શ્રીનગર:જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પવિત્ર અમરનાથ ગુફા (Amarnath Yatra 2022) વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે. અનેક યાત્રાળુઓ ગુમ છે. સેનાએ શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ કરી હતી. 6 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પર્વત બચાવ ટીમે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લંગર (સામુદાયિક રસોડા) અને 25 પેસેન્જર ટેન્ટ ધોવાઈ ગયા હતા. લગભગ 40 યાત્રાળુઓ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહપ્રધાન સહિત ઘણા લોકોએ જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમરનાથ યાત્રીનો સેના જવાનોએ બચાવ્યો જીવ, જાણો શું છે સમગ્ર ઘટના
NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગી :વહીવટીતંત્રની સાથે NDRF અને SDRFની ટીમો રાહત કાર્યમાં લાગેલી છે. વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે એલજી મનોજ સિન્હા પાસેથી સ્થિતિ વિશે માહિતી લીધી છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. હાલ પુરતી યાત્રા રોકી દેવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન વિભાગના રિપોર્ટ અને અન્ય સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ હતું. નિલાગર હેલિપેડ પર મેડિકલ ટીમો હાજર છે. માઉન્ટેન રેસ્ક્યુ ટીમ અને અન્ય ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે. બચાવ કાર્યમાં જોડાયેલા સુરક્ષાકર્મીઓએ દાવો કર્યો છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સુરક્ષા દળોનું એમ પણ કહેવું છે કે, બચાવ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. બચાવ કાર્યમાં સર્ચ અને રેસ્ક્યુ ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. શરીફબાદથી બે સર્ચ અને રેસ્ક્યુ ડોગ્સને હેલિકોપ્ટર દ્વારા પવિત્ર ગુફામાં લઈ જવામાં આવ્યા છે.
હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવી