ગુજરાત

gujarat

By

Published : Jul 6, 2020, 8:23 AM IST

ETV Bharat / bharat

106 વર્ષની ઉંમરે કોરોનાને આપી માત, 4 વર્ષની ઉંમરે પણ સ્પેનિશ ફ્લૂને હરાવ્યો હતો

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે 106 વર્ષના વ્યક્તિએ કોરોનાને હરાવ્યો છે.

COVID-19
COVID-19

નવી દિલ્હીઃ રાજધાનીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં 106 વર્ષના વ્યક્તિએ કોરોનાને માત આપી છે. તેમની રિક્વરી જોઇને ડૉકટર્સ પણ હેરાન થયા હતા. કારણ કે, આ ઉંમરે તેમનો રિક્વરી રેટ ખૂબ જ ઝડપી હતો. આ વ્યક્તિએ 102 વર્ષ પહેલા એટલે કે, જ્યારે તે 4 વર્ષના હતા ત્યારે સ્પેનિશ ફ્લૂને માત આપી હતી.

દિલ્હીમાં આવો આ પહેલો કેસ છે. જો કે, હાલ આ વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. તેમના 70 વર્ષીય દિકરાને પણ કોરોના વાઇરસ પોઝિટિવ છે, પરંતુ તેમના પિતા દિકરાથી પણ જલ્દી સ્વસ્થ થયા છે. તેમના પત્ની, પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને રજા આપવામાં આવી છે.

આ કેસમાં એક ખાસ વાત એ છે કે, આ વ્યક્તિએ વર્ષ 1918માં એટલે કે, 102 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂ મહામારીનો પણ સામનો કર્યો હતો, ત્યારે તેમની ઉંમર માત્ર 4 વર્ષની હતી. રાજીવ ગાંધી હોસ્પટિલના ડૉકટર્સનું કહેવું છે કે, આ દિલ્હીનો પહેલો કેસ છે, જેમાં દર્દીએ કોરોના સાથે 102 વર્ષ પહેલા સ્પેનિશ ફ્લૂનો પણ સામનો કર્યો હોય.

સ્પેનિશ ફ્લૂની વાત કરીએ તો અમેરિકાના સેન્ટર ઓફ ડીસીઝ કન્ટ્રોલ અનુસાર, 1918માં ફેલાયેલો સ્પેનિશ ફ્લૂ અત્યાર સુધીની સૌથી ભયંકર મહામારી હતી. તે H1N1 વાઇરસના કારણે ફેલાયો હતો. અમેરિકામાં પહેલીવાર આ મહામારી સૈનિકોમાં જોવા મળી હતી.

મળતી માહિતી મુજબ અમેરિકામાં સ્પેનિશ ફ્લૂના લીધે લગભગ 6 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ભારતમાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, સ્પેનિશ ફ્લૂના લીધે વિશ્વભરમાં ચાર કરોડ લોકોના મોત થયા હતાં.

ABOUT THE AUTHOR

...view details