શ્રીનગરઃ પુલવામા જિલ્લાના કંગન વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ શરુ થઇ હતી. આ અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકી ઠાર માર્યા ગયાં છે. ઘટનાને પગલે વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.
પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) કાશ્મીર દિલબાગ સિંહે ઇટીવી ભારત સાથે કરેલી વાતચીતમાં આતંકીઓના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ પુલવામામાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન માર્યા ગયા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, સુરક્ષાબળોની એક સંયુક્ત ટીમે ક્ષેત્રમાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાની જાણ મળી હતી અને તપાસ અભિયાન શરુ કર્યું હતું. છુપાયેલા આ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો હતો, જે બાદ જવાબી કાર્યવાહી શરુ કરી હતી.
માર્યા ગયેલા ઉગ્રવાદીઓની ઓળખની શોધ શરુ છે. મળતી માહિતી મુજબ અઝહર મસુદના નજીકના અને આઇડી એક્સપર્ટ ઇકરામ ઉર્ફે ફૌજી ભાઇએ ગોળીબારી કરી હતી. પોલીસ અધિકારીઓની પુષ્ટિની રાહ જોવાઇ રહી છે.
આ વચ્ચે એક નિવારક ઉપાયના રુપમાં ક્ષેત્રમાં ઇન્ટરનેટ સેવાઓને રોકવામાં આવી છે.