- વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ 11 વેરિયન્ટ મળી આવ્યા છે
- WHO દ્વારા આપવામાં આવે છે તમામ વેરિયન્ટને અલગ નામ
- 11 પૈકી 4 વેરિયન્ટ ઓફ કન્સર્ન, બાકીના વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ
ન્યૂઝ ડેસ્ક : થોડા સમય પહેલા જ ભારતમાંથી કોરોના વાઇરસના નવા બે વેરિયન્ટ ડેલ્ટા (Delta) અને ડેલ્ટા પ્લસ (Delta Plus) જોવા મળ્યા છે. આ બન્ને વેરિયન્ટને વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organisation) અને કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant Of Concern) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જોકે વેરિયન્ટના નામકરણથી લઈને તેને લગતી તમામ માહિતી અત્રે પ્રસ્તુત છે.
વેરિયન્ટના નામકરણ કઈ રીતે થાય છે ?
કોરોના વાઇરસના વેરિયન્ટ્સના વૈજ્ઞાનિક નામકરણ માટે GISAID, Nextstrain અને Pango નો ઉપયોગ થાય છે. જ્યારે WHO દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકોની એક કમિટી બનાવી છે. જેઓ વેરિયન્ટ્સના સરળતાથી યાદ રહી જાય અને બોલી શકાય તેવા નામ આપવાનું કામ કરે છે. આ કમિટી દ્વારા વેરિયન્ટ્સને ગ્રીક આલ્ફાબેટ્સ (Greek Alphabets) જેવા કે આલ્ફા, બેટા, ગામા નામ આપવાનું સૂચન કર્યું હતું. જે પદ્ધતિ હાલમાં ઉપયોગમાં છે.
વેરિયન્ટ ઓફ કન્સર્નની યાદી આલ્ફા વેરિયન્ટ (Alpha variant)
સપ્ટેમ્બર 2020માં યુનાઈટેડ કિંગડમ (UK) માંથી લેવામાં આવેલા કોરોના દર્દીઓના સેમ્પલમાં આ વેરિયન્ટની હાજરી જોવા મળી હતી. જ્યારબાદ તે દેશ અને દુનિયાભરમાં પ્રસર્યો હતો. 18 ડિસેમ્બર 2020ના રોજ WHO દ્વારા તેને Variant Of Concern જાહેર કરવામાં આવ્યો હતો.
બેટા વેરિયન્ટ (Beta Variant)
મે 2020માં સાઉથ આફ્રિકામાં આ વેરિયન્ટ સૌપ્રથમ વખત જોવા મળ્યો હતો. જ્યારબાદ તે પ્રસર્યો હતો. 18 ડિસેમ્બર 2020ના રોજ WHO દ્વારા તેને Variant Of Concern જાહેર કરવામાં આવ્યો હતો.
ગામા વેરિયન્ટ (Gamma Variant)
સૌપ્રથમ વખત બ્રાઝિલમાં જોવા મળેલા આ વેરિયન્ટે હાલમાં દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. નવેમ્બર 2020 દરમિયાન બ્રાઝિલમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં આ વેરિયન્ટની હાજરી જોવા મળી હતી. જ્યારબાદ 11 જાન્યુઆરી 2021ના રોજ WHO દ્વારા તેને Variant Of Concern જાહેર કરાયો હતો.
ડેલ્ટા વેરિયન્ટ્સ (Delta variants)
અત્યાર સુધીમાં કોરોના વાઇરસના સૌથી ઘાતકી કહી શકાય એવા વેરિયન્ટમાં ડેલ્ટા વેરિયન્ટનો સમાવેશ થાય છે. ડેલ્ટા વેરિયન્ટ સૌપ્રથમ વખત ઓક્ટોબર 2020માં ભારતમાં જોવા મળ્યો હતો. જ્યારબાદ તેનું બીજુ મ્યૂટેશન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર માટે સંભવિત કારણોમાં મુખ્ય એક છે. WHO દ્વારા તેને 4 એપ્રિલ 2021ના રોજ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ અને 11 મે 2021ના રોજ Variant Of Concern જાહેર કરવામાં આવ્યો હતો.
વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદી એપ્સિલોન (Episilon variant)
આ વેરિયન્ટ સૌપ્રથમ વખત માર્ચ 2020માં અમેરિકામાં જોવા મળ્યું હતું. આ વેરિયન્ટ કોરોના વાઇરસના મૂળ બંધારણના શરૂઆતી વેરિયન્ટમાંનું એક છે. જોકે, તેનું જોખમ અન્ય વેરિયન્ટની તુલનામાં ઓછું હોવાથી તેને હજુ પણ Variant of Interest ની યાદીમાં રાખવામાં આવ્યો છે.
ઝેટા વેરિયન્ટ (Zeta variant)
સૌપ્રથમ વખત બ્રાઝિલમાંથી એપ્રિલ 2020 દરમિયાન લેવામાં આવેલા સેમ્પલમાં કોરોનાના આ વેરિયન્ટની હાજરી જોવા મળી હતી. જ્યારબાદ WHO દ્વારા તેને 17 માર્ચના રોજ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં રાખવામાં આવ્યો હતો. જે હજુ સુધી Variant of Interest ની યાદીમાં શામેલ છે.
એટા વેરિયન્ટ (Eta variant)
સૌપ્રથમ વખત ડિસેમ્બર 2020માં દેખા દેનારા કોરોનાના આ વેરિયન્ટના ઉદ્ભવસ્થાન અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સાંપડી નથી. જોકે, વિશ્વના ઘણા બધા દેશોમાં આ વેરિયન્ટના કેસ નોંધાતા WHO દ્વારા 17 માર્ચ 2021ના રોજ તેને Variant of Interest તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
થેટા વેરિયન્ટ (Theta variant)
આ વેરિયન્ટ સૌપ્રથમ વખત જાન્યુઆરી 2021માં ફિલિપાઈન્સમાં જોવા મળ્યો હતો. જ્યારબાદ વિશ્વભરમાં પ્રસરેલા આ વેરિયન્ટને 24 માર્ચ 2021ના રોજ WHO દ્વારા Variant of Interestની યાદીમાં શામેલ કરવામાં આવ્યો હતો.
ઈઓટા વેરિયન્ટ (Iota variant)
એપ્સિલોનની જેમ કોરોના વાઇરસનો આ વેરિયન્ટ પણ સૌપ્રથમ વખત અમેરિકામાંથી મળી આવ્યો હતો. નવેમ્બર 2020 દરમિયાન મળી આવેલા આ વેરિયન્ટને WHO દ્વારા 24 માર્ચ 2021ના રોજ Variant of Interest તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
કપ્પા વેરિયન્ટ (Kappa variant)
ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની જેમ કોરોનાનો આ વેરિયન્ટ પણ ભારતમાંથી મળી આવ્યો હતો. ડેલ્ટા વેરિયન્ટની જેમ આ વેરિયન્ટ પણ ઓક્ટોબર 2020 દરમિયાન લેવાયેલા સેમ્પલમાંથી મળી આવ્યો હતો અને WHO દ્વારા ડેલ્ટા વેરિયન્ટની સાથે સાથે જ તેને Variant of Interest ની યાદીમાં શામેલ કરવામાં આવ્યો હતો.
લામ્બડા વેરિયન્ટ (Lambda variant)
સૌપ્રથમ વખત ઓગસ્ટ 2020 દરમિયાન પેરૂમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં આ વેરિયન્ટની હાજરી જોવા મળી હતી. આ વેરિયન્ટ હાલમા વિશ્વના 29 દેશોમાં હડકંપ મચાવી રહ્યો છે. ત્યારે WHO દ્વારા 14 જૂન 2021ના રોજ તેને Variant of Interest જાહેર કરવામાં આવ્યો હતો.
વેરિયન્ટ એટલે શું ?
વાઇરસના મૂળ બંધારણમાં ફેરફાર થતા તેનું મ્યૂટેશન (Mutation) થાય છે. આ મ્યૂટેશનના કારણે વાઇરસના લક્ષણો, તીવ્રતા અને સંક્રમણ શક્તિ (Transmissibility) માં ફેરફાર થાય છે અને મ્યૂટેશન ધરાવતા વાઇરસને વેરિયન્ટ (Variant) તરીકે ઓળખવામાં આવે છે. વાઇરસના મૂળ બંધારણમાંથી ઉદ્ભવતા મોટાભાગના વેરિયન્ટમાં ખૂબ જ નજીવા ફેરફાર જોવા મળે છે. જ્યારે કેટલાક વેરિયન્ટમાં તદ્દન વિપરિત પણ થઈ શકે છે.
