પ્રયાગરાજઃ અતીક અહેમદ અને અશરફની હત્યા કરનારા ત્રણ શૂટરોને કોર્ટના આદેશ પર રવિવારે નૈની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અતીક અહેમદનો પુત્ર અલી અને ગેંગના ઘણા સભ્યો પણ નૈની સેન્ટ્રલ જેલમાં કેદ છે. આવી સ્થિતિમાં પોલીસે સાવચેતી દાખવતા ત્રણેય શૂટરોને પ્રતાપગઢ જેલમાં મોકલી દીધા છે.
ત્રણ શૂટરોએ આપ્યો હત્યાને અંજામ: ઉલ્લેખનીય છે કે શનિવારે રાત્રે કેલ્વિન હોસ્પિટલમાં મેડિકલ ટ્રીટમેન્ટ માટે લવાયેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ત્રણ શૂટરોએ હત્યા કરી નાખી હતી. પોલીસે ત્રણેય આરોપીની હથિયારો સાથે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન ત્રણેયએ પોતાના નામ અરુણ મૌર્ય, સની સિંહ અને લવલેશ તિવારી તરીકે જાહેર કર્યા હતા. ત્રણેયએ એમ પણ કહ્યું હતું કે તેઓ અતીક કરતા મોટો ડોન બનવા માંગતા હતા. જેના કારણે તેઓએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.
શૂટરોને જીવનું જોખમ: આ પછી રવિવારે પોલીસે ત્રણેય હત્યારાઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટના આદેશ પર ત્રણેયને નૈની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. અતીક અહેમદનો પુત્ર અલી પણ નૈની સેન્ટ્રલ જેલમાં કેદ છે. આ સાથે નૈની સેન્ટ્રલ જેલમાં અતીકની ગેંગના ઘણા સાગરિતો પણ કેદ છે. જેલ પ્રશાસનને આશંકા હતી કે ત્રણેય શૂટરોને અહીં આ લોકોથી જીવનું જોખમ હોઈ શકે છે. અતીક અને અશરફના મોતનો બદલો લેવા માટે આ લોકો ત્રણેય હત્યારાઓ પર હુમલો કરી શકે છે.