કોલ્લમઃ તમે આવા મંદિરો વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. પરંતુ આજે અમે તમને કેરળના એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં મંદિરમાં પ્રવેશ કરવા અને પૂજા કરવા માટે પુરુષોને મહિલાઓના કપડાં પહેરવા પડે છે અને સ્ત્રીઓની જેમ મેકઅપ કરવા પડે છે. આ મંદિરનું નામ શ્રી કોટ્ટનકુલંગારા દેવી મંદિર છે, જે કેરળના કોલ્લમ જિલ્લામાં આવેલું છે.
પુરૂષો પહેરે છે મહિલાઓના વસ્ત્રો:કેરળના કોલ્લમ જિલ્લામાં શ્રી કોટ્ટનકુલંગારા દેવી મંદિરમાં પ્રખ્યાત ચમાયાવિલક્કુ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન સેંકડો પુરુષોએ મહિલાઓના વેશ ધારણ કરીને મંદિરમાં પૂજા કરી હતી. કેરળમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં પુરૂષો મહિલાઓના વસ્ત્રો પહેરે છે અને માતાની પૂજા કરે છે. આ મંદિર તિરુવિથામકુર દેવસ્વોમ બોર્ડ હેઠળ આવે છે. એવું કહેવાય છે કે મંદિરની પ્રથમ પૂજા સ્ત્રીઓના વસ્ત્રોમાં સજ્જ ગૌચરોના જૂથ દ્વારા કરવામાં આવી હતી.
બે દિવસ સુધી ચાલે છે આ તહેવાર: આ મંદિર પોતાની ખાસ પરંપરા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દર વર્ષે યોજાતા આ બે દિવસીય ઉત્સવમાં મોટી સંખ્યામાં પુરૂષ ભક્તો ભાગ લે છે. આ વર્ષે પુરુષોએ પણ મહિલાઓની જેમ પરંપરાગત પોશાક પહેરીને દેવીના આશીર્વાદ લીધા હતા. ઔપચારિક સરઘસ અને ધાર્મિક વિધિઓ બંને દિવસે મધ્યરાત્રિ સુધી ચાલે છે. આ તહેવાર મલયાલમ મહિનાના મીનમના દસમા અને અગિયારમા દિવસે ઉજવવામાં આવે છે.