કોલકાતા : અભિનેત્રીમાંથી રાજનેતા બનેલી તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સભ્ય નુસરત જહાં મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ED ઓફિસે પહોંચી હતી. નુસરત જહાં અગાઉના કેસોના સંબંધમાં ED ઓફિસ પહોંચી છે. ઉલ્લેખનિય છે કે, નુસરત જહાં પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના બસીરહાટ મતવિસ્તારની સાંસદ છે. તેઓના પર આરોપ છે કે, અગાઉ તે એક શંકાસ્પદ નાણાકીય સંસ્થામાં ડિરેક્ટર તરીકે સંકળાયેલી હતી. જ્યાંથી વરિષ્ઠ નાગરિકોને વ્યાજબી દરે રહેણાંક ફ્લેટ આપવાના વાયદા કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.
નુસરત જહાં ED ઓફિસ પહોંચ્યા : આજે મંગળવારના રોજ સવારે 10.50 વાગે નુસરત જહાં કોલકાતા પહોંચી હતી. તેઓ લગભગ 10.50 વાગ્યે સોલ્ટ લેકમાં કેન્દ્ર સરકારની ઓફિસ (CGO) સંકુલમાં ED ઓફિસમાં ઘણી ફાઈલ સાથે હાજર થયા હતા. જોકે, તેમણે ત્યાં ઉપસ્થિત રહેલા મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો. ઉપરાંત 7 સેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની અન્ય એક ડિરેક્ટર અને અભિનેત્રી રૂપલેખા મિત્રાને બુધવારે ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
સાંસદની પૂછપરછ : કેન્દ્રીય એજન્સીના અધિકારીઓને અગાઉથી જાણ કરવામાં આવી હતી કે, તેમને જરૂરી દસ્તાવેજો અને કાગળો સાથે હાજર થવા માટે થોડો સમય જોઈએ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ED અધિકારીઓની એક વિશેષ ટીમ નુસરત જહાંના આગમનના નિર્ધારિત સમય કરતાં લગભગ એક કલાક પહેલા CGO કોમ્પ્લેક્સ ઓફિસ પહોંચી હતી. ઉપરાંત નુસરત જહાંની પૂછપરછ કરવા માટે પૂછપરછ ટીમે ત્રણ પાનાની પ્રશ્નાવલી તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે.