મેષ:મેષ રાશિના જાતકો માટે વર્ષ 2021 ખૂબ જ આશાઓ ભરેલું છે. તમારી મોટાભાગની યોજનાઓ ફળીભૂત થશે જેના કારણે આ વર્ષ આપને આર્થિક રીતે ઘણાં સારા પરિણામો આપશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરિયાત લોકો સંપૂર્ણપણે કામ પર ધ્યાન આપી શકશે જેથી કાર્યક્ષેત્રમાં સારા હોદ્દાની પ્રાપ્તિ થઇ શકે છે. આ વર્ષે આપની નેતૃત્વ ક્ષમતાનો કૌશલ્યપૂર્વક ઉપયોગ કરીને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો અને તમારા સહયોગીઓ તરફતી પણ ઉત્તમ સહકાર મળે. મિત્રોનું યોગદાન તમને જીવનમાં ઉન્નતિ લાવવામાં ખૂબ પ્રશંસનીય પૂરવાર થશે અને પરિવારમાં વડીલોના આશીર્વાદથી તમે પોતાની મહત્વાકાંક્ષાઓને પૂરી કરી શકો છો. આ વર્ષનો મધ્ય ભાગ તમારા માટે થોડો પડકારજનક રહેશે કારણ કે આ સમયમાં ગ્રહોની વક્રી ગતિ તમારા કામોમાં અવરોધ લાવી શકે છે. આ સમય તમારા માટે વધુ પરિશ્રમવાળો રહેશે. આ સમયમાં તમારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. તમારે સ્વાસ્થ્ય બાબતે પણ જાગૃત રહેવાનું પડશે કારણ કે, અસંતુલિત ભોજનના કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ આવી શકે છે. કેટલાક લોકોને વિદેશ જવાની ઇચ્છા 2021ના વર્ષમાં પૂરી થઇ શકે છે જેના કારણે તમને ઘણી ખુશી થશે. વર્ષની શરૂઆતમાં સંચાલના માધ્યમો દ્વારા આપને સારા સમાચાર મળી શકે છે. ભાગ્ય ખૂબ સારો સાથ આપશે જેથી કાર્યક્ષેત્રમાં પણ સારું પરિણામ મળવાની અપેક્ષા રાખી શકો છો. કેટલાક મેષ જાતકોને વર્ષના મધ્યમાં સ્થળાંતર કરવાની જરૂર પડી શકે છે અને સ્થળાંતર તમારા માટે લાભદાયી પૂરવાર થશે. આ વર્ષે પરિવારમાં કોઇપણ વડીલનું સ્વાસ્થ્ય બગડી શકે છે જેના કારણે તમારી ચિંતામાં વધારો થશે. તમે તમારી દિનચર્યામાંથી થોડો સમય તેમને પણ ફાળવશો. પૈસા પાછળ વધુ પડતા ભાગશો તો થોડી પરેશાનીઓ આવી શકે છે માટે ધન અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું અને બંને પલ્લાંને યોગ્ય મહત્ત્વ આપશો તો સારું રહેશે. મેષ રાશિના જાતકોને 2021ના વર્ષમાં કોઇ સ્થાવર મિલકત પ્રાપ્ત થાય તેવા પ્રબળ યોગ છે અને જે લોકોને અત્યાર સુધી પોતાનું મકાન પ્રાપ્ત નથી થયું તેમને પણ આ વર્ષે વિશેષરૂપે સંપત્તિ સંબંધિત લાભ થવાની શક્યા છે. તમારે પોતાના રીતે પૂરતો પ્રયાસ કરવાનો રહેશે. નાના ભાઇ-બહેનનો સહયોગ ખૂબ સારા પ્રમાણમાં મળે.
વૃષભ:વૃષભ રાશિના જાતકોને આ વર્ષે પોતાને સ્થાપિત કરવા માટે સંખ્યાબંધ તકો મળશે. જો આ તકોનો તમે ફાયદો લેતા શીખી જશો તો આ વર્ષ આપવા માટે ઘણું પ્રગતિપૂર્ણ રહેશે. તમારા લગ્ન સ્થાનમાં રહેલો રાહુ સંખ્યાબંધ બાબતોમાં નિરંકુશ બનાવશે જેના કારણે તમે સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ હદે જવા તૈયાર થશો. તમારી ઇચ્છા સુખ ભોગવવાની રહેશે અને તેના માટે તમે ખૂબ પ્રયાસ કરશો. પરિવારમાં વડીલોના આશીર્વાદ આપની સાથે રહેશે જેના કારણે આપના કાર્યોમાં સફળતા મળશે. દાંપત્યજીવનના દૃષ્ટિકોણથી આ વર્ષ સામાન્ય ફળદાયી રહેશે. પરિવારમાં તમારી સ્થિતિ અગાઉની તુલનાએ સારી રહેશે. 2021માં વૃષભ રાશિના જાતકો ઘણી લાંબી મુસાફરી કરી શકે છે અને કેટલીક મુસાફરી દેવદર્શન માટે હશે એટલે કે તીર્થસ્થળોએ જવાનું વારંવાર થઇ શકે છે. આ મુસાફરીઓથી તમને જીવનમાં નવી ઉર્જાનો અહેસાસ થશે અેન તમે પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર હોવાનો અહેસાસ કરશો. કેટલાક લોકોને 2021માં વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સામાં આ વર્ષે તમારે કર્મોનું ફળ ભોગવવા માટે તૈયારી રાખવી પડશે. એટલે કે કોઇ કાયદા વિરુદ્ધ કામ કાર્યું હોય તો વર્ષની શરૂઆતમાં સરકાર તરફથી કોઇ દંડ મળી શકે છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં કોઇ શિક્ષક અથવા પ્રોફેસર તમારા માટે તારણહાર સાબિત થશે અને તમારા પર તેમની કૃપા રહેવાથી કેટલાક સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. જો તમારા જીવનસાથી નોકરી કરી રહ્યાં હોય તો, આ વર્ષે તેમને વિદેશ જવાની તકો મળી શકે છે.
