પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે નેપાળના બંધારણ ૨૦૧૫માં કોઈ પણ અધિકારી, ચાહે તે વડા પ્રધાન કેમ ન હોય, તેને ગૃહનું વિસર્જન કરવા અધિકાર આપતું નથી. ઓલીની ભોંઠપ વચ્ચે, આ ચુકાદો તેઓ તેમના ખૂબ જ વિવાદાસ્પદ પગલાં પછી જાહેરમાં જે દલીલ કરી રહ્યા હતા તેના એકદમ વિરુદ્ધ છે: તેમની દલીલ હતી કે વેસ્ટમિનિસ્ટર સ્ટાઇલ લોકશાહીના વડા પ્રધાન તરીકે તેમને ગૃહનું વિસર્જન કરવાની અને દેશને તેઓ જ્યારે પણ સમય પસંદ કરે તે સમયે મધ્યવર્તી ચૂંટણીમાં ધકેલવાની અંતિમ સત્તા છે.
૨૩ ફેબ્રુઆરીએ સર્વોચ્ચ ન્યાયાલયે તેમને ખોટા સાબિત કર્યા. અને તેના આ ચુકાદાએ નેપાળમાં, તેમના પૂર્વ એનસીપી (નેપાળ કમ્યૂનિસ્ટ પાર્ટી)ના કૉમરેડ કે જેમણે ગૃહને કસમયે ભંગ કરવાની સામે શેરીઓમાં વિરોધ કર્યો હતો, તેમને, વિરોધ પક્ષ નેપાળ કૉંગ્રેસ અને નાગરિકોના અગ્રણી નેતાઓને વિજયી મુદ્રામાં લાવી દીધા હતા.
ચુકાદાને આવકારતાં, તેઓ ગૃહના પુનઃસ્થાપનની ઉજવણી કરવામાં વ્યસ્ત રહ્યા હતા. ચુકાદો કહે છે તેમ, ગૃહ આગામી કાર્ય દિશા નક્કી કરવા માટે ૧૩ દિવસની અંદર એટલે કે ૮ માર્ચ સુધીમાં મળવું જોઈએ. એક વાત સ્પષ્ટ છે: સિવાય કે કે. પી. ઓલી વડા પ્રધાન પદેથી ઉતરી જાય, તેમને તેમના પૂર્વ કૉમરેડ સાથીઓ અને અન્ય વિપક્ષી સાંસદોનો અવિશ્વાસ મતના સ્વરૂપમાં ગુસ્સાનો સામનો કરવો પડશે.
ભારત માટે તે શા માટે મહત્ત્વનું છે?
ભારત અને નેપાળ વચ્ચે ૧,૮૦૦ કિલોમીટર લાંબી ખુલ્લી સરહદ આવેલી છે જે ભારતમાં ઘણાને નબળી કડી લાગે છે. તેમને એમ પણ લાગે છે કે ભારત અને નેપાળ વચ્ચે સમાન અદ્વિતીય સભ્યતા, ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક સંબંધો છે તેથી નેપાળમાં કુદરતી કે રાજકીય કોઈ પણ પ્રકાર ઉથલપાથલની અસર મધ્યમ કે તીવ્ર રીતે ભારત પર પણ પડ્યા વગર રહેતી નથી.
અને એક વાત એ છે કે દિલ્હીમાં કે. પી. ઓલી ઘણાને ગમતા નથી કારણકે તેમના વડા પ્રધાન કાળ દરમિયાન ગયા વર્ષે જૂનમાં નેપાળે નવો રાજકીય નકશો જાહેર કર્યો હતો જેમાં લિપુલેખ-કાલાપાની-લિમ્પિયાધુરા વગેરે વિવાદિત પ્રદેશો કે જે કૈલાસ પર્વત અને માનસરોવરની દક્ષિણે ચીન-ભારત-નેપાળની ત્રિસંગમ સીમાએ આવેલા છે, તેમનો સમાવેશ કરાયો હતો. આ નકશાને બાદમાં નેપાળની સંસદે અનુમતિ આપી હતી અને બાદમાં નેપાળના રાષ્ટ્રીય ચિહ્ન અને સત્તાવાર બેજમાં પણ સમાવાયો હતો.
૮ મે ૨૦૨૦ના રોજ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કાલાપાની વિસ્તારથી લિપુલેખ સુધી જીપનો માર્ગ ખુલ્લો મૂક્યો તે પછી ટૂંક સમયમાં જ નેપાળનું આ પગલું આવી પડ્યું હતું. લિપુલેખમાં જમીન વિસ્તાર પર નેપાળનો લાંબા સમયથી દાવો છે. ૧૮૧૬માં સુગૌલી સંધિ બ્રિટિશ રાજ હેઠળના ભારત અને નેપાળ વચ્ચે થઈ હતી. આવા સરહદી વિવાદોને ઉકેલવા ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સંવાદ હજુ ફરીથી શરૂ થવાના છે ત્યારે નેપાળમાં સંભવિત રાજકીય અસ્થિરતા, જેનાથી તેના પડોશીઓ ભારત અને ચીન કરતાં તેના પોતાના લોકોને નુકસાન થઈ શકે છે, તેનાથી નવી ચિંતા સર્જાઈ છે.
એક દાયકા લાંબી (૧૯૯૬-૨૦૦૬ સુધી) લોહિયાળ માઓવાદી બળવો, જેમાં લગભગ ૧૭,૦૦૦ લોકોના જીવ ગયા હતા, તેનો ભોગ બન્યા પછી નેપાળ હજી સુધી તેના ૨૦૧૫ના બંધારણને સંપૂર્ણ રીતે લાગુ કરી શક્યું નથી, જે બંધારણ સભા દ્વારા લખાયેલું હતું, જેના માટે બે ચૂંટણીઓ યોજાઈ હતી. નેપાળમાં હજી સંપૂર્ણ આર્થિક સ્વસ્થતા જોવા મળી નથી. અને બેરોજગારીના વધતા દરના લીધે તેના યુવાન અને મહિલાઓ રોજગારી અને અન્ય તકો માટે ભારત અને અન્ય દેશોમાં જવા પ્રેરાય છે.