અયોધ્યા :22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રસ્તાવિત અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યક્રમ માટે 7000 મહેમાનોને આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા છે. જેમાં કેટલાક VVIIP પણ સામેલ છે, જેમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સહિત ઘણી હસ્તીઓનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ફિલ્મ સ્ટાર્સ, ખેલાડીઓને અને ખાસ મહેમાનોને વ્યક્તિગત રીતે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.
હસ્તીઓનો મેળાડવો :શ્રી રામ મંદિરમાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત, ક્રિકેટર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી, સિનેમા જગતના કલાકારોમાં કંગના રનૌત, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને ગાયિકા આશા ભોંસલે સહિત દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટા સહિત 3 હજાર VVIP નો સમાવેશ થાય છે.
કારસેવકના પરિજનોને આમંત્રણ : આ તકે મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. ઉપરાંત દેશભરમાંથી 4000 સંતો-મુનિઓને બોલાવવામાં આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે 50 દેશોમાંથી એક-એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા 50 કારસેવકોના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા છે.
સાત હજાર મહેમાનોને નિમંત્રણ : VHP પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું હતું કે, અમે એવા પત્રકારોને પણ બોલાવ્યા છે જેમણે રામ મંદિરની અમારી યાત્રાને સમર્થન આપ્યું હતું. તેમના વગર રામ મંદિર માટેનો આ સંઘર્ષ અધૂરો હતો. આ ઉપરાંત સંતો, પૂજારીઓ, શંકરાચાર્ય, ધાર્મિક નેતાઓ અને ભૂતપૂર્વ સનદી અધિકારીઓ, નિવૃત્ત સૈન્ય અધિકારીઓ, વકીલો ન્યાયાધીશો, વૈજ્ઞાનિકો, કવિઓ, સંગીતકારો અને પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી સન્માનિત વ્યક્તિઓને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
વિપક્ષમાંથી કોને આમંત્રણ ? સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એવી પણ ચર્ચા છે કે એવા તમામ રાજકીય પક્ષોના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવનાર છે જેઓ અત્યાર સુધી વિરોધની રાજનીતિમાં રહ્યા હતા. પરંતુ ભગવાન રામમાં તેમની આસ્થાને જોતા તેમને પણ આમંત્રણ આપવામાં આવે તેવી યોજના છે. જોકે ટ્રસ્ટે હજુ સુધી તેમના નામ જાહેર કર્યા નથી.
- 'ગરબા'ને મળી નવી વૈશ્વિક ઓળખ, યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ
- અયોધ્યા રામ મંદિર માટે અમદાવાદમાં ધ્વજ સ્તંભ બનાવવામાં આવી રહ્યો છે