આ પણ વાંચો :મળો કોરોના વાઈરસ પરિવારના બે ભારતીય સદસ્યોને...
WHO કઈ રીતે લેબલ આપે છે ?
દરેક વાઇરસની જેમ કોરોના વાઇરસમાં પણ મ્યૂટેશન થયુ હતું અને તે પણ વિશ્વના જુદા જુદા દેશોમાં! અલગ અલગ જગ્યાઓએ ઉદ્ભવતા વેરિયન્ટના લક્ષણો અને સંક્રમણ શક્તિ (Transmissibility) ને સમજવા તેમજ દવાઓ અને વેક્સિનેશનની જાહેર આરોગ્ય પર પડતી અસરને સમજવા માટે WHO દ્વારા વિશ્વભરમાં રાષ્ટ્રો, સંસ્થાઓ અને સંશોધકો સાથે મળીને સતત મોનિટરિંગ અને રિસર્ચ (Monitoring and Research) કરવામાં આવે છે. આ વેરિયન્ટની જાહેર આરોગ્ય પર પડતી અસરોના આધારે WHO દ્વારા તેને 'વેરિયન્ટ ઓફ કન્સર્ન' અથવા તો 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ'ની યાદીમાં રાખે છે અને રાષ્ટ્રોને તેને સંલગ્ન કાર્યવાહી કરવા સૂચન આપે છે.
આ પણ વાંચો :WHOએ ભારતમાં કોરોના વાઈરસના સ્વરૂપોને કપ્પા અને ડેલ્ટા નામ આપ્યું
વેરિયન્ટ ઓફ કન્સર્ન (Variant Of Concern)
સંશોધનો બાદ જ્યારે કોઈ વેરિયન્ટ જાહેર સ્વાસ્થ્ય માટે પડકારરૂપ સાબિત થાય, એટલે કે દેશોમાં તેના કેસ વધવા લાગે અથવા તો તેના લક્ષણો અન્ય મ્યૂટેશન કરતા વધારે ઘાતકી હોય ત્યારે તેને વેરિયન્ટ ઓફ કન્સર્નની યાદીમાં શામેલ કરવામાં આવે છે. આ યાદીમાં શામેલ કરેલા વેરિયન્ટને લઈને જે દેશમાં તેના કેસ નોંધાતા હોય તેમને આરોગ્યલક્ષી સુધારાઓ કરવા અને આ નવા વેરિયન્ટના વ્યાપને રોકવા માટે સ્ટ્રેટેજી તૈયાર કરવાનું સૂચન આપવામાં આવે છે. જોકે, WHO દ્વારા બન્ને યાદી વૈશ્વિક સ્તરે જાહેર કરવામાં આવે છે. તમામ દેશો પોત પોતાની રીતે વેરિયન્ટને કઈ યાદીમાં શામેલ કરવો તેનો નિર્ણય લઈ શકે છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર Delta Variant
ડેલ્ટા વેરિયન્ટ (Delta Variant) એ કોરોના વાઈરસના મૂળભૂત બંધારણ SARS-CoV-2 માં ફેરફાર થતા ઉદ્ભવ્યો હતો. આ વેરિયન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર માટે જવાબદાર પરિબળોમાંનું એક હોવાનું તજજ્ઞો માની રહ્યા છે. આ વેરિયન્ટથી કોરોના સંક્રમણ પ્રસરવાની શક્તિ (Transmissibility) તેમજ ઈન્ફેક્શનની તિવ્રતામાં વધારો નોંધાયો હતો. હાલમાં ડેલ્ટા વેરિયન્ટ વિશ્વભરમાં ખૂબ જ ઝડપી પ્રસરી રહ્યો છે.
આ પણ વાંચો :કોરોના વાઈરસનું ડેલ્ટા વેરિયન્ટ ડેલ્ટા પ્લસમાં ફેરવાતા બન્યું ખતરનાક
શું ડેલ્ટા વેરિયન્ટનું વધુ એક મ્યૂટેશન પણ છે ?
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ તરીકે ઓળખાતા મ્યૂટેશનને વૈજ્ઞાનિક ભાષામાં AY.1 નામ આપવામાં આવ્યું છે, પરંતુ અમેરિકામાં ડેલ્ટા વેરિયન્ટનું અલગ મ્યૂટેશન પણ સામે આવ્યું છે. જેને AY.2 નામ અપાયું છે. હાલમાં આ વેરિયન્ટને લઈને સંશોધન ચાલી રહ્યું છે. જોકે, આ મ્યૂટેશનનો ભારતમાં એકપણ કેસ જોવા મળ્યો નથી.
ભારતમાં અત્યાર સુધી કેટલા વેરિયન્ટના કેસ નોંધાયા છે ?
WHO ના સાપ્તાહિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 22 જૂન સુધીમાં વિશ્વમાં કોરોના વાઇરસના કુલ 11 વેરિયન્ટ નોંધાયેલા છે. આ 11 વેરિયન્ટ પૈકી માત્ર 4 વેરિયન્ટ એવા છે, જે જાહેર આરોગ્યને નુક્સાન પહોંચાડી શકે છે. જેના કારણે તેમને વેરિયન્ટ ઓફ કન્સર્નની યાદીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 7 વેરિયન્ટ પર હજુ સંશોધનોનો અવકાશ હોવાથી તેમને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટની યાદીમાં રાખવામાં આવ્યા છે. વેરિયન્ટ ઓફ કન્સર્ન યાદીમાં આવતા તમામ 4 વેરિયન્ટના કેસ ભારતમાં નોંધાઈ ચૂક્યાં છે.
આ પણ વાંચો :Delta Plus Variant in Gujarat : ડેલ્ટા પ્લસ વેરિયન્ટના પગપેસારા સામે શું છે સરકારની તૈયારીઓ? જાણો....
શું ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ પર મોનોક્લોનલ એન્ટીબોડીની અસર થાય છે ?
ICMRના એપિડેમોલોજી એન્ડ કોમ્યુનિકેબલ ડિસીઝ (Epidemiology and Communicable Diseases) વિભાગના પૂર્વ વડા ડૉ. રમણ ગંગાખેડકરના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે વાઇરસ જ્યારે શરીરમાં પ્રવેશે છે. ત્યારે તે વ્યક્તિની સેલ્યુલર મેકેનિઝમનો ઉપયોગ કરીને વધારે પાર્ટિકલ્સ પેદા કરે છે. આ પ્રક્રિયામાં મૂળ સેલ નાશ પામે છે અને વાઇરસ એકેસપોઝ થઈ જાય છે. એક્સપોઝ થયા બાદ તે નજીકમાં જ આવેલા સેલને નુક્સાન પહોંચાડે છે. કોરોના વાઇરસના કિસ્સામાં જ્યારે આ પ્રક્રિયા થતી હોય ત્યારે જો દર્દીને મોનોક્લોનલ એન્ટીબોડી (Monoclonal Antibody) આપવામાં આવે તો શરીરમાં સેલની બહાર ફરતા વાઇરસના પાર્ટિકલનો નાશ કરે છે. જોકે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટને બાદ કરતા તમામ મ્યૂટેશનમાં મોનોક્લોનલ એન્ટીબોડીની સારવાર ઉપયોગી નીવડે છે. જ્યારે આ બન્ને વેરિયન્ટમાં વધુ એક પ્રક્રિયા થતી હોય છે. આ વાઇરસ જ્યારે વ્યક્તિના સેલમાં પ્રવેશે છે ત્યારે તેની આસપાસમાં એક જાળ બનાવે છે. જે નજીકમાં આવેલા અન્ય સેલને જકડી લે છે. જ્યારબાદ એક સેલમાંથી વાઇરસ સીધો જ અન્ય સેલમાં પ્રવેશે છે. જેને સેલ ટૂ સેલ ટ્રાન્સફર (Cell to Cell Transfer) કહેવામાં આવે છે. આ કિસ્સામાં વાઇરસ એક્સપોઝ થતો જ ન હોવાથી મોનોક્લોનલ એન્ટીબોડીની તેના પર અસર ખૂબ જ ઘટી જાય છે.