- બલબીર ગિરિને બાઘંબરી મઠના નવા મહંત અને મહંત નરેન્દ્રગિરિના ઉત્તરાધિકારી બનાવાયા
- મહંત નરેન્દ્રગિરિએ વસીયતમાં બલબીર ગિરિના નામનો ઉલ્લેખ કર્યો હતો
- 5 ઓક્ટોબરે બલબીર ગિરિને બાઘંબરી ગાદી મઠના આગામી પીઠાધિશ્વરની જવાબદારી સોંપાશે
પ્રયાગરાજઃ અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિના મોત પછી તેમના ઉત્તરાધિકારી બલબીરગિરિ બાઘંબરી મઠના નવા મહંત હશે. બલબીર ગિરિ ફક્ત બાઘંબરી મઠના મહંત જ નહીં પ્રયાગરાજમાં સંગમ કિનારે પ્રસિદ્ધ મોટા હનુમાન મંદિરના નવા આચાર્ય પણ હશે. 5 ઓક્ટોબરે અખાડાના કાર્યક્રમમાં બલબીર ગિરિને બાઘંબરી ગાદી મઠના આગામી પીઠાધિશ્વરની જવાબદારી સોંપવામાં આવશે. મહંત નરેન્દ્રગિરિના મોત પછી તેમની છેલ્લી ઈચ્છાનું માન રાખતા અખાડા કમિટિએ આ નિર્ણય કર્યો છે.
નરેન્દ્ર ગિરિએ અંતિમ વસીયતમાં બલબીર ગિરિનો ઉલ્લેખ કર્યો હતો
નિરંજની અખાડાના મહાસચિવ મહંત રવિન્દ્ર પૂરીએ આ નિર્ણય પર કહ્યું હતું કે, મહારાજ જી (નરેન્દ્રગિરિ)એ અંતિમ વસીયતમાં તેમના ઉત્તરાધિકારી તરીકે બલબીર ગિરિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્યુસાઈડ નોટ અને મોત પહેલા રેકોર્ડ એક વીડિયોમાં એ જ પોતાની છેલ્લી ઈચ્છા ગણાવી હતી. આ માટે તેમની ઈચ્છાઓનું સન્માન કરતા બલબીરગિરિને બાઘંબરી મઠના નવા મહંત બનાવાશે.