આસામ: ગોલાઘાટ જિલ્લામાં બુધવારે સવારે એક બસ અને ટ્રકની ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. જ્યારે 25 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના ડેરગાંવ પાસે બાલીજાન વિસ્તારમાં થયો હતો. ગોલાઘાટ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન સિંહે આ અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, બુધવારે સવારે લગભગ 5 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી.
Assam Accident: ગોલાઘાટમાં ટ્રક અને બસ વચ્ચે ટક્કર, 12 લોકોના મોત, 25 ઈજાગ્રસ્ત - BUS COLLISION IN GOLAGHAT
આસામમાં બુધવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પેસેન્જર બસ સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
Published : Jan 3, 2024, 11:48 AM IST
કેવી રીતે સર્જાયો અકસ્માત:અધિક્ષક રાજેન સિંહે જણાવ્યું કે બસ એક ટીમ સાથે ગોલાઘાટ જિલ્લાના કમરબંધા વિસ્તારમાંથી તિલિંગા મંદિર તરફ જઈ રહી હતી. બાલીજાન વિસ્તારમાં બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. જોરહાટ તરફથી સામેની દિશામાં ટ્રક આવી રહી હતી. સ્થળ પરથી 10 મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહોને કબજે કરીને ડેરગાંવ સીએચસીમાં મોકલી દેવામાં આવ્યા છે. 27 ઘાયલ લોકોને જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા.
12 લોકોના મોત: ઘટના બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ગોલાઘાટ જિલ્લાના એસપીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. રાજેન સિંહે કહ્યું કે અમારી તપાસ ચાલુ છે. અમે કાયદા મુજબ કાર્યવાહી કરીશું. હાલમાં મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો એક જ ગામ અથવા વિસ્તારના રહેવાસી હોઈ શકે છે.