ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમેરિકા નવા એજન્ડાના માર્ગ પર - અમેરિકન સરકાર

રાષ્ટ્રીય સુરક્ષાની નીતિ જાહેર કરતાં પહેલાં જ બાઈડને પોતાનું વિઝન જાહેર કર્યું હતું, જેના આધારે અમેરિકન સરકારના બધા જ વિભાગો કામ કરશે. અમેરિકા ફર્સ્ટ જેવા ટ્રમ્પના લાગણીવેડા સાથેના નારાના બદલે બાઈડનનું વિઝન વધુ પાયાની બાબત પર છે. તેઓ માને છે કે આર્થિક સુરક્ષા એ જ રાષ્ટ્રીય સુરક્ષા છે.

અમેરિકા
અમેરિકા

By

Published : Mar 11, 2021, 6:16 PM IST

અમેરિકાઃ દુનિયામાં અનેક સમસ્યાઓ હતી જ, તેમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની રીતે વિખવાદો વધારીને લોકોને મુશ્કેલીમાં મૂક્યા હતા. ટ્રમ્પે મચાવેલી ધમાચકડીથી દૂર થઈને નવા પ્રમુખ જૉ બાઈડન સ્થિતિને થાળે પાડવા કોશિશ કરી રહ્યા છે. તેમણે પ્રમુખપદ સંભાળ્યા પછી કહ્યું હતું કે “અમે આપણા સાથીઓ સાથે સંબંધો સુધારીશું અને વિશ્વ સાથે પણ ફરી એક વાર સેતુ સાધીશું. ગઈ કાલના પડકારોનો સામનો કરવા માટે નહિ, પરંતુ આજના અને આવતી કાલના પડકારોનો સામનો કરવા”.

બીજે આ બાબતની વાત કરતાં પહેલાં પોતાને ત્યાં આ બાબતનો અમલ કરવા માટે અમેરિકાએ પ્રયાસો શરૂ કર્યા છે તેના પરથી આ નવો પ્રવાહ સ્પષ્ટ થઈ રહ્યો છે. અમેરિકાએ ડિપ્લોમસીને પણ પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું છે અને સાથે જ પોતાના લશ્કરનું આધુનિકીકરણ કરવા માટેની કોશિશ પણ થઈ રહી છે. પરંપરાગત સાથી રાષ્ટ્રો સાથે નવેસરથી સંબંધો બાંધવા માટે અને આંતરરાષ્ટ્રીય તખતા પર અમેરિકાની સ્થિતિ ફરી સ્થાપિત થાય તે માટેના પ્રયાસો પણ દેખાઈ રહ્યા છે.

ઉત્તર કોરિયા સાથે કેવી રીતે પનારો પાડવો, ત્યાંથી માંડીને કોવીડ-19નો સામનો કરવાની વાત સુધી દરેક બાબતમાં નવી નીતિ દેખાઈ રહી છે. ઈરાન સાથેના બહુપાંખીયા કરારમાંથી નીકળી જવાની વાત હોય કે પારીસ કરાર તરછોડી દેવાની વાત હોય ટ્રમ્પે હંમેશા એકાકી દૃષ્ટિએ આડેધડ નિર્ણયો લીધા હતા. ટ્રમ્પે રંગભેદી રાજકારણ જગાવીને પોતાના જ દેશમાં વિભાજનનો માહોલ પણ પેદા કર્યો હતો. તેની સામે બાઈડને જણાવ્યું છે કે સ્વતંત્રતા, શાંતિ, સમૃદ્ધિ અને વ્યક્તિગત સન્માન માટે લોકશાહી સૌથી જરૂરી છે. આ રીતે બાઈડન માથાભારે આપખુદ નેતાના બદલે ધીરગંભીર રાજકારણી તરીકેનો માર્ગ અપનાવી રહ્યા છે.

બાઈડને કહ્યું હતું કે “ખાસ કરીને ચીન વધુ આક્રમક બન્યું છે. સ્થિર અને મુક્ત આંતરરાષ્ટ્રીય સિસ્ટમ સામે કોઈ પડકાર ફેંકી શકે તેમ હોય તો તે ચીન છે, કેમ કે તે પોતાની આર્થિક, ડિપ્લોમેટિક, લશ્કરી અને ટેક્નોલૉજિક પાવરનો એક સાથે ઉપયોગ કરી શકે છે".

