નવી દિલ્હી: રેલવેએ બુધવારે કહ્યું કે, 1 મેથી 140 વિશેષ ટ્રેનો ફસાયેલા પરપ્રાંતિય મજૂરો માટે ચલાવી હતી. જેના કારણે લોકડાઉનની વચ્ચે દેશના જુદા-જુદા ભાગોમાં ફસાયેલા 1.35 લાખથી વધુ પરપ્રાંતિય મજૂરોને પોતાના વતનમાં મોકલવામાં આવ્યાં છે. અત્યાર સુધી સૌથી વધુ ગુજરાતે મજૂર ટ્રેન દોડાવી છે.
રેલવેએ જણાવ્યું કે, બુધવાર માટે 42 ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ 10 વધુ ટ્રેનો દોડાઈ હતી. અમે દિવસના અંત સુધીમાં કેટલીક વધુ ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યા છીએ. મંગળવારની રાત સુધી રેલવે દ્વારા પરપ્રાંતિય કામદારો માટે 88 ટ્રેન દોડાવાઈ છે.
દરેક સ્પેશિયલ ટ્રેનમાં 24 ડબ્બા હોય છે અને દરેક ડબ્બામાં 72 બેઠકો હોય છે. જો કે, એક-બીજાથી સોશિયલ ડિન્ટનિગનના નિયમનું પાલન કરવામાં આવ્યું છે, આ માટે રેલવે દ્વારા એક જ ડબ્બામાં ફક્ત 54 મુસાફરો જ બેસાડવામાં આવ્યાં છે.
મુંબઈથી પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે, રેલવે દ્વારા વિશેષ મજૂર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી ત્યારથી 25 ટ્રેનોએ રાજ્યથી પરપ્રાંતિય કામદારોને પોતપોતાના રાજ્યોમાં પહોંચાડ્યાં છે. મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યની 25 વિશેષ ટ્રેનોએ સ્થળાંતર કરતા મજૂરોને પોતાના ઘરે પહોંચાડ્યાં છે.
કર્ણાટક સરકારે મંગળવારે આગામી પાંચ દિવસમાં રાજ્યથી દોડતી 10 ટ્રેનોને રદ કરી દીધી છે. તેમણે કહ્યું કે, બેંગ્લોરથી બિહાર સુધીની ત્રણ ટ્રેનો નિર્ધારિત શેડ્યૂલ મુજબ ઉપડશે. આ સેવાઓ પર કેટલા પૈસા ખર્ચવામાં આવ્યાં છે, આ અંગે રેલવે દ્વારા હજી સુધી સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી, જો કે, સરકારે કહ્યું છે કે, 85 અને 15ના ગુણોત્તરમાં રાજ્યો સાથે ખર્ચવામાં આવ્યો હતો. અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, રેલવેએ દરેક સેવા માટે 80 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે.
અત્યાર સુધી સૌથી વધુ ગુજરાતે મજૂર ટ્રેન દોડાવી છે. જે પછી કેરળ બીજા સ્થાને છે. ટ્રેન સ્થળોની બાબતમાં બિહાર અને ઉત્તરપ્રદેશ ટોચનાં રાજ્યો રહ્યાં હતા. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે દિલ્હીમાં ફસાયેલા અને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પરત લાવવાનો નિર્ણય કર્યો છે.