સમાવેશ થાય છેઃ કેન્દ્રનું ગૃહ મંત્રાલય, આસામની રાજ્ય સરકાર અને બોડો પ્રતિનિધિઓ. બોડો પ્રતિનિધિઓમાં NDFB ઉપરાંત ઑલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયન (ABSU) અને યુનાઇટેડ બોડો પિપલ્સ ઓર્ગેનાઇઝેશન (UBPO)નો સમાવેશ થાય છે.

અલગ બોડો રાજ્ય માટે 1970ના દાયકાથી ABSU માગણી કરતી આવ્યું હતું, જ્યારે UBPOની મુખ્ય માગણીઓ બોડો સંસ્કૃતિનું સંવર્ધન અને આદિવાસીઓના આર્થિક અને રાજકીય અધિકારો હતા. NDFBની માગણી તદ્દન સ્વતંત્ર થઈ જવાની હતી. આ રીતે ત્રણેય પ્રકારની માગણીઓ કરતાં સંગઠનો સાથે સોમવારે કરાર કરી લેવાયો છે.

માગણીઓના મૂળ

આસામમાં સૌથી મોટું આદિવાસી જૂથ બોડોનું છે. બહુ લાંબા સમયથી તેમનો અસંતોષ આસામી ભાષી લોકો સામે હતો, જેઓ બ્રહ્મપુત્રા ખીણમાં વસ્યા છે. સાથે જ બંગાળી બોલતા મુખ્યત્વે બાંગ્લાદેશી મુસ્લિમો સામે તેમનો રોષ હતો.

પશ્ચિમ આસામમાં વિશાળ જગ્યા ખાલી પડી હતી, જે પરંપરાથી બોડો લોકોના ખેતરો હતા. બોડો લોકો ખેડ કરવાને બદલે વૃક્ષો બાળીને આગળ આગળ ખેતી કરતા જતા હતા, પણ નવા આવનારા લોકોએ કબજો જમાવવાનું શરૂ કર્યું હતું.

આસામમાંથી તબક્કાવાર નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમ જુદા રાજ્યો કરવામાં આવ્યા, પરંતુ બોડો લોકોની અલગ વિસ્તારની માગણી અધૂરી જ રહી ગઈ હતી.

જોકે બોડોલેન્ડ માટેની માગણી ભૌગોલિક રીતે બહુ મહત્ત્વના સ્થાને હતી. ભારતની મુખ્ય ભૂમિને ઈશાન ભારત સાથે જોડતી જમીનની ફક્ત 22 કિમી પહોળી પટ્ટી છે, જેને ચિકન્સ નેક કહેવાય છે, ત્યાં જ બોડો વિસ્તાર આવેલો છે. આ બોડો વિસ્તારને ઈશાન ભારતનું પ્રવેશદ્વાર ગણી શકાય.

બીજું કે બોડો વિસ્તારની બહુ નજીક બાંગ્લાદેશ અને ભૂતાનની આંતરરાષ્ટ્રીય સરહદો પણ આવેલી છે.

રાજકીય અસરો

2001થી બોડો હંમેશા કેન્દ્રમાં સત્તા હોય તે પક્ષની તરફેણમાં રહ્યાં છે. આગળ જતા પણ તે વલણ જળવાઈ રહેશે તેમ લાગે છે.

2021માં આસામમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પણ યાદ રાખવું જોઈએ. આસામનો મોટો વિસ્તાર CAAના વિરોધમાં આંદોલનથી ગ્રસ્ત થયેલો છે. તેના કારણે આસામમાં સત્તા ધરાવતા ભાજપ માટે મુશ્કેલી થઈ શકે તેમ છે, ત્યારે બોડોલેન્ડ વિસ્તાર તેના માટે રાહત આપનારો બની શકે છે. આસામની કુલ 126 વિધાનસભા બેઠકોમાંથી આ વિસ્તારમાં 16 બેઠકો છે.

મોદી સરકાર પૂર્વતરફી નીતિ એટલે કે, અગ્નિ એશિયાના દેશો સાથે વધારે સારા સંબંધોની નીતિ ધરાવે છે, ત્યારે પૂર્વ તરફના પડોશી દેશો સાથે સંબંધો સુધારવામાં પણ બોડો સમસ્યાનો ઉકેલ સહાયરૂપ થાય તેમ છે.

કેન્દ્ર અને આસામ માટે આ કરાર એક સફળતા છે, કેમ કે સ્વતંત્રતાની માગણી કરી રહેલા જૂથને પણ કરારમાં લેવાયું છે અને આસામમાંથી અલગ રાજ્ય કરવાની માગણી માન્ય રખાઈ નથી. બોડોલેન્ડ રાજ્યની માગણી માટેનો ઉત્સાહ શમવા લાગ્યો હતો અને તેના કારણે પ્રતિષ્ઠા જાળવી રાખવા આ કરાર કરી લેવો જૂથો માટે પણ જરૂરી બન્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંદેશ મૂક્યો હતો કે: “આજે બોડો કરાર કરાયો તે અનેક કારણોસર આગવો છે. જુદા જુદા સંબંધિત જૂથોને એક છત્ર નીચે લાવી શકાયા છે. અગાઉ સશસ્ત્ર જૂથો સાથે સંકળાયેલા લોકો હવે મુખ્ય ધારામાં સામેલ થઈને દેશની પ્રગતિમાં હિસ્સેદાર બનશે”.

કરારના મુખ્ય મુદ્દાઓ

કરાર પ્રમાણે ભૌગોલિક રીતે સળંગ જોડાયેલા વિસ્તારને અલગ સ્વાયત્ત પ્રદેશ જાહેર કરવાનું નક્કી થયું છે. સાથે જ બીજા વિસ્તારમાં રહેતા બોડો લોકોના રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક હિતોના સંવર્ધન માટે પણ વિચારાયું છે. બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજન (BTR)ની રચના કરવામાં આવી છે. તેના માટેના ભંડોળની ફાળવણી રાજ્ય સરકાર મારફત કરવાના બદલે સીધી કેન્દ્રમાંથી કરવામાં આવશે. આ વિસ્તારમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની રચના થશે, જે આ વિસ્તારના બધા જ અધિકારીઓની ભરતી, નિમણૂક, બદલી કરશે. જમીનના અધિકારો, બોડો સંસ્કૃતિની જાળવણી અને બોડો ભાષાને ઉત્તેજનને પ્રાથમિકતા અપાશે અને તે માટે નાણાકીય સહાય આપવામાં આવશે.

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આ પ્રસંગે કહ્યું: “આ કરારથી બોડો વિસ્તારનો સર્વાંગી વિકાસ થશે, અને આસામની સરહદોને અતૂટ રાખીને બોડો ભાષા અને સંસ્કૃતિની જાળવણી થઈ શકશે”.

બીજા શબ્દોમાં કહીએ તો BTRના વિકાસનું કામ બોડો લોકોના હાથમાં જ સોંપવામાં આવ્યું છે, જેઓ કેન્દ્રની સાથે સંકલન સાધીને યોજનાઓનો અમલ કરી શકે છે. કરારની જોગવાઈ પ્રમાણે રાજ્ય સરકારની ભૂમિકાને ઘણા અંશે મર્યાદિત કરી દેવાઈ છે. તે પણ અલગ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા વિના.

સંજીબ કુમાર બરુઆ

ABOUT THE AUTHOR

...view details