- દિલ્હીની સાકેત કોર્ટે આરિજ ખાનને દોષિત ઠેરવ્યો
- એન્કાઉન્ટરના નિષ્ણાંત અને ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની આરિજે હત્યા કરીઃ કોર્ટ
- આરિજની ફાંસીની સજાની માંગ વરિષ્ઠ સરકારી વકીલ એ. ટી. અંસારીએ કરી
નવિ દિલ્હીઃ દિલ્હીની સાકેત કોર્ટે બાટલા હાઉસ મામલે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે દોષિત આરિજ ખાનને ફાંસીની સજા ફટકારી છે. ફરિયાદી પક્ષેથી 2008માં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના કથિત આતંકી આરિજ ખાનને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી.
આરિજ ખાને તેના સાથીદારો સાથે મળીને સ્પેશિયલ ઇન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરીઃ એડિશનલ જજ
8 માર્ચે કોર્ટે બાટલા હાઉસ કેસમાં આરિજ ખાનને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર તેણે એન્કાઉન્ટરના નિષ્ણાંત અને ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની હત્યા કરી હતી. એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે કહ્યું હતું કે આરિજ ખાને તેના સાથીદારો સાથે મળીને સ્પેશિયલ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્માની ગોળી મારીને હત્યા કરી હતી. બાટલા હાઉસ એન્કાઉન્ટર બાદ આરિજ ફરાર હતો. એક દાયકા બાદ ફેબ્રુઆરી 2018માં તેની ધરપકડ કરવામાં આવી હતી.
એડવોકેટ એમ. એસ. ખાનની કોર્ટમાં દલીલ
સોમવારે કોર્ટમાં કાર્યવાહી દરમિયાન એડવોકેટ એમ. એસ. ખાને તેમની દલીલમાં આરિજની નાનપણની ઉમરનો મુદ્દો કોર્ટ સમક્ષ રાખી માંગ કરી કે અદાલત તેમના માટે ઉદારતા બતાવે. વરિષ્ઠ સરકારી વકીલ એ. ટી. અંસારીએ ફાંસીની સજાની માંગ કરી હતી અને કહ્યું હતું કે આ કાયદા અમલીકરણ અધિકારી અને ન્યાયની રક્ષા કરનારાની હત્યા છે. ફરિયાદી અન્સારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે આખો સમાજ ચોંકી ગયો છે. આરિજને કલમ 186 (અધિકારીઓના કામમાં અવરોધ), 333 (કોઈને ત્રાસ આપવાના ગંભીર ષડયંત્ર), 353 (જાહેર સેવક પર ગુનાહિત હુમલો), 302 (હત્યા) હેઠળ દોષિત ઠેરવવામાં આવી છે. તેને ભારતીય દંડ સંહિતાની કલમ 277, 174 એ, 34 અને આર્મ્સ એક્ટની કલમ 27 હેઠળ પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે.
2 શંકાસ્પદ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ માર્યા ગયા
19 સપ્ટેમ્બર, 2008ના રોજ જામિયા નગરના બટલા હાઉસમાં દિલ્હી પોલીસના વિશેષ ટીમ સાથેના એન્કાઉન્ટરમાં બે શંકાસ્પદ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓ અને ઈન્સ્પેક્ટર શર્માના મોત થયા હતા. આરિજ કથિત રીતે આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલો છે. પોલીસે દાવો કર્યો હતો કે તે ચાર અન્ય લોકો સાથે બાટલા હાઉસમાં હાજર હતો અને એન્કાઉન્ટર દરમિયાન પોલીસની નજર ચૂકવવામાં સફળ રહ્યો હતો.
જુલાઇ, 2013માં ટ્રાયલ કોર્ટે શહજાદને આજીવન કેદની સજા ફટકારી
એન્કાઉન્ટર દરમિયાન બાટલા હાઉસના એપાર્ટમેન્ટમાં રહેતા પાંચ લોકોમાંથી મોહમ્મદ સાજિદ અને આતિફ અમીન એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. જુનૈદ અને શહઝાદ અહેમદ ભાગી ગયા અને વર્ષો બાદ પકડાયા હતા તથા મોહમ્મદ સૈફે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જુલાઇ, 2013માં ટ્રાયલ કોર્ટે આ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી શહજાદ અહેમદને આજીવન કેદની સજા ફટકારી હતી.