નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે મજૂરોનું ઘર તરફ પગપાળા પ્રયાણ પણ એક ચિંતાનો વિષય બન્યો છે. આ બાબતે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ જણાવ્યું કે, હવે કોઈ પ્રવાસી મજૂર રસ્તા પર નથી. જે પણ મજૂરો બાહર હતા, તેમને આશ્રય સ્થાનોમાં ખસેડાયા છે.
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જાણકારી આપતા કહ્યું કે, 6,63,000 લોકોને અત્યાર સુધી આશરો આપવામાં આવ્યો છે. જ્યારે 22,88,000 લોકોને સરકાર ભોજન પુરૂ પાડી રહી છે. પ્રવાસી મજૂરોને રોકી તેમને આશ્રય સ્થાનોમાં રાખવામાં આવ્યા છે. તુષાર મેહતાએ જણાવ્યું કે, હાલ ગ્રામિણ વિસ્તાર આ વાઈરસના પ્રભાવથી દૂર છે, પરંતું શહેરમાંથી ગામડામાં જતા 10માંથી 3 લોકો વાઈરસ અરસગ્રસ્ત હોવાની શક્યતા છે.
સોલિસિટર જનરલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલા આદેશ મુજબ રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધ કરીને તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરી રહ્યો છે. કંટ્રોલ રૂમ આશ્રિતોની જાણકારી રાખશે.
આ પરિસ્થિતિ સામે પગલા લેવા બાબતે સોલીસિટર જનરલે જણાવ્યું કે, તેમની પાસે પ્રશિક્ષિત કાઉન્સેલર અને ધાર્મિક વડા છે. જે આશ્રિતોને 24 કલાક કાઉન્સેલિંગ કરશે. મુખ્ય ન્યાયાધીશ બોબડેએ જણાવ્યું કે, તેમને ભજન કિર્તન કે નમાઝ અદા કરવા એકઠા ન થવા દેવા કલમ 188 લાગુ કરી શકાય છે. આ કલમ હેઠળ સરકારના પ્રાધિકરણના આદેશોની અવહેલના કરવી એ સજા પાત્ર ગુનો છે. જોકે, સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપ્યો નથી. પરંતું કેન્દ્ર સરકારને મૌખિક સુચન કરતા જણાવ્યું કે, કોરોના વાઈરસની જાણકારી માટે નિષ્ણાતો અને પોર્ટલ સમિતિની રચના કરવી જોઈએ.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવે જણાવ્યું કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં રાજ્યો અને જિલ્લાઓ માટેની જોગવાઈઓ છે. તે કેન્દ્રિય સત્તાના નિર્દેશોનું પાલન કરવા માટે બંધાયેલા છે, તેથી રાજ્યોએ કોઈ ખાસ આદેશો આપવાની જરૂર નથી.
સર્વોચ્ચ અદાલતે કેન્દ્રને પીવાનું પાણી, ખોરાક, પથારી, વપરાશ માટેનું પાણી, તબીબી વગેરે પૂરતી સેવાઓની જોગવાઈ કરવા સુચવ્યું છે, કારણ કે ગરમી આવી રહી છે અને પાણીનો અભાવ પણ એક મોટી સમસ્યા બની રહેશે.
સોલિસિટર જનરલે જણાવ્યું કે, હાલ એક વર્ષ માટે પૂરતા પ્રમાણમાં ખાદ્ય સામગ્ર ઉપલબ્ધ છે. ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલત એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ દ્વારા જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહ્યા હતા, જેમાં સ્થળાંતર કામદારોને ખોરાક, આશ્રય અને દવાઓ પ્રદાન કરવા સૂચના માંગવામાં આવી હતી.