નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટમાં અદાણી કેસ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં જવાબ રજૂ કર્યો હતો. જેન કોર્ટે સ્વીકાર્યો ન હતો. અદાણી મામલે સુપ્રીમ કોર્ટ તપાસ કમિટીની રચના કરશે. અદાણી ગ્રુપના શેર સતત ઘટવાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. જેને લઈને તપાસ હાથ ધરાશે.
પારદર્શિતાની વિરુદ્ધ: આ મામલે કેન્દ્ર સરકારે સીલબંધ પરબિડીયામાં કેટલાક સૂચનો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તમારા આ સીલબંધ સૂચનને સ્વીકારી શકીએ નહીં. કોર્ટે કહ્યું કે આમાં છુપાવવા જેવું શું છે, અમે સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી શેરબજારમાં રોકાણકારોના હિતમાં વધુ સારા નિયમો કેવી રીતે બનાવી શકાય તે અંગે અભિપ્રાય માંગ્યો હતો.
તપાસ કમિટીની કરાશે રચના:સીજેઆઈએ કહ્યુ હતુ કે, અમે કમિટી બનાવીશુ અને ત્યારબાદ મોનિટરિંગનું કામ કરાશે. આ કામ વર્તમાન જજોને સોંપશે નહિ. અદાણી કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કરી હતી. સમિતિમાં સીટિંગ જજને સામેલ કરી શકાય કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે વ્યવહારિક રીતે શક્ય નથી.