ભુવનેશ્વર: ઓડિશામાં કોવિડ -19 સંક્રમણના 1,384 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ સંક્રમિત લોકોની કુલ સંખ્યા 37,681 પર પહોંચી ગઈ છે. વળી, કોરોના વાઇરસને કારણે 9 લોકોના મોત થયા પછી સંક્રમણના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 216 પર પહોંચી ગઈ છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગંજામ જિલ્લો કોવિડ -19 ચેપથી ખૂબજ પ્રભાવિત છે અને અહીં સંક્રમણના કારણે છ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી પુરી, ખુરદા અને જાજપુરમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીનું મોત અન્ય રોગોના કારણે થયું છે, ત્યારબાદ ઓડિશામાં આ રીતે મૃત્યુની સંખ્યા વધીને 42 થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, આઇસોલેશન આવાસ કેન્દ્રમાંથી 889 નવા કેસ નોંધાયા છે જ્યારે સંક્રમિત લોકોના સંપર્કમાં આવનારાઓની તપાસ દરમિયાન 495 દર્દીઓ મળી આવ્યા હતા.
તેમણે કહ્યું કે રાજ્યમાં સૌથી વધુ 228 નવા દર્દીઓ ગંજામ જિલ્લામાંથી નોંધાયા છે. આ પછી ખુર્દામાંથી 201, સંબલપુરના 82 દર્દીઓ નોંધાયા છે. રાજ્યના 30 માંથી 28 જિલ્લામાંથી નવા કેસ નોંધાયા છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા 14,349 છે જ્યારે સ્વસ્થ દર્દીઓની સંખ્યા વધીને 23,074 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5,70,590 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી સોમવારે 14,002 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.