- GSTની આંટીઘૂટીઓને લઈને કરવામાં આવ્યું બંધનુ એલાન
- દેશભરના 8 કરોડથી વધુ વેપારીઓ લેશે ભાગ
- કેટલાક સંગઠનો બંધના સમર્થનમાં, તો કેટલાક નહીં
નવી દિલ્હી: વ્યાપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના વિરોધમાં શુક્રવારે એટલે કે આજે 'ભારત બંધ'નું એલાન કરવામાં આવ્યું છે.
અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે સમર્થન
CATના જણાવ્યા પ્રમાણે, 1 કરોડ ટ્રાન્સપોર્ટરોનું પ્રતિનિધિત્વ કરતી ઑલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને બંધને ટેકો આપ્યો છે. ફેરિયાઓની રાષ્ટ્રીય સંસ્થાએ પણ આ બંધને સમર્થન આપ્યું છે. CATના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, GST સુધારા સામે તમામ રાજ્યોના 1,500 નાનામોટા સંગઠનો વિરોધ કરશે. તેમણે કહ્યું હતું કે, દવાઓની દુકાનો, દૂધ અને શાકભાજીની દુકાનો જેવી આવશ્યક સેવાઓને બંધથી બાકાત રાખવામાં આવી છે.
કેટલીક માંગણીઓની તરફેણમાં દુકાનો બંધ રાખવાના પક્ષમાં નથી: ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડ ચેમ્બર્સ
જો કે, ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડ ચેમ્બર્સ અને ભારતીય ઉદ્યોગ વ્યાપર મંડળ જેવા અન્ય વેપારી સંગઠનોએ કહ્યું હતું કે, તેઓ આ બંધને સમર્થન આપી રહ્યા નથી. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડ ચેમ્બર્સના રાષ્ટ્રીય મહામંત્રી વી.કે. બંસલે જણાવ્યું હતું કે, કેટલીક માંગણીઓની તરફેણમાં અમે દુકાનો બંધ રાખવાના પક્ષમાં નથી. જો કે, અમે માનીએ છીએ કે GST છેલ્લા 43 મહિના દરમિયાન તેના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગયું છે. ભારતીય ઉદ્યોગ વેપાર મંડળ, દિલ્હીના મહામંત્રી રાકેશ યાદવે કહ્યું કે, અમે બંધને સમર્થન નથી આપી રહ્યા. તેમણે કહ્યું કે તેમની સંસ્થા GSTને લગતા મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરી ચૂકી છે.
સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતોને બંધમા જોડાવા કરી અપીલ
દિલ્હીની સરહદો પર નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા(SKM)એ 26 ફેબ્રુઆરીના રોજ પરિવહન અને મજૂર સંગઠનો દ્વારા જાહેર કરાયેલા ભારત બંધમાં ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ભાગ લેવા અપીલ કરી હતી. મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તેઓ શુક્રવારે પરિવહન અને મજૂર સંગઠનો દ્વારા બોલાવાયેલા ભારત બંધનું સમર્થન કરે છે. તેમણે કહ્યું કે, અમે દેશના તમામ ખેડૂતોને અપીલ કરીએ છીએ કે, ભારત બંધના વિરોધ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે સમર્થન આપે અને બંધને સફળ બનાવવામાં આવે.