- દાર્જિલિંગમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની નજરકેદની કહાણી
- સ્વતંત્રતા સંગ્રામમાં તેજોમય વ્યક્તિત્વના સ્વામી નેતાજીની અનોખી યાદગાર
- ગિદ્દાપહાર બંગલો અને નેતાજીનો English breakfas ખાસ મહત્ત્વ ધરાવે છે
શું તમે જાણો છો કે બ્રિટિશ સંસ્થાનવાદી દળો જેને સપનામાં પણ જોઇ લે તો પણ ડરી જતાં હતાં એ નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગ્રેજી નાસ્તાના ( English breakfast ) પ્રશંસક હતાં? બ્રેડ પ્રત્યેના તેમના શોખ પાછળ એક ભારે રહસ્ય છે. સુભાષે અંગ્રેજીબ્રેડનો ઉપયોગ એ સમયે બ્રિટિશ જાસૂસોને છેતરવા માટે કર્યો હતો. કોલકાતા અને અન્ય સ્થળોએ તેમના સાથીઓને લખેલી સૂચનાઓ નેતાજીએ તેમાં છુપાવીને મોકલી હતી. ETV Bharat આઝાદીના 75 વર્ષ પરની અમારી શ્રેણીના ભાગરૂપે ભારતની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસની રસપ્રદ વાર્તા આપના માટે લાવ્યું છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝના 'English breakfast' માટેના પ્રેમનું રહસ્ય નેતાજીના અંગ્રેજી નાસ્તાની કમાલની વાત
ભારતમાં તેમના શાસન દરમિયાન અંગ્રેજો માટે શબ્દશઃ જેઓ દુઃસ્વપ્ન આપનાર એ માણસને ખરેખર અંગ્રેજી નાસ્તો ખૂબ ગમતો હતો! એ બહાદુર બીજું કોઈ નહીં પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતાં. પરંતુ, શા માટે અચાનક ભારતની સ્વતંત્રતા ચળવળના સૌથી ઊંચા સ્થાને બિરાજતી વ્યક્તિઓમાંની એકની ખાવાની પસંદગીઓની વાત કરવામાં વ્યસ્ત છીએ? એ તો ઠીક છે કે જેઓ કહે છે કે ખીરનો સ્વાદ ખાવામાં હોય છે, તેથી શા માટે ખાસ કરીને એક અંગ્રેજી નાસ્તાથી સુભાષચંદ્ર બોઝ, જેમને પ્રેમથી નેતાજી કહેવામાં આવે છે, તેમને ઘણો બધો ફરક પડ્યો? જાણવા માટે વાંચો.
નેતાજીએ આ બંગલામાં બ્રેડનો કર્યો હતો અનોખો ઉપયોગ
1936ની વાત છે જ્યારે નેતાજી 6 માસ સુધી દાર્જિલિંગની પહાડીઓમાં આવેલા એક બંગલામાં નજરકેદ હતાં. નેતાજી ગિદ્દાપહાર બંગલાની દિવાલોમાં બંધ હતાં એટલે ભારતીય કે બંગાળી નાસ્તાઓ પણ ખાવા મળતાં નહીં. તેમની સામે ઇંગ્લિશ બ્રેકફાસ્ટ એવા બ્રેડ લોફ અને પુડિંગ પેશ થતાં હતાં. બાઉલમાં પુડિંગ સાથે પ્લેટ પર બ્રેડ આવતી. સુભાષે આ બ્રેડનો ઉપયોગ બ્રિટિશ જાસૂસોને છળવા માટે કર્યો. કોલકાતા અને અન્ય સ્થળોએ તેમના સાથીઓ માટે સૂચનાઓ લખીને નેતાજી એ બ્રેડમાં વચ્ચેના ભાગમાં છુપાવીને મોકલતાં રહ્યાં હતાં અને પોતાના ખાવા માટે તેમની પાસે પુડિંગ સર્વિંગ હતું.
