નવી દિલ્હી: ઓપિનિયન પોલ્સ તથા અન્ય મોડેલ્સ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડનની જીતની આગાહી કરી રહ્યા છે, ત્યારે વોશિંગ્ટન અને બિજીંગ વચ્ચેની ટ્રેડ વોર વચ્ચે તથા આ સ્થિતિમાં ભારત-અમેરિકા વચ્ચેના જોડાણનું શું ચિત્ર ઉપસશે, તે અંગેની અટકળો વચ્ચે નિરીક્ષકોનું માનવું છે કે, ભૂતપૂર્વ અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટના નેતૃત્વ હેઠળ વ્હાઇટ હાઉસનું નવું વહીવટી તંત્ર સંભવિતપણે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દાઓ મામલે જે માર્ગ અપનાવ્યો છે, તે માર્ગનું અનુસરણ નહીં કરે.
ઝી જિનપિંગે ચીનના પ્રમુખ તરીકે કારભાર સંભાળ્યો, ત્યારથી પ્રથમ ક્રમની વિશ્વ સત્તા તરીકે ઊભરી આવવાની બિજીંગની લાલસા મામલે વોશિંગ્ટને કડક વલણ અખત્યાર કર્યું છે.
ઓપિનિયન પોલ્સ સૂચવે છે કે, જો અમેરિકામાં અત્યારે ચૂંટણી યોજાય, તો બિડન મોટી જીત મેળવે, તેવી શક્યતા છે. રિયલ ક્લિયર પોલિટિક્સના ડેટાના આધારે ફાઇનાન્શિયલ ટાઇમ્સના તાજેતરના પોલ ટ્રેકર અનુસાર, ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન 538માંથી 308 ઇલેક્ટરલ કોલેજ વોટ જીતી શકે છે, જ્યારે ટ્રમ્પ માત્ર 113 મતો મેળવી શકે છે. ઉમેદવારે જીતવા માટે 538માંથી 270 મતો મેળવવા જરૂરી છે.
દરમિયાન, વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકન યુનિવર્સિટીના ઇતિહાસના પ્રતિષ્ઠિત પ્રોફેસર એલન લિચમેને પણ આગાહી કરી છે કે, આ વર્ષની ચૂંટણીમાં બિડન વિજેતા તરીકે ઊભરી આવશે.
લિચમેને 13 ઐતિહાસિક પરિબળોને ધ્યાન પર લઇને તેમણે વિકસાવેલા “Keys” મોડેલના આધારે આ આગાહી કરી છે. તેઓ તેમના આ મોડેલના આધારે છેલ્લા ચાર દાયકાથી પ્રમુખપદની ચૂંટણીના ચોકસાઇપર્ણ પરિણામની આગાહી કરવા માટે પ્રસિદ્ધ છે. આ મોડેલ ઓપિનિયન પોલ્સ કરતાં અલગ પદ્ધતિ ધરાવે છે.
કોવિડ-19 કટોકટી સમયે ટ્રમ્પે કરેલી કાર્યવાહી મામલે અને ત્રીજી નવેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીની નિયત તારીખમાં ફેરફાર કરવા મામલે તેમણે ભારે ટીકાનો સામનો કરવો પડ્યો, તે દરમિયાન આ આગાહીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ-19 મહામારીને કારણે પોસ્ટલ વોટિંગથી અચોકસાઇપૂર્ણ પરિણામો આવશે, તે આધાર પર ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવો, તે અમેરિકન પ્રમુખપદની ચૂંટણીના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના ગણાય.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, બિડન ચૂંટણી જીતે, તો પણ વ્હાઇટ હાઉસના નવા ઇનચાર્જ ભારત સાથેના અમેરિકાના સબંધની વાત આવે, ત્યારે અથવા તો ચીન સાથેના ટ્રેડ વોર પરના તેના વલણ અને દક્ષિણ ચીન સમુદ્રમાં બીજિંગની જોહુકમી અને ઇન્ડો-પેસિફિકમાં તેના વધી રહેલા પગપેસારા અંગે અમેરિકાના વલણની વાત આવે, ત્યારે ટ્રમ્પ સરકારની નીતિઓને તે પુનઃસ્થાપિત કરે, તેવી શક્યતા નહિવત્ છે.
“ભારત-અમેરિકાના સબંધો પ્રારંભિક સ્થિતિ પર આવી પહોંચ્યા છે,” તેમ બાહ્ય બાબતોના મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ પિનાક રંજન ચક્રવર્તીએ ઇટીવી ભારતને જણાવ્યું હતું.
ભારત અને અમેરિકા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે, જેને બંને દેશોમાં દ્વિપક્ષી સમર્થન સાંપડ્યું છે. તે દ્વિપક્ષી, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓના વધતા સંમિલન તથા સહિયારાં લોકશાહી મૂલ્યો પર આધારિત છે.
અમેરિકાએ ભારતને મહત્વનું સંરક્ષણ ભાગીદાર પણ બનાવ્યું છે અને નવી દિલ્હીને વોશિંગ્ટનના નિકટતમ સંરક્ષણ અને મુત્સદ્દી મિત્ર રાષ્ટ્રોના સમમૂલ્ય પર લાવી દીધું છે.
યુએસ ઇન્ડિયા પોલિટિકલ એક્શન કમિટીના સ્થાપક સભ્ય રબિન્દર સચદેવના જણાવ્યા પ્રમાણે, જો બિડન સત્તા પર આવશે, તો બંને દેશો વચ્ચેનું જોડાણ સમાન માર્ગ પર ચાલતું રહેશે, “કારણ કે, અમેરિકા-ભારત વચ્ચેના સબંધનું ઊંડાણ ચોક્કસ મહત્વપૂર્ણ સ્તરે પહોંચી ચૂક્યું છે, જેના કારણે આ સબંધ આશાસ્પદ રીતે હંમેશા ઉર્ધ્વગતિ કરશે.”
“હવે, તે ઉર્ધ્વગતિ દ્વારા ધારણ કરવામાં આવતા એંગલમાં ફેરફાર થઇ શકે છે, તમે જાણો છો, કેટલીક સરકારમાં તે ઉપર જઇ શકે છે, તો કેટલીક સરકારમાં તે નીચે આવી શકે છે, પરંતુ તેમાં ખાસ તીવ્રતા અને ખાસ પ્રવેગ નહીં હોય,” તેમ સચદેવે જણાવ્યું હતું.
જોકે, તેની સાથે-સાથે તેમણે જણાવ્યું હતું કે, આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે, અમેરિકન કોંગ્રેસના અપર અને લોઅર હાઉસ, એમ બંનેના કારણે આ ચૂંટણી યોજાય છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝ – લોઅર હાઉસ પર ડેમોક્રેટ્સનું નિયંત્રણ છે, તો સેનેટ પર રિપબ્લિકનનું નિયંત્રણ છે.
“જો સેનેટમાં પણ ડેમોક્રેટ્સની બહુમતી થઇ જાય અને બિડન યુએસના પ્રમુખ તરીકે ચૂંટાઇ આવે, તો મારૂં માનવું છે કે, ભારત-અમેરિકાના સબંધો થોડા અસ્થિર સ્વરૂપના થઇ જશે, કારણ કે ઘણા ડેમોક્રેટ્સ કેટલાક મુદ્દે ભારતના આલોચક છે અને તેઓ હાઉસ અને સેનેટ પર તેમનું વર્ચસ્વ થઇ જતાં તેઓ લાભદાયક સ્થિતિમાં આવી જશે,” તેમ સચદેવે જણાવ્યું હતું.
“એ યાદ રાખો કે યુએસની સિસ્ટમમાં પ્રેસિડેન્ટ પાસે તમામ એક્કા હોય છે, પરંતુ હાઉસ અને સેનેટ એ એક રીતે હાઉસ ઓફ કાર્ડ્ઝ છે, કારણ કે તેઓ ઘણી સ્થિતિનું નિર્માણ કરી શકે છે, તેઓ બિલ અને ઠરાવો લાવી શકે છે અને અન્ય કેટલાક વિધેયકોમાં સુધારા કરી શકે છે.
અમેરિકા ભારત સાથે એવા વિસ્તરિત વેપારી સંબંધો ધરાવવા ઇચ્છે છે, જે પારસ્પરિક અને ન્યાયપૂર્ણ હોય. 2019માં યુએસ-ભારત વચ્ચે ઉત્પાદનો તથા સેવાઓ ક્ષેત્રે કુલ દ્વિપક્ષીય વેપાર 149 અબજ ડોલર પર પહોંચ્યો હતો. અમેરિકન ઊર્જા નિકાસ એ વેપારી સબંધોમાં વૃદ્ધિનું મહત્વનું ક્ષેત્ર છે.