ગુવાહાટી :આસામમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ગુરુવારે સવાર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં અવિરત વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. જ્યારે 10 જિલ્લામાં પૂરના કારણે લગભગ 1.2 લાખ લોકો પ્રભાવિત થયા છે. હાલની પરિસ્થિતિને લઈને ભારતીય હવામાન વિભાગે (IMD) 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આગામી થોડા દિવસોમાં આસામના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
યલો એલર્ટ જાહેર : ગુવાહાટીમાં IMDના પ્રાદેશિક હવામાન કેન્દ્રએ (RMC) બુધવારથી 24 કલાક માટે ચેતવણી જાહેર કરી છે. આ પછી ગુરુવાર અને શુક્રવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટનો અર્થ એક્શન માટે તૈયાર રહેવું અને યલો એલર્ટનો અર્થ નજર રાખવી અને અપડેટ રહેવું તેમ થાય છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના (ASDMA) પૂર અંગેના અહેવાલ મુજબ બક્સા, બરપેટા દરરંગ, ધેમાજી, ધુબરી, કોકરાઝાર, લખીમપુર નલબારી, સોનિતપુર અને ઉદાલ જિલ્લામાં 1,19,800 થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
તારાજીના આંકડા : નલબારી સૌથી વધુ અસરગ્રસ્ત છે. જ્યાં લગભગ 45,000 લોકો પીડિત છે, ત્યારબાદ 26,500 થી વધુ સાથે બક્સા અને લખીમપુરમાં 25,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. વહીવટીતંત્ર પાંચ જિલ્લામાં 14 રાહત શિબિર ચલાવી રહ્યું છે. જ્યાં 2,091 લોકોએ આશ્રય લીધો છે. પાંચ જિલ્લામાં 17 રાહત વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે. આર્મી, અર્ધલશ્કરી દળો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), SDRF, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (F&ES), સિવિલ એડમિનિસ્ટ્રેશન, NGO અને સ્થાનિક લોકોએ અલગ અલગ જગ્યાએથી 1,280 લોકોને બચાવ્યા છે.
780 ગામ પાણીમાં ગરક : હાલમાં સમગ્ર આસામમાં 780 ગામો પાણીમાં ડૂબી ગયા છે .જેના કારણે 10,591.85 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. બક્સા, બરપેટા, સોનિતપુર, ધુબરી ડિબ્રુગઢ, કામરૂપ, કોકરાઝાર, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, દક્ષિણ સલમારા અને ઉદલગુરીમાં મોટા પાયે જમીનનું ધોવાણ જોવા મળ્યું છે. દિમા હાસાઓ અને કામરૂપ મેટ્રોપોલિટનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી.
ખતરાની નિશાની : બક્સા, નલબારી, બરપેટા, સોનિતપુર, બોંગાઈગાંવ, દરરંગ, ચિરાંગ ધુબરી, ગોલપારા, કામરૂપ, કોકરાઝાર, લખીમપુર, નાગાંવ, ઉદલગુરી, ધેમાજી અને માજુલીમાં પૂરની સ્થિતિ છે. અહિ પૂરના પાણીથી પાળા, રસ્તા, પુલ અને ઈમારતોને નુકસાન થયું છે. બરપેટા દરરંગ, કામરૂપ મેટ્રોપોલિટન, કોકરાઝાર અને નલબારી જિલ્લામાં અનેક સ્થળોએ શહેરી વિસ્તારો ડૂબી ગયા હતા. બ્રહ્મપુત્રા નદીની ઉપનદી બેકી ત્રણ સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
- Biparjoy impact in Rajasthan: ચક્રવાત બિપરજોય તો ગયું પરંતુ છોડી ગયું તબાહીની નિશાનીઓ
- Biparjoy Cyclone affect : ગુજરાતમાં બિપરજોય અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કામગીરી