નેતાજીના બટલર કાલુસિંહ લામાએ ભજવી ખાસ ભૂમિકા
નજરકેદના દિવસો દરમિયાન નેતાજીને તેમના અંગત બટલર કાલુ સિંહ લામા સિવાય બહારથી કોઈને મળવા કે વાત કરવાની મંજૂરી નહોતી. દરરોજ સવારે કાલુ તેની નાસ્તાની ટ્રે લઈને નેતાજીના રૂમ સુધી પહોંચતો અને મોટાભાગના દિવસોમાં સ્વતંત્રતા સેનાની આખી બ્રેડ ખાવાની ના પાડી દેતા. એક-બે ટુકડા ખાધા પછી પ્લેટમાં છોડી દેતા હતા અને કાલુ સિંહ તેનો નિકાલ કરવા માટે રસોડામાં પાછો લઇ આવતો હતો. પરંતુ એ અડધી ખાધેલી કે હળવી રીતે તૂટેલી બ્રેડમાં નેતાજીના પત્રો અને સૂચનાઓ હતી, જે પછી કાલુ ભેગી કરતો અને બાદમાં બધા બ્રિટિશ જાસૂસોના નાક નીચેથી કાઢવા પોતાના પગરખાંના તળિયાની અંદર છુપાવી કોલકાતામાં પહોંચાડી દેતો હતો.. ગિદ્દાપહારના કાલુસિંહ લામા નેતાજીની નજરકેદના દિવસોમાં નેતાજીના સાચા સાથી બન્યાં હતાં.
કાલુના પરિવારના સભ્યો એ સંસ્મરણો-વાતો જણાવે છે, જે તેમને કાલુસિંહ પાસેથી અને બાદમાં તેમની પુત્રી મોતી સુધી પહોંચાડવામાં આવી હતી. બાળકી મોતી નેતાજીની નજરકેદના દિવસોમાં ખાસ વ્યક્તિ હતી કારણ કે કાલુસિંહ સિવાય ફક્ત તેને જ નેતાજીની નજીક જવાની મંજૂરી આપવામાં આવી હતી. મોતીએ નેતાજી સાથે વિતાવેલા રમતિયાળ દિવસોને પ્રેમથી યાદ કર્યા હતાં. કાલુસિંહ અને તેમના વંશજોનો પરિવાર હંમેશા ગિદ્દાપહાર બંગલામાં રહે છે.
ગિદ્દાપહાર બંગલો હવે મ્યૂઝિિયમ બની ગયો છે
સંયોગે કરીને આ બંગલો સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝે 1922માં ખરીદ્યો હતો અને ત્યારથી બોઝ પરિવારે વર્ષમાં ઓછામાં ઓછા બે વાર અનોખી જગ્યાએ આવવાની અને રહેવાનો નિયમ બનાવ્યો હતો. સુભાષચંદ્ર પરિવારની નિયમિત મુલાકાત લેતા હતાં, જે 1935 સુધી ચાલતી રહી હતી. તે ઘર પોતાના પરિવારનું જ ઘર હતું જેમાં અંગ્રેજોએ નેતાજીને નજરકેદમાં રાખ્યાં હતાં. 1996માં આ બંગલો પશ્ચિમ બંગાળ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો અને બાદમાં એશિયન સ્ટડીઝ માટે નેતાજી ઇન્સ્ટિટ્યૂટને સોંપવામાં આવ્યો હતો. હવે તે એક સંગ્રહાલય છે, જેના દરેક ખૂણામાં વીરતા, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ અને નેતાજીની યાદગારો છે.
નેતાજીના બહારના લોકો સાથે સંપર્કના 27 પત્રો
Etv Bharat એ ગિદ્દાપહાર બંગલામાં મ્યુઝિયમ ક્યુરેટર ગણેશ પ્રધાન સાથે વાત કરી હતી. પ્રધાને કહ્યું કે નેતાજીએ પહાડીઓના બંગલામાં તેમની નજરકેદ દરમિયાન 26 પત્રો લખ્યા હતાં અને તેમને તે જ રીતે જવાબો મળતા હતાં. ગિદ્દાપહારમાંથી તેમના પત્રો રવીન્દ્રનાથ ટાગોર, જવાહરલાલ નેહરુ અને અન્ય ઘણાં લોકોને મોકલવામાં આવ્યાં હતાં. આ જ બંગલામાં જ નેતાજીએ 1938માં હરિપુરા કોંગ્રેસમાં આપેલા તેમના ભાષણનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
લીલીછમ ટેકરીઓ વચ્ચે આજે ગિદ્દાપહાર બંગલો ઊન્નત મસ્તકે ઉભો છે અને નેતાજી સુભાષચંદ્ર બોઝના રહસ્યો અને ભારતના સ્વતંત્રતા સંઘર્ષના ગુપ્ત ઇતિહાસને પોતાની અંદર ઢબૂરીને દરેક ઓરડાઓ અને ખૂણામાં સંતાડેલા છે.