- બેંગ્લોરમાં ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી
- ઈમારતમાં રહેતા હતા 20થી વધુ પરપ્રાંતિય શ્રમિકો
- ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં, માલિક સામે ગુનો દાખલ
બેંગ્લોર: શહેરના વિલ્સન ગાર્ડન પાસેના લક્કાસંદ્રામાં સોમવારે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઈમારતમાં મેટ્રોનું કામ કરતા અંદાજે 20થી વધુ પરપ્રાંતિય શ્રમિકો રહેતા હતા. જોકે, ઈમારત પડી ત્યારે મોટાભાગના શ્રમિકો કામ પર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ અત્યાર સુધીમાં ચોક્કસ જાનહાનિની સમાચાર સાંપડ્યા નથી.
બેંગ્લોરમાં ત્રણ માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી મોટાભાગના લોકો ઈમારતમાં ન હતા
બનાવની જાણ થતા સ્થાનિક પોલીસમથકના કર્મીઓ તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઈમારતમાં બિહાર અને ઉત્તર પ્રદેશથી આવેલા અને બેંગ્લોરમાં મેટ્રો પ્રોજેક્ટ્સમાં કામ કરતા હતા. બનાવના સમયે મોટાભાગના લોકો કામ પર હતા, પરંતુ બિલ્ડીંગ ધરાશાચી થતા પહેલા થોડી હલવા લાગતા તેઓ દોડીને બહાર આવી ગયા હતા.
ગેરકાયદેસર હતી ઈમારત, માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઈમારત ગેરકાયેદસર રીતે અનેક નિયમો તોડીને બનાવવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. સ્થાનિક પોલીસે બપોરના સમયે ઈમારતના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.