નવી દિલ્હી: રાજધાની સાકેત કોર્ટ શુક્રવારે સવારે ગોળીબારના અવાજથી ગુંજી ઉઠી હતી. વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ સવારે લગભગ 10.30 વાગ્યે મહિલા પર ગોળીબાર કર્યો હતો. મહિલાને પેટમાં બે અને હાથમાં એક ગોળી વાગી હતી. ગોળી માર્યા બાદ કેટલાક લોકો તેના પેટને કપડાથી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. મહિલા વકીલની હાલત નાજુક છે.
મહિલા પર ફાયરિંગ: સામે આવેલી માહિતી પ્રમાણે આરોપી સસ્પેન્ડેડ વકીલ છે. બંને વચ્ચે પહેલાથી જ પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેણે મહિલા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કર્યા બાદ આરોપી કેન્ટીનના પાછળના ગેટમાંથી ભાગી ગયો હતો. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પૈસા આપવા અને લેવા બાબતે ઝઘડો:સાકેત બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ કરનૈલ સિંહે જણાવ્યું કે જે મહિલાને ગોળી વાગી હતી તે સાકેત કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ પણ કરે છે. અને તેને ગોળી મારનાર પણ સસ્પેન્ડેડ વકીલ છે. ત્રણ મહિના પહેલા દિલ્હીની બાર કાઉન્સિલે કોઈ બાબતને લઈને તેનું લાઇસન્સ રદ કર્યું હતું. મહિલાની ઓળખ એમ રાધા (40) તરીકે થઈ છે. મહિલા અને આરોપી વચ્ચે પૈસા આપવા અને લેવા બાબતે ઝઘડો થયો હતો. સાકેત કોર્ટના પ્રમુખ વિનોદ શર્માનું કહેવું છે કે ગોળીબાર કરનારનું નામ કામેશ્વર પ્રસાદ સિંહ છે. મહિલા સાથે પૈસાની લેવડ-દેવડ બાબતે તેનો વિવાદ ચાલી રહ્યો હતો અને મહિલા તેના પૈસા પરત કરતી ન હતી.