ઉત્તર પ્રદેશઃ માર્ગ અકસ્માતમાં 24 કામદારોનાં મોત થયા છે. આ દુર્ઘટના રાજ્યના ઓરૈયા જિલ્લામાં બની છે. બધા રાજસ્થાનથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મોટાભાગના મજૂરો બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડના હોવાનું મનાય છે.
રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી ઘટના અંગે દુઃ ખ વ્યક્ત કર્યુ
આ ઘટનામાં 15 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમને સારવાર હેઠળ રખાયા છે. ઘટનાની જાણ થતાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ પીડિતોને મદદ કરવાનું વચન આપ્યુ હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પણ ઘટના અંગે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું.
ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. હાલ, રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસ અકસ્માતમાં મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પહેલા ઉત્તર પ્રદેશના હરદોઈના બિલ્ગ્રામ કોટવાલી વિસ્તારમાં રવિવારે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા હતાં અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં.
દેશમાં લોકડાઉન થયા પછી, પરપ્રાંતિય મજૂરોનું સ્થળાંતર ચાલુ છે. આ જ ક્રમમાં આવા અનેક દુઃખદ અકસ્માતો સાંભળવા મળી રહ્યા છે. આ પહેલા પણ મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અનેક મજૂરોનાં મોત થયા હતાં.