નેવું કરોડ મતદારોની માહિતી સાથે ભારત સમસ્ત વિશ્વમાં સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનવાનું ગૌરવ ધરાવે છે. ભારતના ત્રણ પાંખીયા વહિવટ માટે પ્રતિનિધિઓની ચૂંટણી માટે મૂળભૂત ગણાતી મતદારયાદીની હાલની અવસ્થા જોઇને અત્યંત શરમ ઉપજે તેમ છે. ભારતરત્ન એવા ડો. ભીમરાવ આંબેડકરે એકવાર આપણને યાદ પણ અપાવી હતી કે, મતદારયાદી તૈયાર કરવી એ એક એવી ફરજ છે, જે સૌથી વધુ ખંત અને કાળજી સાથે હાથ ધરાવી જોઇએ, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સ્તરે ચૂંટણી સમિતિઓ જે પદ્ધતિએ કામ કરે છે. તે પૂરવાર કરે છે કે, તેઓ પોતાની એ ફરજ અદા કરવામાં નિષ્ફળ નિવડ્યા છે. જેના કારણે ગુસ્સો પણ આવે છે અને ચિંતા પણ થાય છે. ભાજપે છેલ્લી સામાન્ય ચૂંટણીઓમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં વન નેશન વન ઇલેક્શનનું વચન આપ્યું હતું. તદઅનુસાર કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકારે તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે એક જ મતદાર યાદીને આખરી ઓપ આપવાના પ્રયાસો વેગવંતા બનવી દીધા છે.
બંધારણના અનુચ્છેદ-324 અનુસાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે એકસમાન ચોક્કસ મતદારયાદી હોવી એ કાનૂની આવશ્યકતા છે, જ્યારે રાજ્ય સરકારોએ જેને ચૂંટણીઓનું આયોજન કરવાની સત્તા આપી છે. તે રાજ્યસ્તરના ચૂંટણીપંચ એકત્ર કરાયેલી માહિતીના આધારે મતદાર યાદી તૈયાર કરવાની તેઓની બંધારણીય ફરજ બજાવે છે. અલબત્ત દેશના 22 રાજ્યો કેન્દ્રિય ચૂંટણીપંચ દ્વારા તૈયાર કરાયેલી યાદી ઉપર આધાર રાખે છે.
જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ આસામ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, કેરળ અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ જેવા રાજ્યોએ પોતાની અસાધારણ મતદારયાદી તૈયાર કરી દીધી છે. જે તેઓની અસાધારણ કાર્યશૈલીનો સંકેત કરે છે. કેન્દ્રિય ચૂંટણીપંચે પણ 1999 અને 2004ની સાલમાં સમગ્ર દેશભરમાં એકસમાન મતદારયાદી રાખવાની તરફેણ કરી હતી, તે ઉપરાંજ જ્યુડિશિયલ ટ્રિબ્યુનલોએ પણ 2015ની સાલની સામાન્ય ચૂંટણીઓમાં આ મુદ્દાનું સમર્થન કર્યું હતું. મતદારયાદી તૈયાર કરવામાં સંબંધિત રાજ્યો દ્વારા હાથ ધરાતી વ્યાપક કામગીરી અને નકામા જંગી ખર્ચાને ટાળવાના આશયથી શરૂ કરાયેલી આ કવાયતમાં રાજ્યોના કેટલાંક કાયદાઓમાં સુધારા કરવાની જરૂર છે. એક રાષ્ટ્ર માટે એક મતદારયાદી જાળવી રાખવી એ ખરેખર સારો વિચાર છે. પરંતુ તે મતદારયાદીની અધિકૃતતા વિશ્વસનિય હશે કે, નહીં તે જોવું રહ્યું.