ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EXCLUSIVE : કોંગ્રેસનું નેતૃત્વ ગાંધી જ કરે અને ભાજપ સામે લડવા સાથીઓ શોધેઃ મણીશંકર ઐયર

કોંગ્રેસમાં નેતૃત્વ, જૂના અને નવા નેતાઓ વચ્ચે ગજગ્રાહ, ભાજપ સામે લડવા ગઠબંધન જેવા અંગે મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે વરિષ્ઠ પત્રકાર અમિત અગ્નિહોત્રી સાથે વાતચીત કરી હતી. પ્રસ્તુત છે આ વાતચીતના અંશો...

By

Published : Sep 4, 2020, 10:00 AM IST

Updated : Sep 4, 2020, 10:20 AM IST

મણીશંકર ઐયર
મણીશંકર ઐયર

સવાલઃ કોંગ્રેસમાં જૂના અને નવા નેતાઓ વચ્ચે ગજગ્રાહ જામ્યો હોય તેવું લાગે છે. મૂળ સમસ્યા શું છે?

વેલ, સમસ્યા નેતૃત્ત્વ નથી. અકસ્માતે એવું થયું છે (સોનિયા ગાંધી) ને પત્ર લખનારા 23 સિનિયર નેતાઓએ પણ કંઈ એવું નથી કહ્યું કે કોંગ્રેસની મૂળભૂત સમસ્યાનો ઉકેલ નેતૃત્ત્વ પરિવર્તનમાં છે. જો તેમને લાગતું હોય કે લીડરશીપ સમસ્યાનું મૂળ છે તો તેમાંથી કોઈ પણ નેતા AICCનું અધિવેશન મળે ત્યારે ચૂંટણીમાં ઊભા રહી શકે છે. હું આશા રાખું કે જિતેન્દ્ર પ્રસાદ જેવા હાલ તેમના ના થાય, જેમને સોનિયા ગાંધીના 9400 મતો સામે માત્ર 94 મતો મળ્યા હતા.

સમસ્યા જુદી જ છે. આઝાદીની ચળવળને કારણે જે સામાજિક વર્ગો કોંગ્રેસ સાથે હતા અને આઝાદીના પ્રથમ 20 વર્ષ સુધી રહ્યા તે હવે રહ્યા નથી. 1967ની ચૂંટણીઓથી આ મતદારો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી વિમૂખ થતા ગયા છે અને પોતાનો માર્ગ શોધવા લાગ્યા છે. ખાસ કરીને 1990માં મંડલ પછી ઘણા સામાજિક વર્ગોએ પોતાના અલગ જૂથની રચના કરી. તેમણે જોયું કે બીજા બધા પછાત વર્ગો કરતાં યાદવો ઘણા આગળ છે અને બીજા બધા એસસી કરતાં જાટવ લોકો ઘણા આગળ છે. (1992માં) બાબરી મસ્જિદ તૂટી પડી તે પછી મુસ્લિમોએ સામુહિક રીતે કોંગ્રેસને છોડી દીધી છે.

લીડરશીપને એક સમસ્યા તરીકે ના ગણો. સમસ્યા વધારે ઊંડી છે અને મારી દૃષ્ટિએ તેનો ઉકેલ ત્યારે જ આવે જ્યારે આ સામાજિક વર્ગોને ફરીથી સાથે લેવામાં આવે. વધારે અગત્યનું એ છે કે જ્ઞાતિ કે પ્રદેશોના આધારે પ્રાદેશિક પક્ષો બન્યા છે તે બનેલા રહે, પણ કોંગ્રેસ સાથે ગઠબંધનમાં આવે. કેરળના મોડલ આધારે આવું જોડાણ થવું જોઈએ, જ્યાં પરિણામ પછી તરત જ ગઠબંધન થાય છે. દરેક પક્ષ પોતાની ઓળખ જાળવી રાખે છે, પણ તેમને ખ્યાલ હોય છે કે ફરી સત્તા પર આવીશું ત્યારે તેમની પાસે કયું ખાતું હશે.

સવાલઃ ગઠબંધનની શા માટે જરૂર છે? શું પ્રાદેશિક પક્ષો કોંગ્રેસની છત્રછાયામાં કામ કરવા તૈયાર થશે ?

ભારતીય જનતા પક્ષને હરાવવા માટેનો એક માત્ર ઉપાય ગઠબંધન છે. મારું સૂચન છે કે પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ સાથે મળીને કામ કરે. તો જ જીતી શકાશે. તમે અમારા નેતૃત્ત્વમાં આવો તેવું કહેવાનો અર્થ નથી. એક સમજૂતિ થાય કે સૌથી વધુ બેઠકો હોય તેની સરકાર બનશે અથવા સૌને સ્વીકાર્ય ફોર્મુલા તૈયાર થાય. નેતૃત્ત્વની વાત બાજુએ રાખીએ તો સમજૂતિમાંથી ગઠબંધન થઈ શકે. મારું કહેવાનું છે કે અત્યારે વડાપ્રધાન પદની માગણી ના કરો. વધારે બેઠકોને કારણે મળે તો ઠીક છે, પરંતુ અત્યારે પીએમ કોણ હશે તેની ચર્ચાનો સમય નથી. મને લાગે છે કે 2024માં ભાજપને હરાવવા માટે કેરળ પ્રકારનું ગઠબંધન સમગ્ર દેશમાં કરવું પડશે.

સવાલઃ છેલ્લી બે ચૂંટણીઓમાં 10 ટકા બેઠકો પણ નથી મળી કે વિપક્ષના નેતાનું પદ મળે. શું કહેશો?

હા, બહુ મોટો પડકાર છે. અમે પાછા પડ્યા હોય તેવું બન્યું હતું. પીએમ પદની વાત બેઠકતો મળે ત્યારની જ હોવી જોઈએ. મારા રાજ્ય તામિલનાડુમાં 1967થી અમે સત્તામાં નથી અને બીજા 600 વર્ષ ત્યાં અમને મળવાનીય નથી. આમ છતાં દરેક ગામમાં તમને કોંગ્રેસનો ટેકેદાર મળી આવે છે. તેના કારણે જ DMK અને AIADMK વચ્ચે અમે સંતુલન જાળવી શક્યા છીએ અને ટકી ગયા છીએ. હું 1991માં સંસદમાં આવ્યો ત્યારે અમારા ગઠબંધનને કારણે AIADMKને બધી જ 39 બેઠકો મળી હતી. આપણે ક્યાં ઊભા છીએ તે સમજવું જોઈએ અને સામાજિક વર્ગોને પરત આકર્ષવા જોઈએ.

સવાલઃ એ લાંબા ગાળાનો ઉપાય છે. પણ અત્યારે કોંગ્રેસને ચૂંટાયેલા પ્રમુખની જરૂર છે?

હાલનું નેતૃત્ત્વ પક્ષના કામકાજ પર વધારે ધ્યાન આપે તે જ વધારે સારું થશે. બિચારા રાહુલ ગાંધીએ વિકલ્પ શોધવા માટે બધી જ તક આપી છે, તેઓ બે મહિના કહેતા રહ્યા કે મારે પ્રમુખપદ નથી જોઈતું અને માતા કે બહેનને પણ પ્રમુખ નહિ બનવા દઉં. પરંતુ કોંગ્રેસમાંથી કોઈ એવું નહોતું કે આગળ આવીને નેતૃત્ત્વ સંભાળે. ભાજપનો હેતુ કોંગ્રેસમુક્ત ભારત કરવાનો છે અને તેઓ ગાંધીમુક્ત કોંગ્રેસ કરે તો જ તેમને સફળતા મળે. નેતૃત્ત્વના મામલે અમારે ટાઇમ બગાડવાની જરૂર નથી.

સવાલઃ એટલે કે ગાંધી પરિવાર અનિવાર્ય છે એમ તમારું કહેવું છે? પણ પક્ષને મજબૂત કરવાનું શું?