મિથુન:મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ 2021 મધ્યમ ફળદાયી જણાઇ રહ્યું છે. આ વર્ષમાં તમારે આર્થિક બાબતોના મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપવું પડશે કારણ કે ખર્ચમાં અનિયમિતતાના કારણે તમારી આર્થિક સ્થિતિ પર નબળી અસર પડી શકે છે. તમને ફાલતુ ખર્ચથી બચવાની ખાસ સલાહ છે. શારીરિક રીતે આ વર્ષ થોડું નબળું પુરવાર થઇ શકે છે માટે સ્વાસ્થ્ય બાબતે તમારે વધુ જાગૃત રહેવું જ પડશે અને સમયસમયે ચેકઅપ તેમજ નિયમિત કસરત અને યોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. આમ કરવાથી તમે ઘણા અંશે તંદુરસ્ત રહી શકશો. આર્થિક મોરચે 2021નું વર્ષ આપના માટે એકંદરે સારું જણાઇ રહ્યું છે. કેટલાક પડકારો તમારા માર્ગમાં ચોક્કસ આવશે પરંતુ તમારા મક્કમ મનોબળ અને મજબૂત પ્લાનિંગના કારણે ધીરે ધીરે આર્થિક સદ્ધરતા લાવવામાં તમે સફળ રહેશો. મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો થઇ શકે છે. તમારે ખર્ચને નિયંત્રણમાં રાખીને વધતી આવકનું બેલેન્સ જાળવવું પડશે. જો તમે કોઇ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં હોવ તો, સખત પરિશ્રમ પછી સફળતા મળવાના ચાન્સ છે. આ વર્ષે તમારા માટે સૌથી સારી વાત એ રહેશે કે, તમારા આંતરમનની વાત તમને જીવનમાં આગળ વધવા માટે માર્ગદર્શન આપશે અને તેનાથી તમારામાં આત્મવિશ્વાસ પણ વધશે. આમ કરવાથી તમે મોટા પડકારો વચ્ચેથી પણ દૃઢતાપૂર્વક આગળ વધી શકશો અને સફળતા તમારા ચરણસ્પર્શ કરશે. તમારી કુશાગ્ર બુદ્ધિ અને તીવ્રતા જ તમારી કાર્યકુશળતાનું મૂળ કારણ બનશે આથી તમે પોતાની જાત પર વધુ વિશ્વાસ મૂકી શકશો અને બીજા લોકોના બદલે પોતાની જાત પર વધુ નિર્ભર રહેશો. સ્વાસ્થ્ય બાબતે સતર્ક રહેવામાં જ સમાજદારી છે તે વાતને ધ્યાનમાં રાખજો.
કર્ક:કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2021 ખૂબ જ સારું ફળ આપનારું જણાઇ રહ્યું છે. તમે જો તમારી માનસિક ચિંતાઓને દૂર રાખો અને તેના પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેશો તો, આ વર્ષ તમારે માટે ઉત્તમ પૂરવાર થઇ શકે છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. તમને પોતાની સ્થિતિમાંથી ઘણું બધું શીખવા મળશે જેથી તમારા જીવનમાં આગળ વધી શકશો. આ વર્ષે વેપાર ધંધા અને નોકરીમાં પણ બહેતર પ્રગતિની તકો જણાઇ રહી છે. તમે એક સફળ વ્યવસાયી બની શકશો. તમે ધંધામાં માત્ર પોતાના લાભનો વિચાર કરવાના બદલે સમાજના હિતને પણ ધ્યાનમાં રાખશો અને એ પ્રકારે જ કામ કરશો. તમારા જાહેર માન-પ્રતિષ્ઠામાં પણ વધારો થવાના યોગ છે. આ વર્ષમાં આપની સમૃદ્ધિના બહેતર યોગો જણાઇ રહ્યા છે. તમારી સમક્ષ કેટલાક પડકારો ચોક્કસ આવશે પરંતુ તેનો સામનો કરવાની હિંમત અને આવડત બને તમારામાં રહેશે જેથી તમે પરિસ્થિતિને પોતાના તરફી ફેરવીને તેમાંથી લાભ મેળવી શકશો. લગ્નોત્સુક જાતકોને આ વર્ષમાં યોગ્ય જીવનસાથી મળે તેવા યોગો પણ બની રહ્યાં છે. તમને ભોજનમાં અતિ મસાલેદાર અને તેલવાળી ચીજોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષમાં તમારું વજન વધવાની શક્યતા હોવાથી ખાસ કરીને જેમને પહેલાંથી જ મેદસ્વીતાની સમસ્યા હોય તેમણે સાવચેત રહેવું. વર્ષ 2021માં કર્ક જાતકો માટે સારી વાત એ છે કે, પ્રણયજીવનમાં કેટલીક વાસ્તવિકતાઓ તમારી સામે આવશે અને જેમને પ્રેમ કરો છો તેમના પ્રત્યે વફાદાર રહીને તમે સંબંધોમાં ઘનિષ્ઠતા લાવવામાં સફળ રહેશો. જો, આ બાબત ચુકશો તો સ્થિતિ ઘણી વિપરિત થઇ શકે છે. તમે 2021માં તમારા પરિવાર પર વધુ ધ્યાન આપશો અને પારિવારિક જવાબદારીઓ ઘણી સારી રીતે નિભાવશો. આમ કરવાથી પરિવારમાં તમારું માન વધશે અને સ્નેહ પ્રાપ્ત થશે. આ સ્થિતિ તમને માનસિક સંતોષ અપાવશે. તમે પડકારોથી જરાય પણ ગભરાયા વગર તેનો સામનો કરીને વિજયી બનશે.
