નવી દિલ્હીઃ ગુરુવારે EDએ આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહને કોર્ટમાં રજૂ કર્યા હતા. ગઈકાલે EDએ કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં સંજય સિંહની ધરપકડ કરી હતી. EDએ કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
EDની દલીલઃ ED તરફથી વકીલ નવીનકુમાર મટ્ટાએ કોર્ટમાં બુધવારે EDએ કરેલી કાર્યવાહી રજૂ કરી હતી. વધુ 3 લોકોની પુછપરછ પણ થવાની છે, સંજય સિંહને સઘન સુરક્ષામાં કોર્ટ પરિસરમાં લવાયા હતા. સંજય સિંહે નરેન્દ્ર મોદી ચૂંટણી હારવાના છે તેથી આવો અન્યાય કરાવી રહ્યા છે.
સંજય સિંહે સ્વયં રજૂ કર્યો પક્ષઃ સુનાવણી દરમિયાન સંજય સિંહે પોતાનો પક્ષ જાતે રજૂ કર્યો હતો. તેમણે પોતાની દલીલની શરૂઆત કૃષ્ણ બિહારી નૂરની પંક્તિ ટાંકીને કરી હતી. તેમણે કહ્યું કે, "સચ ઘટે યા બઢે તો સચ ન રહે, જૂઠની કોઈ ઈંતિહા હી નહીં". તેમણે કહ્યું કે અમિત અરોરાની ધરપકડ કરી લેવાઈ છે. તે મારા માટે અજાણી વ્યક્તિ છે તેને મારુ નામ પણ યાદ નથી. દિનેશ અરોરાએ ઘણીવાર નિવેદન આપ્યા છે. તેને પણ સંજય સિંહનું નામ યાદ નહતું. પણ અચાનક આ લોકોએ શું કર્યુ તે આપ સમજી શકો છો. જો મારો વાંક હોય તો મને કડક શિક્ષા કરવામાં આવે પણ પાયાવિહોણી તપાસનો કોઈ અર્થ નથી.
જજનો સવાલઃ રાઉઝ એવન્યૂ કોર્ટમાં ન્યાયાધીશે EDને પુછ્યું કે જો સંજય સિંહ વિરુદ્ધ પાકા પુરાવા તમારી પાસે હતા તો ધરપકડ કરવામાં આટલો સમય કેમ લગાડ્યો? પૈસાની જે લેવડ દેવડનો આરોપ તમે લગાડ્યો છે તે ઘણી જૂની વાત છે, તો પછી અત્યારે ધરપકડ કેમ કરી?
ડિજિટલ પુરાવા મળ્યાઃEDએ સંજય સિંહની 10 દિવસ માટે કસ્ટડી માંગી હતી. કોર્ટે ફરીથી પુછ્યું કે સંજય સિંહનો ફોન તમે કબ્જે કર્યો છે તો પછી તેમની કસ્ટડી શા માટે જોઈએ છે? EDએ જણાવ્યું કે આ મામલે અનેક નિવેદન નોંધવામાં આવ્યા છે. દિનેશ અરોરાના કર્મચારીઓએ કહ્યું છે કે 2 કરોડ રોકડા રૂપિયા સંજય સિંહના ઘરે આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1 કરોડ રૂપિયા ઈન્ડો સ્પિરિટના ઓફિસથી લઈને સંજય સિંહના ઘરે પહોંચાડ્યા હતા. બુધવારે જે રેડ કરી તેમાં અમને કેટલાક ડિજિટલ પુરાવા મળ્યા છે. જેમાં કેટલાક કોન્ટેક્ટ નંબર પણ મળ્યા છે. જેની અમારે તપાસ કરવાની છે.
દિનેશ અરોરાની વિશ્વસનિયતા પર સવાલઃ EDએ કહ્યું કે દિનેશ અરોરા જણાવે છે કે સંજય સિંહ એક પ્રભાવશાળી વ્યક્તિ છે. તેથી તેમનું નામ પહેલા લીધું નહતું. વિજય નાયરે તેને ધમકી પણ આપી હતી કે હજુ બીજા બે નામ પણ તેની પાસે છે. સંજય સિંહના વકીલ રોહિત માથૂરે જણાવ્યું કે કેટલાક મામલાની તપાસ ક્યારેય પૂરી જ થતી નથી. હવે આ મામલે EDનો સાક્ષી દિનેશ અરોરા છે. જે ઈડી અને સીબીઆઈ બંનેના મામલામાં આરોપી હતો. તે બંને એજન્સીમાં સરકારી સાક્ષી બન્યો છે. તેથી તેના પર વિશ્વાસ કરી શકાય નહીં.
કેજરીવાલનો આક્ષેપઃ તપાસ તપાસ રમવામાં કિમતી સમય ખરાબ થાય છે તેવું દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે જણાવ્યું હતું. તેમણે સંજય સિંહની તપાસ માટે આ નિવેદન આપ્યું હતું. તપાસમાં કંઈ સામે આવવાનું નથી, તપાસમાં સમય બર્બાદ કર્યા વિના સૌએ સાથે મળીને દેશ માટે કામ કરવું જોઈએ.
સંજય સિંહનો પરિવાર કોર્ટ આવ્યોઃ સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી , સંજય સિંહ કોર્ટ પહોંચે તે પહેલા જ પરિવાર કોર્ટ પહોંચી ગયો હતો. કોર્ટ પરિસરમાં પુષ્કળ ભીડ હોવાથી સંજય સિંહને ED બીજા દરવાજેથી કોર્ટરૂમમાં લઈ ગઈ. કોર્ટરૂમ અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
સંજય સિંહ પર આરોપઃ EDએ સંજય સિંહ પર આરોપ લગાવ્યો છે કે દારુના વેપારી દિનેશ અરોરાએ ચૂંટણી પ્રચાર માટે ફંડ એક્ઠું કરવા માટે અનેક રેસ્ટોરાના માલિક સાથે વાતચીત કરી હતી. બીજો આરોપ એ છે કે આબકારી વિભાગમાં દિનેશ અરોરાનો એક મામલો પેન્ડિંગ હતો જે સંજય સિંહે ઉકેલ્યો હતો. ED દ્વારા સંજ્ય સિંહની ધરપકડ કરાઈ જે આમ આદમી પાર્ટીના મોટા નેતા છે. આ અગાઉ ED દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી ચૂકી છે.
- Bjp aap poster war: દિલ્હીમાં ભાજપ-આપ વચ્ચે પોસ્ટર વોર, ભાજપે સંજય સિંહ અને મનીષ સિસોદિયાનું નવું પોસ્ટર કર્યુ જાહેર
- Ram Mandir Land Scam: સંજય સિંહ કોર્ટ જવાની કરી રહ્યાં છે તૈયારી