ત્રણમાંથી કોઈ એક ગાંધીએ નેતૃત્ત્વ કરવું પડે તે બાબતમાં મારા મનમાં કોઈ શંકા નથી. રાહુલ ઈચ્છે તો તેઓ ... તેમણે વારંવાર કહ્યું છે કે પક્ષ માટે પોતે હાજર જ છે. પણ ઇચ્છા ના હોય તેમને કેવી રીતે પ્રમુખ બનાવી શકીએ. કદાચ તેમનો વિચાર બદલાશે. કદાચ પ્રિયંકા સંભાળશે અને કદાચ તબિયત ઠીક ના હોવા છતાં સોનિયા ગાંધી પ્રમુખપદ સંભાળતા રહેશે. પક્ષ તરીકે અમારે મક્કમતા સાથે નક્કી કરવાનું છે કે ભાજપ, કેસરિયા ટોળી, આપણો દુશ્મન છે, બાકીની બધી બાબતો ગૌણ છે. આપણે ગુમાવેલા સામાજિક વર્ગોને પરત લાવવા ગઠબંધનો કરવા પડે. આપણે ગાંધીના નેતૃત્ત્વમાં એક થઈને આગામી ચાર વર્ષ લડત આપવી જોઈએ અને જોઉં જોઈએ કે સારા પરિણામ આવે છે કે નહિ.

પક્ષ નબળો છે એટલે લોકસભામાં અમને 52 બેઠકો મળી એવું નથી. ભાજપ સિવાયના મતો એટલે કે 63 ટકા મતો 2019માં વહેંચાઈ ગયા. આપણે તેમને એક કરવા રહ્યા. આપણે મજબૂત હશું એક મક્કમ નેતૃત્ત્વ નીચે એક હશું તો જ કોંગ્રેસની શ્રદ્ધેયતા હશે. આવું નેતૃત્ત્વ ગાંધી પરિવાર આપી શકે છે એમ હું માનું છું. ગાંધી પરિવારની પાંચ વ્યક્તિએ કોંગ્રેસનું નેતૃત્ત્વ કર્યું છે અને જો પક્ષમાં એકમત ના હોય તો જેમણે હજી સુધી ટોચનું પદ નથી લીધું તેમને સોંપવું જોઈએ.

સવાલઃ એટલે કે તમે પ્રિયંકા ગાંધીને ઇચ્છો છો?

ના, મારી પસંદગી ગાંધી પરિવાર છે, પરિવારમાંથી જે પણ નક્કી થાય તે.

સવાલઃ બિનગાંધી પ્રમુખ માટેની ચર્ચા ચાલી છે તો કોણ તે કોણ હોઈ શકે?

હું યુવાન હતો ત્યારે મને બહુ ઇચ્છા થતી કે હિન્દી ફિલ્મોની લોકપ્રિય હિરોઇન મધુબાલા મારી થઈ જાય. એવું થયું નહિ. બિનગાંધી કોંગ્રેસ પ્રમુખની ઈચ્છા એના જેવી જ ઈચ્છા છે. ગાંધી પરિવારની હાજરી હોય ત્યાં સુધી તે સ્થાન લઈ શકે તેવું કોઈ નથી.

સવાલઃ આંતરિક ચૂંટણીઓ યોજી શકાય કે નહિ?

વડા પ્રધાન રાજીવ ગાંધી આ વાત કરતાં હતા અને રાહુલ ગાંધી પણ 2007થી તે માટેની વાત કરી રહ્યા છે. તેમણે યુવા કોંગ્રેસ અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયામાં ચૂંટણીઓ કરાવી પણ હતી. વિવાદો થયા હતા, પણ તે જુદી વાત છે. તે નવીન વિચાર હતો. હું આશા રાખું છું કે 23 સિનિયર નેતાઓએ ભલામણ કરી છે તેમાંથી કેટલીક પક્ષ સ્વીકારશે, કદાચ બધી પણ સ્વીકારે.

-અમિત અગ્નિહોત્રી

Last Updated : Sep 4, 2020, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details