સિંહ:સિંહ જાતકો એક મજબૂત આત્મવિશ્વાસ સાથે વર્ષ 2021ની શરૂઆત કરી શકશે અને આખા વર્ષમાં તે જુસ્સો અને વિશ્વાસ જાળવી રાખશો તો તમે જીવનમાં ઘણું બધુ પ્રાપ્ત કરી શકો છો. આ વર્ષે ખર્ચનું પ્રમાણ વધારે રહેશે જ્યારે આવક મર્યાદિત હશે. જોકે, તમે નાણાકીય ખેંચમાં આવો તેવી કોઇ મોટી સમસ્યા જણાતી નથી. પારિવારિક જીવનમાં થોડી હતાશાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે કારણ કે પરિવારના લોકો સાથે કોઇ બાબતે તણાવ થઇ શકે છે. આ કારણે તમને થોડી અસહજ સ્થિતિનો અહેસાસ થશે અને તમારું મન પરિવારથી અલગ થશે. જોકે, તમારે એ સમજવું પડશે કે પરિવાર સાથે જોડાયેલા રહેવાથી જ તમે પોતાની જાતને પરિભાષિત કરી શકો છો. તમને પોતાના કામકાજોમાં મિત્રોનો સારો સહયોગ પ્રાપ્ત થાય પરંતુ નોકરિયાતોને કોઇપણ પ્રકારે આગળ વધવા માટે શોર્ટકટ અપનાવવાથી દૂર રહેવાની સલાહ છે. તમે પોતાની મહેનત પર પૂર્ણ વિશ્વાસ રાખશો તો આગળ વધી શકો છો. વિદેશ જવાનું સપનું જોઇ રહેલા જાતકોને આ વર્ષમાં અનુકૂળતા રહેશે અને બહાર જવાની તકો મળશે. આ વર્ષે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે, બીજાન ઝઘડામાં વચ્ચે ના પડતા અન્યથા તે ઝઘડો તમારા સુધી આવી શકે છે અને તેનાથી સંખ્યાબંધ નવી સમસ્યાઓ જન્મ લેશે. રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે આ વર્ષે સફળતાના દ્વાર ખુલી શકે છે અને તમને પોતાના કામકાજોમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે કારણ કે અવારનવાર ઋતુગત ફેરફારોના કારણે તંદુરસ્તી જોખમાઇ શકે છે. જો સ્વસ્થ રહેશો તો, દરેક કામ તમે વધુ સારી રીતે પાર પાડી શકશો.
કન્યા:તમારા માટે આ વર્ષ ઘણું લાભદાયી પુરવાર થશે. આ વર્ષે આપના સપનાં તો સાકાર થશે જ સાથે સાથે, તમારા જીવનના મૂલ્યો સમજીને તમે જીવનમાં એક સફળ વ્યક્તિત્વ તરફ આગળી વધી શકો છો. તમારા માન-સન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે, લોકોમાં સ્વીકૃતિ મળે. પારિવારિક જીવનમાં પણ ખુશીએ પ્રવર્તશે. તમારા પરિવારના વડીલો તરફથી ખૂબ જ સારા આશીર્વાર મળે અને તેનાથી તમારા કાર્યોમાં પણ ઘણી સારી સફળતા પ્રાપ્ત થાય. આ વર્ષે તમારે આદતો બાબતે થોડું સંભાળવું જરૂરી છે કારણ કે કોઇની સાથે બિનજરૂરી વાદવિવાદની શક્યતા ઘણી વધારે છે. આ વર્ષે આપ તીર્થસ્થળોએ થવા કોઇ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન અર્થે જાવ તેવા પ્રબળ યોગ છે. તેનાથી તમને માનસિકરૂપે ઘણી શાંતિ થશે અને તણાવમાંથી મુક્તિ મળશે. તમારું સ્વાસ્થ્ય સામાન્યપણે સારું રહેશે અને આ કારણે તમે વિવિધ પરિયોજનાઓને સમયસર પાર પાડી શકશો. તમારામાં સદભાવનાની લાગણી વધશે તેમજ આવકમાં વધારો થશે. નોકરી કરી રહેલા કન્યા જાતકો માટે વર્ષ 2021 કેટલાક પડકારો લઇને આવશે. વેપારી વર્ગ માટે આ વર્ષ ઘણું પ્રગતિદાયક પુરવાર થઇ શકે છે. સંબંધોમાં પ્રેમની લાગણી બળવાન થશે. તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે તમારે મહેનત વધારવાની જરૂરછે. મક્કમ નિર્ધાર સાથે તમારા ઉદ્દેશ તરફ આગળ વધશો તો સફળતાના ચાન્સ પણ સારા જ છે. જીવન પ્રત્યે તમારે પ્રેક્ટિકલ અભિગમ રાખવો જરૂરી છે. આનાથી તમને પ્રગતિની તકો મળે અને અન્ય રીતે પણ લાભદાયી રહેશે. પરિસ્થિતિ અનુસાર આચરણ કરશો તો આપના કાર્યો સરળ થઇ જશે. આ વર્ષે પ્રગતિના માર્ગે આગળ વધી શકો છો. વર્ષ 2021 સંતાનો માટે ખાસ અનુકૂળ જણાતું નથી માટે તમારે તેમના સ્વાસ્થ્ય અને તેમની સંગત પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે અન્યથા તમારા માટે ચિંતા વધી શકે છે. શૈક્ષણિક રીતે જોવામાં આવે તો કન્યા જાતકોને કંઇક નવું કરવાનો મોકો આ વર્ષમાં મળી શકે છે. ધ્યાન રાખજો કે, આવી તકો વારંવાર નથી આવતી માટે હાથમાંથી તક જતી ના રહે અન્યથા પસ્તાશો. તમારું ભાગ્ય અત્યારે મજબૂત રહેશે અને તેના કારણે તમારા અનેક કાર્યોમાં સફળતાના યોગો બની રહયા છે. તમે સુખી જીવનના શિખર સુધી પહોંચી શકો છો. તમારી પ્રગતિ અન્ય લોકોના માર્ગનો અવરોધ ના બને અને બીજાના ભોગે ના થાય તેનું ધ્યાન રાખવું કારણ કે જો આવા કોઇ સંજોગો હશે તો ભવિષ્યમાં તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે માટે તેમની બાબતોમાં તમે મોટાભાગે નિશ્ચિંત રહી શકો છો.
તુલા:તુલા રાશિના જાતકો માટે વર્ષ 2021 એકંદરે જોવામાં આવે તો સામાન્ય ફળદાયક જણાઇ રહ્યું છે. તમારા જીવનના કેટલાક ક્ષેત્રો સારા અને ઉત્તમ પરિણામો મળશે તો ક્યાંક એવા તબક્કા પણ આવે જ્યાં તમારે થોડા નિરાશ થવું પડે અને વધારે ધ્યાન આપવું પડે. તમારા સ્વાસ્થ્ય પર આ વર્ષમાં વધારે ધ્યાન આપવું જરૂરી છે કારણ કે સહેજ પણ ગાફેલિયત અને બેદરકારીના કારણે સ્વાસ્થ્યની સમસ્યા સર્જાઇ શકે છે. પરિવારજનોથી વિખુટા પડવાની અથવા કોઇપણ કારણથી તેનાથી દૂર રહેવાની પીડા પણ સહન કરવાની તૈયારી રાખવી. કોઈપણ જરૂરી કામથી તમારે પરિવારથી દૂર થવું પડે તેવા પ્રબળ સંકેત છે. તમારા પરિવારજનોને પણ તમારી ગેરહાજરીની ખોટ વર્તાશે. આર્થિક મોરચે 2021નું વર્ષ તુલા જાતકો માટે સામાન્ય રહેશે. ક્યારેક તમને ઘણા મોટા લાભ મળી શકે છે પરંતુ સામાન્યપણે લાભ પણ મધ્યમ રહેશે. આ વર્ષમાં કેટલાક નવા સંબંધોની શરૂઆત થવાના એંધાણ છે. તમારા મિત્રો અને સંબંધીઓ તમારા સુખનું કારણ બની શકે છે. તમારા લોકસેવા અને ભલાઇના કાર્યોમાં તેઓ તમારી સાથે ખભાથી ખભો મિલાવીને સાથે ચાલશે. આ વર્ષે તમારે બિનજરૂરી અને અનિચ્છિત મુસાફરીઓ કરવા માટે તૈયારી રાખવી પડશે અને તેના કારણે થોડી માનસિક પરેશાની પણ અનુભવશો. આવી માનસિક ચિંતાના કારણે તમારી આર્થિક સ્થિતિ પર પણ બોજ પડી શકે છે માટે સાવધાન રહેવું જરૂરી છે. જો ક્યાંય મુસાફરી કરવી જરૂરી હોય તો, તમામ પૂર્વતૈયારીઓ કરવી. ગ્રહોની સ્થિતિ અનુસાર તમારી કુંડળીમાં ચોથા અને દશમા સ્થાન પર વિશેષ પ્રભાવ રહે જેથી તમારા પારિવારિક અને પ્રોફેશનલ જીવન વચ્ચે તાલમેલ બેસાડવાની ખૂબ જ જરૂર છે. જો આમાં તમે પાછા પડશો તો, સ્થિતિ હાથમાંથી સરકી જશે અને તમે બંને મોરચે પડકારોનો સામનો કરવા માટે મજબૂત થઇ શકો છો. જોકે, તુલા જાતકોના સ્વભાવમાં જ સંતુલિત માનસિકતા હોય છે અને જીવનમાં સામંજસ્ય જાળવવામાં તેઓ પાવરધા હોય છે માટે તમારે આ વર્ષમાં તમારા આ ટેલેન્ટનો ભૂરપૂર ઉપયોગ કરવાનો છે. વર્ષ 2021માં તમારે માતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી પડશે કારણ કે તેમનું સ્વાસ્થ્ય અવારનવાર બગડી શકે છે અને તેનાથી તમારી ચિંતાનું સ્તર વધશે. કોઇ વિશેષ પરિસ્થિતિઓ તમને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી શકે છે. આર્થિક રીતે પણ તેના પરિણામો માટે તમારે તૈયારી રાખવી પડશે. તમારી પારિવારિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને તમારા કર્તવ્યો નિભાવવા પડશે અને જરૂર હોય ત્યાં પરિવારના કોઇ વડીલની સલાહ લઇને તમે આગળ વધી શકો છો. આમ કરવાથી તમારું કામ સરળતાથી પાર પડશે અને સંભવિત અવરોધો અથવા સમસ્યાથી બચી શકો છો.