ચીનના સત્તાવાર સામયિક “ગ્લૉબલ ટાઇમ્સ”માં બાઈડને એવું કહ્યું કે ચીન સાથે તેઓ કામ કરી શકે છે તેને આવકાર આપવામાં આવ્યો હતો. બાઈડને કહ્યું હતું કે તેઓ બિજિંગ સાથે સ્ટ્રેટેજિક કૉન્ફ્લિક્ટ સાથે તેની સાથે સંબંધો માટે પણ તૈયાર છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા પોતાની ભૂમિકા છોડી રહ્યું હતું ત્યાં તેનું સ્થાન લેવા માટે ચીન સક્રિય હતું. જોકે આજે પણ લશ્કરી અને આર્થિક મહાસત્તા તરીકે આજેય અમેરિકા સુપર પાવરનો દરજ્જો ભોગવે છે.

બાઈડન માને છે કે અમેરિકા સિવાય કોઈ દેશ એવો નથી જે વૈશ્વિક રોગચાળો, ક્લાઇમેટની સમસ્યા, સાબયર એટેક, ત્રાસવાદ અને બીજી હિંસક વૃત્તિઓને કાબૂમાં રાખી શકે. પારીસ કરાર અને વિશ્વ આરોગ્ય સંસ્થામાં ફરી અમેરિકાને જોડીને બાઈડને હકારાત્મક પડઘા પાડ્યા છે.

મિત્ર અને સાથી રાષ્ટ્રો સાથે મળીને જ આંતરરાષ્ટ્રીય સહકારના ફોરમને ફરીથી જીવંત કરીને જ આ સદીના પડકારોને પહોંચી વળાય તેમ છે એ વાત બાઈડને કહી છે. લોકતાંત્રિક રાષ્ટ્રો એક મંચ પર આવે અને મજબૂત આંતરરાષ્ટ્રીય ધારાધોરણો તૈયાર કરે તો ચીન જેવા દેશને તેના કૃત્યો માટે જવાબદાર ઠેરાવી શકાય છે એમ બાઈડન માને છે. બાઈડને ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની વાત પણ ઉચ્ચારી છે.

2006માં ભારત અને અમેરિકાના સંબંધો અંગેના પોતાના વિઝન અંગે બાઈડને વાત કરી હતી. “મારું સપનું છે કે 2020 સુધીમાં દુનિયામાં બે સૌથી ઘનિષ્ઠ સંબંધો ધરાવતા રાષ્ટ્રો ભારત અને અમેરિકા હશે,” એમ તેમણે કહ્યું હતું. બંને દેશો સાથે મળીને કામ નહિ કરે ત્યાં સુધી કોઈ આંતરરાષ્ટ્રીય સમસ્યાઓને ઉકેલી નહીં શકાય એમ પણ તેમણે કહ્યું હતું.

બાઈડને પોતાની સરકારમાં મહત્ત્વના 50 સ્થાનો પર ભારતીય મૂળના લોકોની નિમણૂકો કરી છે. આમ છતાં ભારત સાથેના સંબંધો અંગે તેમણે હજી ઘણું કરવાનું બાકી છે. ઇન્ડો-પેસિફિકમાં ચીનને કાબૂમાં રાખવાના મર્યાદિત હેતુ સાથે જ ભારત સાથે સંબંધો ગાઢ કરવા સિવાયની બાબતમાં પણ બાઈડને ભારત સાથેના સંબંધો સુધારવા જોઈએ અને ટેક્નોલૉજી ટ્રાન્સફર અંગેના મહત્ત્વના નિર્ણયો લેવા જોઈએ.

અમેરિકા સાથે સંબંધો રાખવામાં જ વિશ્વની શાંતિ અને સુખાકારી રહેલી છે એવો વિશ્વાસ બાઈડન પેદા કરી શકશે તો તેને બાઈડનના વિઝનનો વિજય કહી શકાશે.

ABOUT THE AUTHOR

...view details