નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે નક્સલવાદને ખતમ કરવાના સરકારના સંકલ્પને દોહરાવ્યો હતો. તેમણે નક્સલવાદને ' માનવતા માટે અભિશાપ ' ગણાવી કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ડાબેરી ઉગ્રવાદને જડમૂળથી ઉખેડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સરકાર એ દરેક સ્વરૂપને ખતમ કરશે જે ઉગ્રવાદને પ્રોત્સાહન આપી રહ્યાં છે. રાજ્ય પોલીસના આધુનિકીકરણ અને તાલીમ માટે પોલીસ દળના આધુનિકીકરણ (MPF), સુરક્ષા સંબંધિત ખર્ચ (SRE) યોજના અને વિશેષ માળખાકીય યોજના (SIS) હેઠળ પણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
નક્સલવાદ માનવતા માટે અભિશાપ :ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE) પર સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવાના કલાકો પહેલાં તેમના સોશિયલ મીડિયા પર પોતાના વિચારો પોસ્ટ કર્યા હતાં. તેમણે કહ્યું કે નક્સલવાદ માનવતા માટે અભિશાપ છે. અમે તેને તેના તમામ સ્વરૂપોમાં જડમૂળથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હું આજે નવી દિલ્હીમાં લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE) પરની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરવા માટે આતુર છું, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાના અમારા પ્રયાસોને આગળ ધપાવવામાં આવે. જેમાં આપણે ડાબેરી ઉગ્રવાદ મુક્ત રાષ્ટ્ર બનાવવા વિશે ચર્ચા કરીશું.
બેઠકમાં કોણ રહેશે હાજર : આ બેઠકમાં તે રાજ્યોનો સમાવેશ થશે જે ડાબેરી ઉગ્રવાદ (LWE)થી પ્રભાવિત માનવામાં આવે છે. બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કેરળના મુખ્યપ્રધાનો, ગૃહપ્રધાનો, અથવા તેમના પ્રતિનિધિઓ તેમાં ભાગ લેવા જઇ રહ્યાં છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના ટોચના અધિકારીઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકારોના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લઇ રહ્યાં છે.
દેશ સામે મહત્વપૂર્ણ સુરક્ષા પડકાર : ડાબેરી ઉગ્રવાદ - નક્સલવાદ ઘણા દાયકાઓથી દેશ સામે મહત્વપૂર્ણ સુરક્ષા પડકાર છે. આને નિયંત્રણમાં લેવો પ્રાથમિક રીતે રાજ્યનો વિષય હોવા છતાં ગૃહ મંત્રાલય (MHA) એ ડાબેરી ઉગ્રવાદના જોખમને સર્વગ્રાહી સ્વરુપે જોવા માટે 2015 થી 'રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજના' શરૂ કરી છે. જેમાં પ્રગતિ અને સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
રાજ્ય સરકારોને મદદ :આ નીતિની મહત્વની વિશેષતાઓ હિંસા પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા તેમજ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવે છે. જેથી કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને સંવેદનશીલ લોકો સુધી વિકાસનો લાભ પહોંચી શકે. માહિતી અનુસાર આ નીતિ પ્રમાણે ગૃહ મંત્રાલય સીએપીએફ બટાલિયનની તહેનાતી, હેલિકોપ્ટર અને યુએવીની જોગવાઈ અને ઈન્ડિયા રિઝર્વ બટાલિયન (આઈઆરબી) અને સ્પેશિયલ ઈન્ડિયા રિઝર્વ બટાલિયનની મંજૂરી દ્વારા ક્ષમતા નિર્માણ અને સુરક્ષા ઉપકરણને મજબૂત કરવામાં રાજ્ય સરકારોને મદદ કરવામાં આવે છે.
વિકાસલક્ષી આયોજનો :ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોના વિકાસ માટે ભારત સરકારે અનેક વિકાસલક્ષી પહેલ કરી છે જેમાં 17,600 કિલોમીટરના રસ્તાઓ મંજૂર કરવાનો સમાવેશ થાય છે. નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓમાં ટેલિકોમ કનેક્ટિવિટી સુધારવા માટે નવા મોબાઈલ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. નક્સલવાદ પ્રભાવિત જિલ્લાઓમાં લોકોના નાણાકીય વ્યવહારો માટે ઘણી પોસ્ટ ઓફિસો, બેંક શાખાઓ, એટીએમ અને બેંકિંગ સંવાદદાતાઓ ખોલવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પણ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે નક્સલવાદના ખતરા સામેની લડાઈ હવે નિર્ણાયક તબક્કે છે અને સરકાર શક્ય તેટલી વહેલી તકે ખતરાને ઘટાડવા માટે આશાવાદી છે.
- ECI Meeting: 5 રાજ્યોની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત, ચૂંટણી પંચે મહત્વની બેઠક બોલાવી
- J&K: રાજૌરીમાં ગ્રેનેડ ફેંકવાની ઘટના, સેનાના અધિકારી ઈજાગ્રસ્ત
- Maharashtra News : નાગપુરમાં નક્સલ ચળવળમાંથી આત્મસમર્પણ કરનાર બાળકીએ રચ્યો ઇતિહાસ