નવી દિલ્હી: BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે મામલે BBC ન્યૂઝની પ્રતિક્રિયા સામે આવી છે. આ સ્થિતિને શક્ય તેટલી વહેલી તકે ઉકેલવાની આશા વ્યક્ત કરી છે.
શું કહ્યું BBCએ:BBCની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના દરોડા વચ્ચે BBC ન્યૂઝે જણાવ્યું છે કે આવકવેરાની ટીમ હાલ બીબીસીની નવી દિલ્હી અને મુંબઈની ઓફિસમાં છે. આવકવેરા વિભાગની ટીમને તેઓ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે અને શક્ય તેટલી વહેલી તકે પરિસ્થિતિનો ઉકેલ આવવાની આશા છે.
BBCની ઓફિસ સીલ: સામે આવેલી માહિતી પ્રમાણે 60થી 70 લોકો IT દરોડાની ટીમમાં સામેલ છે. કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન બંધ કરવામાં આવ્યા છે. આ સાથે જ કેમ્પસમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. BBCની ઓફિસ સીલ કરી દેવામાં આવી છે. આ અંગેની જાણ લંડન હેડક્વાર્ટરને કરવામાં આવી છે. પ્રેસ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા ન્યૂઝ એજન્સીએ અજાણ્યા અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ટેક્સ વિભાગની ટીમોએ નવી દિલ્હી અને મુંબઈ બંનેમાં બીબીસીની ઑફિસની તપાસ કરી હતી. તેઓએ કહ્યું કે બીબીસીના બિઝનેસ ઓપરેશન્સ અને તેની ભારતીય શાખા સાથે સંબંધિત દસ્તાવેજો જોઈ રહ્યા છે.