મુંબઈઃબ્રિટિશ યુગની 86 વર્ષ જૂની ડબલ ડેકર બસને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની ડબલ ડેકર બસે શુક્રવારે મુંબઈના રસ્તાઓ પર છેલ્લી મુસાફરી કરી હતી. આ બસને મ્યુઝિયમમાં રાખવાની પણ તૈયારી ચાલી રહી છે. આ બસ મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી હતી.
193થી શરુઆત થઇ હતી : આ સાથે, ઓપન રૂફ ટોપ નોન-એસી ડબલ ડેકર બસો પણ 15 ઓક્ટોબરે બંધ રહી હતી. 1937માં મુંબઈમાં ડબલ ડેકર બસો દોડવા લાગી હતી. ઓપન ટોપ ડબલ ડેકર બસો 26 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. બેસ્ટ પ્રશાસનના જનસંપર્ક અધિકારી સુનિલ વૈદ્યે જણાવ્યું હતું કે, આ બસોને 15 વર્ષની સેવા બાદ બંધ કરવામાં આવી છે. નિયમ મુજબ આ બસોને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી ડબલ ડેકર એસી બસો શરૂ કરવામાં આવશેઃસુનિલ વૈદ્યે જણાવ્યું હતું કે, આ બસને એસીથી સજ્જ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ સાથે બદલવાની યોજના છે. આ જૂની બસોને બદલવા માટે 900 બસોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલમાં નવી ડબલ ડેકર 16 એસી બસો દોડી રહી છે. ટૂંક સમયમાં વધુ 8 બસો કાફલામાં સામેલ કરવામાં આવશે. કુલ 450 જૂની ડબલ ડેકર બસો હતી. કોરોના સમયગાળા પછી, ફક્ત 7 જ રહ્યા. તેમાંથી 4 સામાન્ય બસો હતી અને 3 મુંબઈ દર્શનની સેવા આપી રહી હતી.