વૃશ્ચિક:વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષની શરૂઆત એકંદરે મધ્ય ફળદાયી રહેશે કારણ કે, આ વર્ષની શરૂઆતમાં તમારા મનમાં સંખ્યાબંધ વિચારોનું ધોડાપૂર આવશે. આ કારણે તમે ઘણા અસમંજસની સ્થિતિમાં રહેશો અને જીવનમાં કોને કેટલું મહત્વ આપવુ તે નક્કી નહીં કરી શકો. તમારે કામકાજમાં જરૂરિયાત અનુસાર ધ્યાન આપવું પડશે અને જીવનની અન્ય ગતિવિધીઓમાં તમારું સક્રિય યોગદાન આવશ્યક રહેશે. આવી સ્થિતિમાં તમારે ધીરજપૂર્વક નિર્ણય લેવાનો પ્રયાસ કરવો પડશે. આ વર્ષમાં તમારે ઘણા પ્રવાસો - મુસાફરી કરવાના યોગ આવી શકે છે. તમારી મુસાફરી લાંબા અંતરની જ હોય તેવું જરૂરી નથી પરંતુ તેની સંખ્યા ઘણી વધારે રહેશે જેથી તમારામાં ઉર્જાનું પ્રમાણ પણ સારું જળવાઇ રહેશે. પારિવારિક જીવનમાં તમને આંશિક સંતોષ રહેશે પરંતુ પરિવારના લોકોમાં કોઇ ખાસ હોય તેમના સ્વાસ્થ્યના કારણે તમારી પરેશાની વધી શકે છે. ખાસ કરીને પિતા અને માતાનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે કારણ કે બદલાતી ઋતુના કારણે તેમનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી શકે છે. જો તમે કોઇ કેસમાં સંકળાયેલા હોવ તો, આ વર્ષ તમારી તરફેણમાં ચુકાદો આવી શકે છે અને કાયદાકીય મોરચે વર્ષની શરૂઆતથી જ સારી તરફેણ તરફેણ મળશે. તમે જીવનમાં આવતા પડકારોનો સામનો ખૂબ મજબુતી સાથે કરશો અને તમારા જીવનસાથી પણ તેમાં સારું યોગદાન આપશે. પૈતૃક વ્યવસાયને અપનાવવાનું તમારા પર દબાણ વધીશ કે છે જેથી સમજી વિચારીને નિર્ણય લેવો તમારા માટે હિતકારી રહેશે. તમારે ભાઇ-બહેનો સંબંધિત કેટલીક જવાબદારીઓ પણ ઉપાડવી પડશે કારણ કે આ વર્ષમાં તમને અવારનવાર તમારી સહાયતાની જરૂર પડશે. વૃશ્ચિક રાશિના જાતકો તેમની રહસ્યમય પ્રવૃત્તિઓ માટે ખાસ ઓળખાય છે અને તમારી આ પ્રવૃત્તિઓ તમારા માટે લાભદાયક સાબિત થશે. તમે તમારા વિરોધીઓ સામે સરળતાથી વિજય પ્રાપ્ત કરી શકશો. તમે જીવનમાં વધુ આશાવાદી રહેશો અને તમારા ખાસ પ્રિયજનોને કોઇપણ ભોગે ખુશ રાખવા માટે પ્રયાસ કરશો જેનાથી તેમના ચહેરા પર સ્મિત આવશે. તેમના આ સ્મિત માટે તમે તનતોડ મહેનત કરવામાં પણ પાછા પડશો નહીં. ધન પ્રાપ્તિની સ્થિતિનું નિર્માણ પણ કરી શકશો. વર્ષના મધ્યમાં અપેક્ષા અનુસાર થોડો નબળો તબક્કો જણાઇ રહ્યો છે, પરંતુ વર્ષના અંતિમ ભાગમાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના તમારા માટે ઘણા સારા પુરવાર થશે. આ સમયમાં તમે આદરેલા સંખ્યાબંધ કાર્યોમાં સારી સફળતા મળવાની આશા રાખી શકો છો.
ધન:ધન રાશિના જાતકો માટે આ વર્ષ ઘણું અનુકૂળ સાબિત થશે. વર્ષની શરૂઆત આપના માટે ખૂબ જ આનંદદાયક કહેશે. તમારી આર્થિક સદ્ધરતામાં મજબૂતી આવશે અને તમે વિવિધ સમસ્યાનો સામનો કરવાની સાથે સાથે પોતાની જાતકને મજબૂત સ્થિતિમાં ઢાળવામાં સફળ રહેશો. તમારું સાહસ અને પરાક્રમ તમને અનેક મોરચે વિજયી બનાવશે અને તમારા વિરોધીઓને કોઇપણ પ્રકારે તમારી સામે આવવામાં ડર લાગશે. જો કોઇ વિરોધી તમારા સામે આવવાનું સાહસ કરે તો પણ છેવટે તમારો જ વિજય થશે. કોર્ટ અને કાયદાકીય બાબતોમાં તમને સફળતા મળવાની સંભાવના પ્રબળ છે. તમને મનમાં સંખ્યાબંધ નવી નવી વાતો શીખવાની જિજ્ઞાસા થશે. તમે પરિવારના લોકો પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પરિવારનો માહોલ તમારી સુઝબૂઝથી વધુ બહેતર બની જશે. વડીલોની વાત તમે માનશો અને જુના કાર્યો પાર પાડી શકશો. આમ કરવાથી પરિવારમાં તમારા માન-સન્માનમાં વધારો થશે અને પરિવારમાં તમે મોભી જેવો દરજ્જો પ્રાપ્ત કરી શકો. આ વર્ષમાં વિદેશ યાત્રાનું વિચારી રહ્યાં હોવ તો સફળતા મળવાના ચાન્સ છે પરંતુ કેટલાક અવરોધોનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. તમને મોસાળ પક્ષથી કેટલાક સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે અને તેમની સાથે સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે માટે આ વાતને ધ્યાનમાં રાખીને અગાઉથી સંબંધોનું સિંચન કરવાની સલાહ છે. આ વર્ષમાં તમે સ્થાવર અને જંગમ મિલકતોમાંથી સારો લાભ પ્રાપ્ત કરી શકો છો અને પરિવારમાં નાના ભાઇબહેનના માધ્યમથી વિવિધ પ્રકારે ફાયદો થવાની પણ આશા રાખી શકો છો. તેઓ આવશ્યકતા અનુસાર તમને આર્થિક મદદ કરવા માટે તૈયાર રહેશે. તમારા મિત્રોનો સાથ સારા પ્રમાણમાં મળી રહે. જોકે, કેટલાક આપ્તજનો જ તમારા વિરોધી તરીકેની ભૂમિકામાં આવી શકે છે માટે સાવધાની રાખવી જેથી કોઇપણ શત્રુ પીઠ પાછળ ઘા ન કરી શકે. તમારામાં ધાર્મિક વૃત્તિનું પ્રમાણ વધશે જેથી આધ્યાત્મિક કાર્યોમાં તેમજ પૂજા પાઠમાં વધુ ધ્યાન આપો અને તેમાં ભાગ લેશો. આમ કરવાથી માનસિક શાંતિનો અહેસાસ થશે. સામાન્યપણે આ વર્ષે તમે ઘણા તીર્થસ્થળોએ દર્શનાર્થે જાવ તેવી પણ શક્યતા જણાઇ રહી છે. તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જળવાઇ રહેશે. કેટલીક નાની-નાની સમસ્યાઓ થાય પરંતુ તેનાથી બહુ ચિંતા કરવા જેવું નથી. પરિવારમાં કોઇ વડીલ સાથે મોટાપાયે દલીદબાજીની શક્યતા છે. આવા સમયે વધુ પડતી દખલગીરીથી દૂર રહેવામાં ભલાઇ છે કારણ કે તમારા માટે પારિવારિક શાંતિ ખૂબ જ જરૂરી છે. તમારા પરિવારમાં કોઇ વડીલનું સ્વાસ્થ્ય તમારી ચિંતામાં વધારો કરી શકે છે.
મકર:મકર રાશિના જાતકો માટે આ વર્ષની એકંદરે ઘણું સારું રહેશે. વર્ષની શરૂઆતથી જ તમારી આગળ વધવાની ઇચ્છા અને ઝંખના સારી રહેશે. તમારા પ્રેમજીવનમાં આ વર્ષે ઘણી મધુરતા આવી શકે છે અને દાંપત્યજીવનમાં પણ સંબંધોમાં અલગ ઘનિષ્ઠતા આવશે. વેપારના દૃશ્ટિકોણથી જોવામાં આવે તો, આ વર્ષે આર્થિક ઉન્નતિના યોગ જણાઇ રહ્યાં છે. તમારા વેપાર ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિની આશા રાખી શકો છો. કેટલાક લોકોને વિદેશમાં જઇને લગ્ન કરવાની તક મળી શકે છે જ્યારે કેટલાક જાતકોને વેપાર અર્થે દૂરના અંતરનો પ્રવાસ કરવાથી લાભ થશે. પારિવારિક માહોલમાં સમરસતા જળવાઇ રહેશે. પરિવારનો માહોલ તમારા જીવનમાં પ્રેમ અને સ્નેહમાં અભિવૃદ્ધિ કરશે. તમારા પરિવારમાં નાના ભાઇ બહેન, તમારા સંબંધીઓ ને મિત્રો સાથે દરેક સ્થિતિમાં તમારી પડખે મક્કમતાપૂર્વક ઉભા રહેશે અને પરિસ્થિતિને તમારી તરફેણમાં લાવવાનો પ્રયાસ કરશે. તમારે પોતાની વિવેકબુદ્ધિ અને મહેનત પર ભરોસો મુકી શકશો અને તેના કારણે દરેક મોરચે વિજયી થવાના ચાન્સ વધી જશે. આ વર્ષે તમને કોઇપણ પ્રકારે સારા પ્રમાણમાં સંપત્તિ મળવાના અણસાર છે અને તેના માટે તમારે ખાસ વધારે મહેનત કરવાની જરૂર નહીં પડે. જો તમે મકાન અથવા સ્થાવર મિલકતો ખરીદવાના પ્લાનિંગમાં હોવ તો, આ વર્ષે આપની ઇચ્છા પુરી થવાની પ્રબળ શક્યતા છે. આ વર્ષે સંતાનો પણ સારી એવી પ્રગતિ કરશે. જો તમે વિદ્યાર્થી હોવ તો, થોડા અવરોધો ચોક્કસ આવશે. જો, તમે બિઝનેસ કરતા હોવ અથવા નોકરીમાં જોડાયેલા હોવ તો, આ વર્ષ તમને ઉન્નતિના શિખરો સુધી લઇ જશે. તમારી મનોકામનાઓ પૂર્ણ થશે પરંતુ કેટલીક જુની ઇચ્છાઓ એવી હશે જે તમે ચાહતા હોવા છતાં પણ પૂરી નહીં કરી શકો કારણ કે તમારામાં કંઇક અલગ જ પ્રકારની સંતોષની ભાવના આવશે. તેના કારણે તમે એક સારી વ્યક્તિ પણ બની શકો છો. તમારી ધન પાછળની અત્યાર સુધીની દોડ હવે ધીમે ધીમે ઓછી થવા લાગશે અને તમે સંબંધો તેમજ પરિવાર પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો. તમારી અંદર પરોપકારની ભાવના પણ વધશે જેથી સમય સમયે સમાજ અને લોક કલ્યાણના કાર્યોમાં તેમજ ગરીબ લોકોની મદદ અને જનસેવાના કાર્યોમાં ભાગ લો તેવી પૂર્ણ સંભાવના છે. આમ કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને ઇશ્વરમાં શ્રદ્ધા પણ વધશે. તમે જેમની સેવા કરી હોય તેમની દુઆઓ મેળવશો અને સમાજમાં માન-સન્માનના હકદાર બનશો. તમારી લોકપ્રિયતામાં વધારો થશે પરંતુ અભિમાન ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા તમારી પરેશાનીઓ વધી શકે છે.
કુંભ:કુંભ રાશિના જાતકો ખૂબ જ ઉંડો વિચાર કરનારા હોય છે અને પોતાની આ વિચારધારના કારણે તેમને નિર્ણય લેવામાં ઘણી અંશે સફળતા મળે છે પરંતુ ક્યારેક નિર્ણય બદલવાની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમારે પોતાની વિવેકબુદ્ધિનો સહારો લેવો પડી શકે છે. તમારો આત્મવિવેક આ વર્ષમાં નિર્ણયો લેવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. આ વર્ષે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત, વધુ પડતા ખર્ચ કરવાની વૃત્તિ વધે નહીં તેની કાળજી લેવી પડશે. જો ખર્ચ પર અંકુશ નહીં રાખો તો મર્યાદિત આવકના કારણે તમને જરૂરિયાતના સમયે પૈસાની તંગી આવી શકે છે. પારિવારિક માહોલ ઘણો સારો રહેશે પરંતુ કામમાં વ્યસ્ત રહેવાથી તમે પરિવારથી થોડા સમય માટે દૂર રહેશો અથવા પારિવારિક સુખથી વંચિત રહો તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં પરિવારની યાદ સતાવશે પરંતુ છતાં પણ તમે કામને મહત્વ આપીને તમારો તણાવ દૂર કરવાનો પ્રયાસ કરશો. આ વર્ષમાં તમારે પોતાના વિરોધીથી થોડા સતર્ક રહેવું જરૂરી છે કારણ કે તમે તમારી નબળાઇઓનો લાભ લેવાની કોશિષ કરશે અને તમને નબળા પાડવા માટે માર્ગમાં કાંટા પાથરે તેવી પણ શક્યતા છે. જો તેઓ પોતાની રણનીતિમાં સફળ થાય તો તમારા પ્રોફેશનલ અને અંગત જીવનમાં સમસ્યા આવી શકે છે માટે સાવધાની જ સૌથી મોટો ઉપાય છે. નોકરી અને વેપારના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ વર્ષ એકંદરે શુભ રહે અને તમને કંઇક નવી શીખામણ આપે તેવી શક્યતા છે. તમારી અંદર કંઇક ગુમાવીને પણ કંઇ મેળવવાની વૃત્તિ જાગશે જે ધીમે ધીમે તમારી લોકપ્રિયતાનું કારણ બની શકે છે અને તમારા જીવનમાં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરવામાં આ વૃત્તિ મદદરૂપ પુરવાર થશે. તમે પોતાના પરિવાર પ્રત્યે તમામ જવાબદારીઓ નિભાવી શકશો અને જરૂર પડે ત્યારે આર્થિક રીતે મદદ કરવામાં પાછા નહીં પડો. દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તમે તમારા પરિવારને એકલો નહીં છોડો અને હંમેશા તેમની પડખે રહેશો. તમારી આ વૃત્તિ જ તમને પરિવારમાં ખૂબ મહત્વનું સ્થાન અપાવશે અને પરિવારમાં તમારી સ્થિતિને વધુ મજબૂત બનાવશે. જો તમારે કોઇ મોટો ભાઇ હોય તો, આ વર્ષ તેમની સાથે સારા સંબંધો રાખવા કારણ કે સંબંધોમાં તણાવથી તમને નુકસાન થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં ધીમે ધીમે એવી સ્થિતિ આવી શકે છે તમે જે કામ કરવા માટે ખૂબ સારી યોગ્યતા ધરાવતા હોવ તે કામ તમને સોંપવામાં આવશે નહીં પરંતુ આવી સ્થિતિનો સમજદારીપૂર્વક સામનો કરવાનો પ્રયાસ કરજો. વાસ્તવમાં આવી સ્થિતિનું સર્જન થાય તેના કરતા તમે ભ્રમણામાં વધુ રહો તેવું બની શકે છે. ધીરજથી કામ કરશો તો કોઇ ખોટું પગલું ભરતા તમારી જાતને રોકી શકશો. વિદેશયાત્રા કરવાની ઇચ્છા હોય તો આ વર્ષમાં સ્થિતિ તમારી તરફેણમાં આવી રહી છે. આ દિશામાં કરેલા પ્રયાસોમાં ઘણી સારી સફળતા મળવાની શક્યતા છે.
મીન:મીન રાશિના જાતકો સ્વભાવે ઘણા ભાવુક હોય છે. તેમની આ ભાવુકતા જ તેમની સૌથી મોટી શક્તિ બની જાય છે પરંતુ ક્યારેક આ લાગણી તેમના માટે મોટી મજબૂરી પણ બની જાય છે. એક વાતનું ધ્યાન રાખજો કે, પ્રણયજીવનમાં આગળ ડગલાં માંડતી વખતે કોઇના પર સીધો જ વિશ્વાસ કરવો નહીં, અન્યથા તમારો વિશ્વાસઘાત થઇ શકે છે. આવકનો વિચાર કરીએ તો, આ વર્ષ સારા પરિણામો આપનારું રહેશે જેથી આવક મામલે કોઇ ફરિયાદ નહીં રહે. તમારી સાહસ અને પરાક્રમની શક્તિમાં વધારો થશે અને તમે આગળ વધવા માટે જોખમો લેવામાં ગભરાશો નહીં. તમારી આ આદત વેપારમાં તમને પ્રગતિનો માર્ગ તૈયાર કરી આપશે. માત્ર આટલું જ નહીં, આ વર્ષમાં તમને મિત્રોને સાથ ખૂબ જ સારા પ્રમાણમાં મળશે અને તમારી સાથે દરેક કાર્યોમાં ખભાથી ખભો મિલાવીને આગળ વધશે. તેનાથી તમારો સામાજિક દરજ્જો પણ વધશે તેમજ સંખ્યાબંધ લોકો તમને અનુસરવાનું પસંદ કરશે. પરિવારનો માહોલ એકંદરે આશાસ્પદ રહેશે અને તેમના સાનિધ્યમાં આગળ વધવાની સંખ્યાબંધ તકો તમને મળશે. કેટલીક આવશ્યક વાતો પણ તમને શીખવા મળશે જે અત્યાર સુધી તમે ઇચ્છા હોવા છતાં પણ કોઇપણ કારણથી શીખી શક્યા નથી. આ સમયમાં તમારા પિતાજીનું સ્વાસ્થ્ય તમારા માટે થોડી ચિંતાનું કારણ બની શકે છે અને ચિંતાના બોજમાં તમને પણ શારીરિક તકલીફોનો અહેસાસ થઇ શકે છે. આવી સ્થિતિમાં તમે કામકાજની સાથે સાથે તેમના પર ધ્યાન આપો તે આવશ્યક છે. વિદેશ જવાનું સપનું હોય તો, આ વર્ષ આપના માટે બહુ આશાસ્પદ જણાતું નથી. આ દિશામાં કરેલા કાર્યોમાં હજુ પણ તમારી ધીરજની કસોટી થઇ શકે છે. તમે પિતાને ખૂબ જ સન્માન આપશો અને તેમની સંપત્તિના કારણે કોઇપણ પ્રકારે લાભની આશા પણ રાખી શકો છો. આ લાભ તમારી આશા અનુસાર મળી શકે છે અને તેનાથી તમારી માનસિક પ્રસન્નતામાં ઘણો વધારો થશે. મુસાફરી અને યાત્રાઓ આપના માટે શુભ ફળદાયી પુરવાર થઇ શકે છે. યાત્રા દરમિયાન થયેલી મુલાકાતોથી ફાયદો થાય. સમાજમાં અગ્રણી હોય તેવા લોકો સાથે તમારી મુલાકાત થઇ શકે છે અને તેમની સાથે તમારી સ્થિતિમાં પણ ઉન્નતિ આવશે. વિદેશી સ્રોતોમાંથી આ વર્ષે સારા લાભ થવાની અપેક્ષા રાખી શકો છો અને આ પ્રકારે વિદેશી ચલણમાં તમે કમાણી કરો તેવી સંભાવના છે. તમારી માતાના કારણે અનેક પ્રકારે તમને લાભ થવાની શક્યતા છે. જીવનમાં કરેલા અંગત પ્રયાસો તમારી ઉન્નતિનો માર્ગ તૈયાર કરશે જેથી બીજાના ભરોસે બેસી રહેવાના બદલે સ્વબળે આગળ વધવાનું વલણ રાખવું. આમ કરવાથી તમારો લાભ વધવાની સાથે સાથે આત્મવિશ્વાસ પણ વધશે.