અમદાવાદ:અમેરિકન શોર્ટ સેલર હિન્ડેનબર્ગના અદાણી જૂથ પર ગંભીર આક્ષેપોના પગલે અદાણી જૂથના શૅરોમાં પાંચ દિવસથી ચાલી રહેલા કડાકાથી જૂથના શૅરોમાં અંદાજે 108 અબજ ડોલર એટલે કે રૂ. 8,76,525 કરોડનું ધોવાણ થયું છે. બીજીબાજુ અદાણી જૂથ પર સ્ટોક સાથે ચેડાં કરવાના અને એકાઉન્ટિંગમાં છેતરપિંડીના આક્ષેપો મુદ્દે ગુરુવારે સંસદમાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. વિપક્ષે અદાણી જૂથ પર જેપીસી અથવા સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ પંચ રચવાની માગણી કરી છે.
સંસદમાં હોબાળો: દરમિયાન અંદાણી જૂથ પર હિન્ડેનબર્ગના આક્ષેપોના પડઘા ગુરુવારે સંસદમાં પડયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ગૌતમ અદાણીને પીએમ મોદીના 'મિત્ર' ગણાવતા વિપક્ષે હિન્ડેનબર્ગના અહેવાલોની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મારફત તપાસ કરાવવાની માગણી કરી હતી. આ મુદ્દે ગુરુવારે સંસદના બંને ગૃહો વારંવાર બંધ રહ્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો કે, સરકાર એલઆઈસી, એસબીઆઈ અને અન્ય જાહેર સંસ્થાઓ પર અદાણી જૂથમાં કથિત રૂપે બળજબરીથી રોકાણ કરવાની તપાસથી ડરતી હોવાથી સંસદના બંને ગૃહો સ્થગિત કરી દીધા હતા. સંસદમાં વિપક્ષના હોબાળાની અસર પણ શૅરબજારમાં અદાણીના શૅરો પર જોવા મળી હતી.
ખોટમાં વધારો: અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ગુરુવારે 26 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ફર્મે જણાવ્યું હતું કે તેણે તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. ગુરૂવારે સળંગ છઠ્ઠા દિવસે પણ મોટાભાગની અન્ય ગ્રૂપ કંપનીઓમાં ઘટાડો થયો હતો અને અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓએ છેલ્લા છ દિવસમાં રૂ. 8.76 લાખ કરોડથી વધુના સંયુક્ત ધોવાણનો સામનો કર્યો છે.
3 શેરો માટે ASM:અદાણી જૂથની ત્રણ કંપનીઓ - અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને અંબુજા સિમેન્ટ્સને BSE અને NSEના ટૂંકા ગાળાના વધારાના સર્વેલન્સ માપદંડ (ASM) ફ્રેમવર્ક હેઠળ મૂકવામાં આવ્યા છે. ગુરુવારે એક્સચેન્જોએ પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો.